જો કથ્થકનો એકાદો કાર્યક્રમ જોઈ લો તો સમજાય કે એ કેટલી અદ્ભૂત કળા છે. કથ્થકના કસબીઓ પગમાં ઝાંઝર પહેરે. અનુભવી કથ્થક વિશારદ હોય તે ઝાંઝરના રણકાર દ્વારા શ્રોતાના દિલના તાર ઝંકૃત કરી શકે.

કથ્થકના અનુભવીઓ ફક્ત ઝાંઝર દ્વારા વરસાદ વરસાવી શકે. હા, સામે બેઠેલા પ્રેક્ષકને એવી જ પ્રતીતિ થાય કે આ તો વરસાદ સાંભળ્યો! ઝાંઝરના અવાજ દ્વારા ધીમે ધીમે વાદળાં ઘેરાય, વાદળાં ઘેરાયા પછી ટીપ ટીપ ટીપ છાંટા પડે, પછી છાંટાની બુંદોનું કદ મોટું થાય. ધીમે ધીમે વરસાદની ગતિ વધે, વરસાદ હવે સાચે જ વરસવા લાગે, હેલી તૂટી પડે અને પછી મુશળધાર વરસાદ ચાલુ. એવો જ સાઉન્ડ આવે જેવો વરસતા વરસાદની વચ્ચે આવતો હોય. આ છે નૃત્યની તાકાત આને આ છે વરસાદની કમાલ.

સામાન્યત: વરસાદ એટલે ચોમાસુ અને ચોમાસુ એટલે તો મોન્સૂન. મોન્સૂન, ફ્રેંચમાં મૌસુન, મલયાલમમાં મન્સુન, અરેબિકમાં માવસીમ. આ બધા શબ્દો હિન્દી `મૌસમ'ના સગા હશે કે? કે પછી ઋતુ એટલે જ મોસમ અને મોસમ એટલે જ મોન્સૂન. અર્થાત્ શિયાળો-ઉનાળો તો સમજ્યા, સાચી મોસમ એટલે ફક્ત મોન્સૂન? શબ્દોમાં જ નહિ ચોમાસુ તો બધી રીતે બીજી ઋતુઓ ઉપર ભારે પડે. બીજી બધી મોસમો ઉપર તે હાવી થઇ બતાવે. વાતાવરણને થ્રીડી બનાવવાની ક્ષમતા ફક્ત વરસાદ પાસે જ છે. શિયાળાના સૂરજનાં હૂંફાળાં કિરણો કે ઉનાળાની કેરી કરતાં વરસાદનું નાનકડું ઝાપટું વધુ ત્વરાથી તરબતર કરી દે. હવામાં ફેલાયેલો ભેજ શરીરને, વરસાદનો એકધારો તૂટક અવાજ કાનને, ક્ષિતિજ પાસે ભેગા થયેલા કાળાં ડિબાંગ વાદળાં આંખને, પહેલા વરસાદનું શેડકઢું પાણી જીભને અને હવામાં ફેલાયેલી માટીની ખુશબો જીવતરને મઘમઘતું કરી દે. બીજી એક પણ એવી સીઝન ધ્યાનમાં ખરી જે એકસાથે પાંચેય સેન્સીઝ-ઇન્દ્રિયોને ઉત્તેજિત કરી મૂકે?

ક્યારેય વિચાર આવ્યો છે કે પૃથ્વી ઉપર આટલું બધું પાણી ક્યાંથી આવ્યું? પાણીનું એમ સર્જન ન થઇ શકે. તો આવ્યું ક્યાંથી? એક થિયરી મુજબ અવકાશમાંથી પાણી આવ્યું છે. એટલે કે જે પણ પાણી અત્યારે આપણી પાસે છે એ પૃથ્વીનું પોતાનું નહિ પણ પારકી ભેટ છે. હવે પાણીનું એક ટીપું ગરમી સહન થાય તેટલી સહન કરે નહીંતર પોતે બળી જઈ, વરાળમાં ફેરવાઈ જઈ પૃથ્વી ફરતે ફર્યા કરે, મહિનાઓ સુધી વાયુ રૂપે વાતાવરણમાં ફંગોળાયા કરે. પછી ક્યારેક કોઈ એક નાનો કણ મળતાં તેની આસપાસ વીંટળાઈ જઈ પોતાનો પુનર્જન્મ ફરીથી જીવે. એટલે કે પાણીની બુંદ બને. જ્યાંથી તે ઊકળીને વરાળ બન્યું હોય એ જગ્યાથી જોજનો દૂર પાણીનું નવું ટીપું બની, છેક ઊંચે આકાશમાંથી નીચે જમીન ઉપર ટપ કરતું પડે. કદાચ કોઈ યુવતીના ગાલ ઉપર. તેનો આ જન્મ-પુનર્જન્મનો ફેરો સાર્થક થઇ જાય! વરસાદ જેટલી પરફેક્ટ રિસાઈકલિંગની પદ્ધતિ હજુ સુધી માનવજાત નથી શોધી શકી.

