1. દ્વારકાધીશ મંદિર, ગુજરાત

ગુજરાતમાં પવિત્ર ગોમતી નદીના કિનારે આવેલું જગત મંદિર એટલે દ્વારકાધીશ મંદિર. પરંપરાગત હિન્દુ સ્થાપત્યકળા, ઊંચાં શિખરો અને કલાત્મક થાંભલાઓ ધરાવતું આ મંદિર ભવ્યતાનું અનોખું પ્રતીક છે. પૌરાણિક માન્યતા અનુસાર ભગવાન શ્રીકૃષ્ણના પ્રપૌત્ર વ્રજનાભ દ્વારા ભગવાનના નિવાસસ્થાન `હરિ-ગૃહ' પર આ પવિત્ર મંદિરનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું. અહીં વહેલી સવારે થતી મંગળા આરતીથી લઈને રાતની શયન આરતી સુધીના નિત્યક્રમનું વિશેષ આધ્યાત્મિક મહત્ત્વ છે. જન્માષ્ટમી અને દિવાળી જેવાં પર્વો દરમિયાન અહીં વિશાળ સંખ્યામાં યાત્રાળુઓ દર્શનાર્થે આવે છે.   

2. બાંકે બિહારી મંદિર, વૃંદાવન

ઉત્તર પ્રદેશના પવિત્ર યાત્રાધામ વૃંદાવનમાં સ્થિત બાંકે બિહારી મંદિર રાજસ્થાની સ્થાપત્ય અને પથ્થરની બારીક નકશીકામ માટે જાણીતું છે. અહીં ભગવાન શ્રીકૃષ્ણ `ત્રિભંગ' મુદ્રામાં વાંસળી વગાડતા બિરાજે છે, જેમના મનમોહક દર્શન ભક્તોને મંત્રમુગ્ધ કરે છે. આ મંદિરની ખાસ પરંપરા મુજબ, દર્શન દરમિયાન થોડી-થોડી વારે પડદો ખેંચવામાં આવે છે, જેથી કોઈ ભક્તની નજરથી ઠાકોરજી પ્રભાવિત ન થાય. આ ઉપરાંત પવિત્ર શ્રાવણ માસનો હિંડોળા ઉત્સવ (ઝૂલન યાત્રા) અહીં અત્યંત ભક્તિભાવથી ઉજવાય છે.   

3. ગુરુવાયુર મંદિર, કેરળ

કેરળમાં સ્થિત ગુરુવાયુર મંદિર દક્ષિણ ભારતીય પરંપરાગત કાષ્ઠકળા અને ઊંચા ગોપુરમથી સુશોભિત છે. પૌરાણિક કથા અનુસાર વૈકુંઠમાં પૂજાયેલી ભગવાન શ્રીકૃષ્ણની આ પવિત્ર પ્રતિમા દેવગુરુ બૃહસ્પતિ અને વાયુદેવ દ્વારા પૃથ્વી પર પધરાવવામાં આવી હતી. આ મંદિર તેના કઠિન નિયમો, દૈનિક પૂજાવિધિ અને ભગવાનના જીવનચરિત્ર પર આધારિત શાસ્ત્રીય નૃત્ય `કૃષ્ણનાટ્ટમ' માટે ખૂબ પ્રખ્યાત છે. અહીં કરવામાં આવતી `ઉદયાસ્તમની પૂજા'નું ઘણું મહત્ત્વ છે. ગુરુવાયુર એકાદશી અને વિશુ જેવા તહેવારો પર અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે.   

4. જગન્નાથ મંદિર, પુરી

ઓરિસ્સાના પુરીમાં સમુદ્ર કિનારે સ્થિત જગન્નાથ મંદિર કલિંગ સ્થાપત્યકળાનું અજોડ ઉદાહરણ છે. પૌરાણિક કથા મુજબ રાજા ઇન્દ્રદ્યુમ્નને સ્વપ્નમાં મળેલા દૈવી આદેશથી સમુદ્રકાંઠે આવેલા લાકડામાંથી આ દિવ્ય મૂર્તિઓ કંડારવામાં આવી હતી. અષાઢી બીજે યોજાતી વિશ્વપ્રસિદ્ધ `રથયાત્રા'માં લાખો શ્રદ્ધાળુઓ પ્રભુના રથ ખેંચીને ધન્યતા અનુભવે છે. અહીં ભગવાનને ધરાવવામાં આવતો `છપ્પન ભોગ' મહાપ્રસાદ દેશભરમાં વિખ્યાત છે. મંદિરનું ગગનચુંબી શિખર અને તેની સાથે જોડાયેલા અસંખ્ય ચમત્કારો શ્રદ્ધાળુઓમાં અતૂટ આસ્થાનું કેન્દ્ર બન્યા છે. 

