દરેક સંસ્કૃતિનો પોતાનો એક ઇતિહાસ છે અને એ ઇતિહાસના ગર્ભમાં અનેક કિલ્લાઓ અને ઇમારતો રહેલી છે. જેના વિશે આજે પણ જાણવાની ઇચ્છા થાય.

એવી જ એક ઇમારત કોલોસિયમ છે. ફ્લાવિયન એમ્ફી થિયેટર તરીકે ઓળખાતું કોલોસિયમ ઈટાલીની રાજધાની રોમ શહેરમાં આવેલું છે. તેને પ્રાચીન રોમન ઐતિહાસિક ધરોહરનું એક શાનદાર પ્રતીક માનવામાં આવે છે. નવાઇની વાત તો એ છે કે હજારો વર્ષો પહેલાં બનાવવામાં આવેલી આ ઇમારત આજે ખંડિત થઇ ચૂકી હોવા છતાં પણ વિશ્વભરના પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર છે. યુનેસ્કોએ તેને વિશ્વ ધરોહર સ્થળ તરીકે જાહેર કર્યું છે.

કોલોસિયમનો ઇતિહાસ

કોલોસિયમનું નિર્માણ ઈ.સ. પૂર્વ 72માં રોમના શાસક વૈસ્પેશિયન દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. પછી તેમના પુત્ર ટાઇટસે તેને ઈ.સ. પૂર્વ 80માં પૂર્ણ કર્યું હતું. આ એમ્ફી થિયેટર એટલું વિશાળ છે કે એમાં આશરે 50 હજારથી 80 હજાર લોકો બેસી શકે એવી ક્ષમતા ધરાવે છે. એવું કહેવાય છે કે, આ ઇમારતને ધ્યાનમાં રાખીને સ્ટેડિયમ બનાવવાનો વિચાર આવ્યો અને દેશ અને દુનિયામાં સ્ટેડિયમ્સ બનવા લાગ્યાં.

કોલોસિયમનો ઉપયોગ મુખ્યત્વે ગ્લેડિયેટર યુદ્ધો, પ્રાણીઓ સાથેની રમતો અને રોમન નાટકો માટે થતો હતો. ટૂંકમાં, ઓપન એર સ્ટેડિયમના રૂપમાં કોલોસિયમ પ્રખ્યાત હતું. એવું કહેવાય છે કે, કોલોસિયમમાં પ્રાણીઓની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. એ સ્પર્ધા દરમિયાન આશરે નવ હજાર જેટલાં પ્રાણીઓને મારી નાંખવામાં આવ્યાં હતાં. આ ઘટના પછી કોલોસિયમમાં અનેક પરિવર્તન કરવામાં આવ્યાં. જેમાં લોકોને બેસવાની ક્ષમતાને વધારવા માટે થિયેટરની ઉપરની બાજુ એક ગેલેરીનું નિર્માણ કરવામાં આવ્યું હતું. થોડા દાયકાઓ પછી આગ લાગવાને કારણે કોલોસિયમને ખાસ્સું નુકસાન થયું એ પછી ફરી તેનું રિપેરિંગ કામ કરવામાં આવ્યું. 12મી સદીમાં ફ્રાંગિપાને અને અન્નિબાલ્દી પરિવારો દ્વારા આ ઇમારતનો એક કિલ્લા તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો.

તેમ છતાં કોલોસિયમને કાલાંતરે ભૂકંપ અને અન્ય કુદરતી આફતોને કારણે નુકસાન થતું ગયું. જેના કારણે કોલોસિયમનો ઘણો ભાગ ધ્વસ્ત થઈ ગયો છે. 16મી અને 17મી શતાબ્દી દરમિયાન ચર્ચના અધિકારીઓએ કોલોસિયમની ઇમારતને ઊનના કારખાનામાં પરિવર્તિત કરવા માટે સરકારને માંગણી કરી, પરંતુ દુષ્કાળ પડવાને કારણે આ કાર્ય પૂર્ણ ન થઇ શક્યું. એ પછી કોલોસિયમનું પુનઃ નિર્માણ ઇ.સ. 1830, 1831 અને ઇ.સ. 1930માં થતું રહ્યું. તેનું પુનઃ નિર્માણ કરવા છતાં પહેલાં જેવું કોલોસિયમ તો ઊભું ન કરી શકાયું. તેમ છતાં તેનો બાકાત રહેલો ભાગ આજે પણ પાશ્ચાત્ય સંસ્કૃતિના સામર્થ્યનું પ્રતીક છે.

આધુનિક વાસ્તુકલાનો પ્રભાવ

આ ઐતિહાસિક ઇમારતનું નિર્માણ કોંક્રીટ અને રેતીથી કરવામાં આવ્યું હતું. કોલોસિયમ પોતાના વાસ્તુ અને એન્જિનિયરિંગ ચમત્કારો માટે પ્રસિદ્ધ છે. તે આશરે 189 મીટર લાંબું અને 156 મીટર પહોળું છે, જેમાં 48 મીટરની ઊંચાઈ છે, એટલે કે આશરે ચાર માળ જેટલું ઊંચું છે. તેનો આકાર ચતુષ્કોણ છે. તેમાં અનેક પ્રવેશદ્વાર હતાં, જેથી લોકો ઝડપથી અંદર પ્રવેશ કરી શકે. તેની અંદરની રચના એવી હતી કે તેમાં દર્શકો સાવધાનીપૂર્વક યુદ્ધો કે કાર્યક્રમો જોઈ શકે. કોલોસિયમની આંતરિક રચના તેમજ સીધી લાઈનો અને ત્રિજ્યાત્મક આરંભોને જોઈને તેના સમયની આર્કિટેક્ચરલ કુશળતાનું સ્પષ્ટ દર્શન થાય છે.

સાંસ્કૃતિક અને ધાર્મિક મહત્ત્વ

કોઇ પણ પ્રાચીન ઇમારત પાછળ તેના ઇતિહાસની સાથે કોઇ ને કોઇ મહત્ત્વ જોડાયેલું હોય છે. એ પછી સાંસ્કૃતિક કે ધાર્મિક હોઇ શકે છે. કોલોસિયમ સાથે પણ કંઇક આવું જ છે, તેનું ધાર્મિક મહત્ત્વ છે. ખાસ કરીને ખ્રિસ્તી માટે. આ સ્થળને ખ્રિસ્તીઓની શહાદત અને સહનશીલતાનું પ્રતીક માનવામાં આવે છે. દરેક ગૂડ ફ્રાઇડેના દિવસે પોપ એક મશાલ પ્રગટાવીને જુલુસનું નેતૃત્વ કરે છે, જે કોલોસિયમની આસપાસના ક્ષેત્રમાંથી શરૂ કરવામાં આવે છે. કોલોસિયમ એ માત્ર પથ્થરનો ઢાંચો નથી, પણ રોમના વૈભવશાળી ઇતિહાસ અને સંસ્કૃતિનું જીવતું જાગતું ઉદાહરણ છે.

તેનું અસ્તિત્વ બતાવે છે કે માનવ કુશળતા અને કલ્પનાશક્તિ સાથે કોઇ પણ વસ્તુનું નિર્માણ કરે છે. તે ભવિષ્યની પેઢીઓ માટે એક મહાન વારસો બની રહ્યો છે. દર વર્ષે લાખો પ્રવાસીઓ અહીં આવીને તેની રચના અને વૈભવશાળી ઇતિહાસના સાક્ષી બને છે.