ચોમાસુ પ્રેમિકા જેવું છે, એકદમ સંકીર્ણ, સમજમાં ન આવે એવું. બીજી કોઈ પણ સીઝન કરતાં સુપર કમ્પ્યૂટરનો સૌથી વધુ ડેટા ચોમાસુ ખાઈ જાય. ભલભલા સુપર કમ્પ્યૂટરને ખોટા પાડી શકે આ વરસાદ. અમસ્તા તો એને `લુચ્ચો વરસાદ' નહિ કહેવાતો હોયને. સ્કૂલમાં લુચ્ચો વરસાદ પાઠ ચાલતો હોય ત્યારે યાદ કરો. બહાર વરસાદ પડતો હોય. દીવાલ પાસે બેઠેલા આપણને વરસાદનો ઘેઘૂર અને કસાયેલો એવો પીઢ અવાજ જ સાંભળવા મળે અને એવા સમયે માસ્તર કોસ થીટા માઈનસ વન અપોન સેક નાઈન્ટીની કથા માંડતા હોય. ઉફ્ફ. ધોધમાર ભીંજવવાનું મન થતું હોય ત્યારે, ઓફિસના ટાઈ-બૂટમાં રહેવું પડે ત્યારે નોકરી દો ટકિયાની જ લાગે, લાખોના સાવન પાસે. મુશળધાર વરસાદ ચાલુ હોય અને એમાં બહાર નીકળવાની અદમ્ય ઈચ્છા.

રોમેરોમ નીતરતું હોય અને મનગમતી કંપની સાથે ચીપકીને વાછટનાં બિંદુઓમાં ખોવાઈ જવાનું. વીજળીના ચમકારા આશીર્વાદ આપતા હોય. મેહુલો છાતી ફાડીને વરસી રહ્યો હોય અને એમાંય આપણને વરસવાનું મન થાય. પાણીમાં તરબોળ થઇને પોતાના ગમતીલા પાત્રમાં લીન થઇ જવાનું. બારે મેઘ ખાંગા થઇ જાય, પણ કાળજામાં ભીનાશ તો ન જ ઊતરે જો એ સાથે ન હોય. અને જો એ સાથે હોય તો મુશળધારનું મુશળ જેવું અણિયાળું પાણી ભોંકાવાને બદલે વહાલું લાગે. સાંબેલાધાર વરસાદ ઝાડને, ફૂલને, ખેતરોને, ઈકોનોમીને, શેરબજારના લીલા એરોને જેમ ઈરોટિક ઈરોટિક બનાવી દે, પણ જો એ સાથે ન હોય તો સૂકા ને સુક્કા.

ભીનાશની ગર્તા સુધી પલળીને આવ્યા પછી કોરા થવાનું મન કેમ થાય? વરસાદ ચાલુ હોય, શ્રીકાર વર્ષાનો એકધારો સુધીંગ સાઉન્ડ કાનમાં રેડાતો હોય, હવામાં ભેજનું સામ્રાજ્ય સ્થપાયું હોય, હજુ પણ ઠંડીનું લખલખું પસાર થઇ જતું હોય, શરીર ધ્રુજારી અનુભવતું હોય, આજુબાજુનું દરેક દૃશ્ય ચમકતું લાગતું હોય, અચાનક પૃથ્વીનો આલ્બેડો (ચમકઆંક) વધી ગયો હોય એવું ભાસતું હોય, તાજી ફૂટેલી કૂંપળ જેવી તાજગી આવું આવું થઇ રહી હોય, એવા સમયે બારી પાસે એક ગમતી સ્ટોરી અને કોફી! સ્વર્ગના ડેમો માટે આનાથી વધુ તો શું જોઈએ?

પણ નહિ કદાચ આવી વાતો હવે કોઈ લેખની કે કોઈ વીડિયોની જ વાત બનીને રહી જશે. આપણે બેફામ પ્રદૂષણ કરી કરીને કુદરતની આખી સિસ્ટમ વીખીપીંખી નાખી છે. વરસાદ પણ ક્યાં પહેલાં જેવો મન મૂકીને વરસે છે? ઘણા અનિદ્રાના રોગીને વરસાદનો સાઉન્ડ સંભળાવવામાં આવતો હોય છે. યુ ટ્યૂબ પર વરસાદના અવાજવાળા 9-10 કલાક લાંબા ઓડિયો મળી જશે, પણ પહેલાં જેવો વરસાદ ખાબકતો, આખી જીવસૃષ્ટિને ભીંજવી નાખતો, એવો વરસાદ હવે ક્યાં? અથવા તો હજુ કેટલાં વર્ષ?