5. રાજગોપાલાસ્વામી મંદિર, મન્નારગુડી

તમિલનાડુના મન્નારગુડીમાં આવેલું રાજગોપાલાસ્વામી મંદિર તેના વિશાળ પરિસર, ભવ્ય ગોપુરમ અને વિશાળ પ્રાંગણ માટે વિશ્વવિખ્યાત છે. લોકવાયકા અનુસાર મહર્ષિ વિશ્વામિત્ર દ્વારા અહીં ભગવાન રાજગોપાલાસ્વામી(શ્રીકૃષ્ણ)નું સ્થાપન કરવામાં આવ્યું હતું. મંદિર તેની પ્રાચીન દ્રવિડિયન શૈલી, વિધિવત્ દૈનિક પૂજાઓ અને વાર્ષિક `બ્રહ્મોત્સવ' માટે જાણીતું છે. ઉત્સવ દરમિયાન ભગવાનને વિવિધ સુંદર વાહનો પર બિરાજમાન કરી ભવ્ય પાલખી યાત્રા અને તેપોત્સવ (ફ્લોટ ફેસ્ટિવલ) યોજાય છે, જેમાં ભાગ લેવા ભારતભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો એકત્રિત થાય છે.   

6. ઉડુપી શ્રીકૃષ્ણ મઠ, કર્ણાટક

કર્ણાટકના ઉડુપીમાં સ્થિત શ્રીકૃષ્ણ મઠની સ્થાપના 13મી સદીમાં મહાન દ્વૈતવાદી સંત મધ્વાચાર્યજી દ્વારા કરવામાં આવી હતી. આ મંદિરની સૌથી અનોખી વિશેષતા એ છે કે અહીં ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિનાં દર્શન નવ છિદ્રોવાળી વિશેષ ચાંદીની બારી `કનકના વિન્ડો'(કનકના કિંદી)માંથી કરવામાં આવે છે. આ મંદિર દર બે વર્ષે યોજાતા ભવ્ય `પર્યાય મહોત્સવ' માટે જાણીતું છે, જેમાં મઠનું સંચાલન વિધિવત્ રીતે બીજા મઠાધીશને સોંપવામાં આવે છે. અહીં શાંતિપૂર્ણ વાતાવરણમાં સવારથી રાત સુધી ભક્તિભાવથી પૂજા-દર્શન ચાલે છે.   

7. વૃંદાવન ચંદ્રોદય મંદિર, ઉત્તર પ્રદેશ

વૃંદાવનમાં નિર્માણ પામી રહેલું આ મંદિર વિશ્વનાં સૌથી ઊંચાં ધાર્મિક સ્થાપત્યો પૈકીનું એક બનવા જઈ રહ્યું છે. આ ભવ્ય મંદિર પરંપરાગત ભારતીય વાસ્તુશિલ્પ અને અત્યાધુનિક ઇજનેરી કળાનો અદ્ભુત સમન્વય રજૂ કરે છે. મંદિરનો મુખ્ય ઉદ્દેશ ભગવાન શ્રીકૃષ્ણની દિવ્ય લીલાઓને આધુનિક તકનીકી માધ્યમથી ઉજાગર કરવાનો છે. અહીં ભગવદ્ગીતાના સંગીતમય પાઠ, પ્રદર્શન અને લેસર લાઇટ એન્ડ સાઉન્ડ શો દ્વારા શ્રીકૃષ્ણનું જીવનચરિત્ર દર્શાવવામાં આવે છે. જન્માષ્ટમી અને હોળી ઉત્સવ પર અહીં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ પધારે છે.   

8. શ્રીનાથજી મંદિર, નાથદ્વારા

રાજસ્થાનના નાથદ્વારામાં સ્થિત શ્રીનાથજી મંદિર હવેલી સંગીત અને શુદ્ધ રાજસ્થાની શૈલીની સ્થાપત્યકળાનું ઉત્તમ પ્રતીક છે. પૌરાણિક માન્યતા અનુસાર ગોવર્ધન પર્વત પરથી સ્વયં પ્રગટ થયેલી શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપની પ્રતિમા અહીં બિરાજમાન છે. આ મંદિર પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરંપરાનું પ્રમુખ કેન્દ્ર છે. અહીં ઠાકોરજીની અષ્ટ પ્રહર સેવા, ખાસ કરીને વહેલી સવારે થતી `મંગળા આરતી'નાં દર્શનનું ઘણું મહત્ત્વ છે. જન્માષ્ટમી, અન્નકૂટ અને હોળી જેવાં પર્વો પર મંદિર પરિસરમાં ભક્તિ, ઉત્સાહ અને અલૌકિક આનંદ છવાઈ જાય છે.   

9. રાધા રમણ મંદિર, વૃંદાવન

વૃંદાવનમાં સ્થિત પ્રાચીન રાધા રમણ મંદિર ભક્તિ આંદોલનનું મહત્ત્વપૂર્ણ ઐતિહાસિક તીર્થધામ છે. માન્યતા અનુસાર ગોપાલ ભટ્ટ ગોસ્વામીજીની અનન્ય ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શાલિગ્રામ શિલામાંથી સ્વયં પ્રગટ થયા હતા. આ મંદિરમાં રાધારાણીની કોઈ મૂર્તિ નથી, પરંતુ ઠાકોરજીની બાજુમાં મૂકેલો મુગટ તેમની દિવ્ય ઉપસ્થિતિ દર્શાવે છે. અહીં 500 વર્ષથી પણ વધુ સમયથી અખંડ અગ્નિ પ્રજ્વલિત છે, જેનાથી ઠાકોરજીનો ભોગ રાંધવામાં આવે છે. પ્રભુના પ્રાગટ્ય ઉત્સવ, જન્માષ્ટમી અને હોળી પર દેશ-વિદેશથી કૃષ્ણભક્તો અહીં ઊમટી પડે છે.   

