દુનિયાભરમાં દર વર્ષે 21 જૂનના રોજ ઈન્ટરનેશનલ યોગ ડે ઊજવવામાં આવે છે. આ વર્ષે એટલે કે 2025માં 11મો ઈન્ટરનેશનલ યોગ ડે ઊજવવામાં આવશે. યોગ ડેના દિવસે સ્કૂલ, કોલેજ અને સરકારી કચેરીઓ ઉપરાંત ખાનગી ક્લબ, રિસોર્ટ તેમજ સોસાયટી, શહેરનાં નાનાં-મોટાં મેદાનો અને સ્ટેડિયમમાં યોગ ડે ઉજવાય છે. જે માટે મોટાભાગના લોકો યોગ કરીને યોગ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનું કામ કરે છે. યોગ ઉપર ઘણાં પુસ્તકો પણ લખાયાં છે અને યોગ માટે કેટલાક વર્લ્ડ રેકોર્ડ પણ બન્યા છે.
દુનિયાનો સૌથી નાનો બાળ યોગગુરુ
યોગના નામે ભારતમાં ઘણા ગિનીસ રેકોર્ડ નોંધાયા છે, જેમાં વ્યક્તિગત રેકોર્ડ અને સામૂહિક એવોર્ડ પણ સામેલ છે. ગત વર્ષે રાજસ્થાનના કોટા જિલ્લામાં રહેતા માત્ર 6 વર્ષીય બાળકે સૌથી નાના બાળ યોગગુરુ તરીકે પોતાનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવ્યું હતું. આ બાળકનું નામ પ્રત્યક્ષ વિજય છે અને તે જ્યારે ત્રણ વર્ષનો થયો હતો ત્યારથી જ મોટાભાગના યોગ કરવા સક્ષમ છે. તે ખૂબ જ સરળતાથી યોગ કરી જાણે છે, કારણ કે તેના કુટુંબમાં તેની માતા યોગ કરતાં હતાં. તેને જોઇને તે પણ યોગ કરતા શીખી ગયો. જોકે, પ્રત્યક્ષની યોગ પ્રત્યેની લગની જોઈ તેનાં માતા-પિતાએ તે જ સમયે તેેને યોગની પરફેક્ટ તાલીમ અપાવડાવી. આજે પ્રત્યક્ષ વિજયના નામે યોગના કુલ ચાર રેકોર્ડ છે, જે ઉપરોક્ત પ્રમાણે છે.
ઈન્ડિયન નેવીમાંથી રિટાયર વ્યક્તિનો યોગ રેકોર્ડ
ભારતે સમગ્ર વિશ્વને યોગ આપ્યા છે અને યોગ દ્વારા તમે તમારા સંપૂર્ણ શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખી શકો છો. યોગના અનેક પ્રકારો-આસનો છે જેનાથી તમને જે તે રોગમાં, જે તે દર્દમાં પણ રાહત મળે છે. અલબત્ત, જો તમે દરરોજ યોગ કરો છો તો યોગ તમને વૃદ્ધ થતા અટકાવે છે. એટલે કે તમે ઘડપણમાં પણ સ્ફૂર્તિ અનુભવી શકો છો. મૂળ યોગમાં કેટલાંક આસન દુર્લભ છે એટલે કે એવાં આસનો જેના વિશે ઓછા લોકો જાણે છે. આ આસનમાં મર્મેડ આસન(Mermaid Pose)નો સમાવેશ થાય છે. તેથી જ લોકોમાં યોગ પ્રત્યે જાગૃતિ આવે અને યોગનાં તમામ આસનો કરતા થયા તે માટે ઈન્ડિયન નેવીમાંથી રિટાયર થયેલા પવનકુમાર રાંઠાએ મર્મેડ આસન કરીને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે. હરિદ્વારમાં રહેતા પવનકુમાર રાંઠાએ કુલ 17 મિનિટ અને 30 સેકન્ડ સુધી મર્મેડ આસન કરીને દુનિયાભરમાં નામ રોશન કર્યું હતું. આ રેકોર્ડ તેમણે વર્ષ 2022માં નોંધાવ્યો હતો. તેમણે આ રેકોર્ડને લઇને જણાવ્યું હતું કે મારો હેતુ દેશ અને દુનિયાના લોકો આ મર્મેડ આસનથી જાગૃત થાય અને અન્ય યોગની સાથે આ યોગ પણ કરતા રહે એવો હતો. જોકે, મારે આ રેકોર્ડ નોંધવા માટે થોડો સંઘર્ષ કરવો પડ્યો હતો, પરંતુ આખરે આ સંઘર્ષ વિજયી નીવડ્યો હતો. આ આસનથી શરીરને ઘણો ફાયદો થાય છે. મૂળ આ આસનથી શરીરની માંસપેશીઓ ખૂબ જ લવચીક બને છે. વધુમાં આ આસન કરવાથી ખભો અને છાતી મજબૂત બને છે અને પાચનતંત્ર પણ મજબૂત બને છે.
