12-13 વર્ષનાં નહીં, પરંતુ 18-19 વર્ષનાં સંતાનોને પણ ભારતમાં માતા જ જમવાનું સર્વ કરે, લંચબોક્સ પેક કરે, બાથરૂમમાંથી એનાં કપડાં ધોવા નાંખે કે એની બેડની બેડસીટ બદલે એ એકદમ સહજ સામાન્ય દૃશ્ય છે.
નાનાં બાળકો તો ઠીક ટીનએજ સંતાનો પણ સ્કૂલબેગ લિવિંગ રૂમમાં મૂકી દે કે પોતાની ગેમ્સ-ટોયઝ મનફાવે ત્યાં નાંખે તો બહુધા પેરેન્ટ્સ એને ઇગ્નોર કરશે. ક્યાં તો થોડું બડબડ કરીને પોતે જ વસ્તુઓ યથાસ્થાને મૂકશે. બહારથી ગ્રોસરી, શાકભાજી કે ફળફળાદિ લાવવાનું કામ પણ ભાગ્યે જ બાળકને સોંપાય છે.
અરે! બાળકને ત્યાં બાળક આવે ત્યાં સુધી પેરેન્ટ્સ પોતાના રાજા બેટા અને પાપાની પરીને લાડ લડાવતાં રહે છે. તેથી આપણાં સંતાનોમાં જિંદગી જીવવા માટેની મૂળભૂત વિશિષ્ટતાઓ ઓછી જોવા મળે છે. મા-બાપ પર નિર્ભર રહેવું એ એમના માટે જરાય શરમજનક નથી અને પેરેન્ટ્સ પણ સંતાનોની આળપંપાળમાં એક અલગ પ્રકારની ખુશી અનુભવે છે, પરંતુ ચીનમાં આજકાલ રિવર્સ પેરેન્ટિંગની બોલબાલા છે. જેમાં બાળકો પેરેન્ટ્સની જેમ ઘરકામ કરે છે અને પેરેન્ટ્સની કેર કરે છે. ચીનમાંથી પ્રસારિત થયેલા અનેક વીડિયોમાં 2-10 વર્ષનાં બાળકો ઘરનું કામ કરે છે અને પેરેન્ટ્સ મ્યુઝિક સાંભળતાં-સાંભળતાં બાળકને જુએ છે અને ચીલ કરે છે.
આમ તો આપણે ત્યાં પહેલાં દાદી-નાની બાળકોને ઘરનું કામ સોંપતાં, પોતાની નાની-મોટી વસ્તુઓ બહારથી મંગાવતા કે બાજુમાં બેસાડીને શીખવતાં. વડીલોએ સોંપેલાં કામ માટે ના ન પડાય એટલે બાળકો કામ શીખતાં અને આત્મનિર્ભર બનતાં, પણ છેલ્લાં બે-ત્રણ દાયકામાં ભણતર અને ઇત્તર પ્રવૃત્તિના બોજના કારણે બાળકોને કશું કામ સોંપાતું નથી અને તેઓ પરાવલંબી અને પાંગળાં બનતાં જાય છે. માતા-પિતા બાળકોને સાચવવામાં પૂરાં થઇ જાય છે.
રિવર્સ પેરેન્ટિંગમાં બાળકોને એમની ઉંમર પ્રમાણે એ બધાં જ કામ સોંપાય છે, જે પેરેન્ટ્સ કરે છે. મતલબ કે બાળક પેરેન્ટ્સની ભૂમિકામાં આવે છે. જેમ માતા-પિતા ઓફિસેથી આવીને ઘરકામમાં જોડાય છે એમ બાળકો પણ સ્કૂલેથી આવીને ઘરની સફાઇ કરે છે. કૂકિંગ કરે છે અને બહારથી ચીજવસ્તુઓ પણ લઇ આવે. પેરેન્ટ્સ માત્ર એમને ગાઇડ કરે છે. બાળક કામ કરે એનાથી એનું બાળપણ છીનવાઈ જાય એવી માન્યતા એમના મનમાં નથી. બાળપણમાં બાળક જે શીખે છે, સંઘર્ષ કરે છે અને બેલેન્સ કરવાની કળા પ્રાપ્ત કરે છે, એનાથી એ માત્ર આત્મનિર્ભર નથી બનતું, પરંતુ `I Can do everything' એવો આત્મવિશ્વાસ જન્મે છે. જોકે, બાળકો પાસે વધુ કામ રોજ કરાવીને એમનો ભણવાનો-રમવાનો સમય છીનવી લેવાય એવું નથી, પરંતુ વીકમાં બે-ત્રણ દિવસ એમને જવાબદારી સોંપાય અને બાકીના દિવસ એમની રીતે એન્જોય કરવા દેવાય.