એક શિક્ષિકાનો ગરુડાસન યોગ રેકોર્ડ
રાજસ્થાનના અજમેર જિલ્લાના માર્બલ સિટી તરીકે કિશનગઢ ઓળખાય છે. હવે આ કિશનગઢ એક શિક્ષિકાને લીધે પણ ફેમસ થયું છે. તે શિક્ષિકાનું નામ મોનિકા કુમાવત છે. તેમનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવ્યું હતું. વર્ષ 2021 દરમિયાન તેમણે યોગ દ્વારા વિશ્વપ્રસિદ્ધિ હાંસલ કરી હતી. તેમણે 33 મિનિટ 12 સેકન્ડ સુધી ગરુડાસનનો (એક પગ પર ઊભા રહેવાનો) રેકોર્ડ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવ્યો હતો. જે માટે તેઓએ ખૂબ જ મહેનત કરી હતી. તેઓ દરરોજ રેકોર્ડ નોંધવા માટે અલગથી સમય ફાળવતાં હતાં. તેમના જણાવ્યા પ્રમાણે ગરુડાસન કરવાથી હાથ-પગ મજબૂત બને છે અને શરીરની માંસપેશીઓ પણ વિશેષ મજબૂત બને છે. મોનિકા કુમાવતે આ રેકોર્ડ કરવામાં તેમના પરિવાર, ગુરુઓ, સ્કૂલના સ્ટાફ, વિદ્યાર્થીઓ અને ગિનીસ બુકના સદસ્યોનો દિલથી આભાર માન્યો હતો. તેમના આ રેકોર્ડ પર માત્ર રાજસ્થાન જ નહીં, પરંતુ સમગ્ર ભારતને ગૌરવ છે. અગાઉ પણ તેમણે 10 મિનિટ 158 સેકન્ડમાં 108 વખત સૂર્યનમસ્કાર કરીને સૌને ચોંકાવી દીધા હતા. જે માટે તેમનું નામ ઈન્ટરનેશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધવામાં આવ્યું હતું. અલબત્ત, તેઓ હજી પણ યોગમાં અવનવા રેકોર્ડ બનાવવા માટે સતત પ્રેક્ટિસ કરી રહ્યાં છે.
- હર્ષલ બ્રહ્મભટ્ટ
પ્રત્યક્ષ વિજયના ચાર યોગ રેકોર્ડ
વર્ષ 2023માં પ્રત્યક્ષે નવરાષ્ટ્ર પ્રતિયોગિતામાં માત્ર 2 જ મિનિટમાં 27 યોગ કરીને નેશનલ એવોર્ડ જીત્યો હતો.
પ્લાંક યોગ ઈન્ટરનેશનલ યોગ બુક ઓફ રેકોર્ડમાં પણ સૌથી નાની ઉંમરે એક યોગને સૌથી લાંબો સમય સુધી કરવાનો રેકોર્ડ પણ પ્રત્યક્ષના નામે છે.
વર્ષ 2024માં ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સૌથી નાની વયના યોગગુરુ-શિક્ષક તરીકેનો એવોર્ડ પણ પ્રત્યક્ષના નામે છે.
વર્ષ 2024માં પણ સૌથી નાના યોગગુરુ-શિક્ષક તરીકેનો રેકોર્ડ પ્રત્યક્ષના નામે છે. આ રેકોર્ડ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવ્યો છે.