રિવર્સ પેરેન્ટિંગમાં આત્મનિર્ભરતા ઉપરાંત પેરેન્ટ્સ-બાળકના સંબંધો મજબૂત બને એ ફાયદો પણ છે, કારણ કે બાળક જ્યારે ખુદ જવાબદાર બને છે ત્યારે જ તેઓને પેરેન્ટ્સની જવાબદારી સમજાય છે. પેરેન્ટ્સ એમના માટે જે કરે છે તેની કિંમત પણ સમજાય છે. બાળકમાં પેરેન્ટ્સની આર્થિક સ્થિતિની સમજ આવે છે. બાળકો પેરેન્ટ્સ પાસે વગર વિચાર્યે મોંઘી ચીજવસ્તુઓની માંગણી કરે છે અને ન મળે તો જીદ કરશે, વિદ્રોહ કરશે કે અન્ય લોકો સાથે સરખામણી કરીને પેરેન્ટ્સનું અપમાન કરશે, પરંતુ જ્યારે બાળક ખુદ ખરીદી કરે છે, હિસાબ રાખે છે અને વસ્તુઓનો ઉપયોગ કરે છે ત્યારે પૈસાની કિંમત તેઓ સમજે છે. પેરેન્ટ્સ એમના માટે શું કરે છે? અને કઇ રીતે કરે છે એનો અહેસાસ થાય છે. તેથી એમની દાદાગીરી, જીદ અને વિદ્રોહ ઓછો થઇ શકે.
બીજું, બાળકના જન્મ પછી પેરેન્ટ્સ પર વધારાની જવાબદારી આવી જતાં તેઓ એકબીજા સાથે ક્વોલિટી ટાઇમ પસાર નથી કરી શકતા. કામનો બોજો સ્ટ્રેસ અને ઝઘડા વધારે છે, પરંતુ નાની-મોટી જવાબદારી બાળકો લેતાં થાય તો પેરેન્ટ્સ એકબીજા માટે ક્વોલિટી ટાઇમ કાઢી શકે. એમના સંબંધો સુધરે જેનાથી બાળકોમાં પણ ઇમોશનલ સિક્યોરિટી આવે, એમનો ઇમોશનલ સ્ટ્રેસ ઘટે.
જોકે, રિવર્સ પેરેન્ટિંગ માનીએ એટલું સરળ પણ નથી, કારણ કે પેરેન્ટ્સ જે રીતે બાળકને કામ સોંપે એ એમને અનુકૂળ ન પણ આવે. વળી, દરેક બાળકની લર્નિંગ કેપેસિટી તથા લાઇકિંગ-ડિસલાઇકિંગ અલગ રહેવાનાં. પેરેન્ટ્સ બે સંતાનોની કામ કરવાની કેપેસિટીની બાળપણથી જ સરખામણી કરશે તો બાળકના વ્યક્તિત્વ પર એની નેગેટિવ અસર પડશે. વળી, બાળક એ બાળક છે. એ બેવડી જવાબદારી ઉપાડવા માટે માનસિક રીતે તૈયાર ન પણ હોય. આવા સંજોગોમાં બાળક સ્ટ્રેસ અનુભવી શકે. ત્રીજું, બાળકને કામ સોંપતી વખતે પેરેન્ટ્સ અગર પ્રમાણભાન રાખે, પ્રેમથી ન વર્તે કે રિવોર્ડ ન આપે તો બાળક પર ભાવનાત્મક પ્રભાવ પડે, એ પેરેન્ટ્સ માટે નેગેટિવ બને, પેરેન્ટ્સમાં એને લાગણીનો અભાવ દેખાય.
રિવર્સ પેરેન્ટિંગ બાળકને માત્ર આત્મનિર્ભર નથી બનાવતું, પણ અનુશાસિત, સ્વતંત્ર અને જવાબદાર પણ બનાવે છે. અગર કેટલીક બાબતો ધ્યાનમાં રાખવામાં આવે તો ભારતમાં પણ રિવર્સ પેરેન્ટિંગ કારગર સાબિત થઇ શકે.
બાળક પર જરૂરથી વધારે કામનો બોજો નાંખવાની ભૂલ ન કરો.
રિવર્સ પેરેન્ટિંગનો હેતુ બાળકને જવાબદાર બનાવવાનો છે નહીં કે તણાવ આપવાનો.
વધારે કડકાઇ બાળકને નકારાત્મક બનાવી શકે.
કામની જવાબદારી હેઠળ નવી રમતો, પ્રવૃત્તિઓ અને મનોરંજનની પ્રવૃત્તિઓ ઓછી ન થાય.
બાળકને કામ અને જવાબદારી અંગે પ્રેમથી સમજાવાય અને સ્ટેપ બાય સ્ટેપ કામ સોંપાય.