10. પ્રેમ મંદિર, વૃંદાવન

વૃંદાવનની પાવન ભૂમિ પર જગદ્ગુરુ કૃપાલુજી મહારાજ દ્વારા નિર્મિત પ્રેમ મંદિર આધુનિક મંદિર નિર્માણકળાનું અદ્ભુત ઉદાહરણ છે. સમગ્ર મંદિર વ્હાઇટ ઇટાલિયન માર્બલથી બનેલું છે, જેના બહારના ભાગ પર ભગવાન શ્રીકૃષ્ણ અને રાધારાણીની મનોહર લીલાઓનું બારીક નકશીકામ કરવામાં આવ્યું છે. સાંજના સમયે થતી આકર્ષક રંગબેરંગી રોશની અને સંગીતમય `લાઇટ એન્ડ સાઉન્ડ શો' મુલાકાતીઓનું મન મોહી લે છે. મંદિર પરિસર સવારથી સાંજ સુધી ભક્તો માટે ખુલ્લું રહે છે અને તહેવારોમાં લાખો શ્રદ્ધાળુઓ અહીં પધારે છે.   

11. ગોવિંદ દેવજી મંદિર, જયપુર

રાજસ્થાનના જયપુરસ્થિત સિટી પેલેસ સંકુલમાં આવેલું આ પવિત્ર મંદિર મુઘલ અને રાજપૂત સ્થાપત્ય શૈલીનો અદ્ભુત સમન્વય દર્શાવે છે. ઐતિહાસિક દૃષ્ટિએ રાજા સવાઈ જયસિંહ બીજા દ્વારા આ પવિત્ર વિગ્રહને વૃંદાવનથી જયપુર લાવવામાં આવ્યો હતો. આ મંદિરનો વિશાળ સત્સંગ હોલ કોઈ પણ થાંભલા વિના નિર્મિત વિશ્વના મોટા હોલમાં સ્થાન ધરાવે છે. અહીં ઠાકોરજીની સાત વખત થતી દૈનિક આરતી અને ઉનાળામાં થતી શીતળ `ફૂલ બંગલા' ઝાંખી અત્યંત મનોહર હોય છે. જન્માષ્ટમીએ અહીં ભક્તિનો સાગર છલકાય છે.   

12. રણછોડરાયજી મંદિર, ડાકોર

ગુજરાતના ખેડા જિલ્લાના ડાકોરમાં સ્થિત રણછોડરાયજી મંદિર પરંપરાગત ગુજરાતી સ્થાપત્યકળા અને કોતરણીકામનું સુંદર ઉદાહરણ છે. આ મંદિર સાથે ભક્ત બોડાણાની અનન્ય ભક્તિની કથા જોડાયેલી છે, જેમના પ્રેમવશ થઈ પ્રભુ દ્વારકાથી ડાકોર પધાર્યા હતા. યુદ્ધભૂમિ છોડવાને કારણે પ્રભુ અહીં `રણછોડરાય' કહેવાયા. મંદિરમાં ઠાકોરજીનાં ભવ્ય શૃંગાર દર્શન અને `માખણચોર' ભોગનું વિશેષ મહત્ત્વ છે. પૂનમના દિવસે તેમજ જન્માષ્ટમી અને હોળી-ધુળેટીના પર્વે હજારો પદયાત્રીઓ પ્રભુ રણછોડના દર્શનાર્થે ડાકોર પહોંચે છે.   

13. શ્રીકૃષ્ણ મંદિર, અંબાલાપુઝા

કેરળના અંબાલાપુઝામાં આવેલું શ્રીકૃષ્ણ મંદિર પરંપરાગત કેરાલિયન શૈલીના લાકડાના સુંદર કોતરણીકામ અને પ્રાચીન ભીંતચિત્રો માટે જાણીતું છે. આ મંદિર તેના વિશિષ્ટ મીઠા પ્રસાદ `અંબાલાપુઝા પાલપાયસમ' (દૂધ-ચોખાની ખીર) માટે દેશભરમાં પ્રસિદ્ધ છે, જેની પાછળ એક પૌરાણિક કથા જોડાયેલી છે. દર વર્ષે મલયાલમ મહિના મીનમ (માર્ચ-એપ્રિલ) દરમિયાન યોજાતો વાર્ષિક ઉત્સવ અહીંનું મુખ્ય આકર્ષણ છે, જેમાં ભવ્ય શોભાયાત્રા અને શાસ્ત્રીય સંગીત-નૃત્ય પ્રસ્તુત થાય છે. ઉત્સવ દરમિયાન અહીં હજારો શ્રદ્ધાળુઓ પ્રભુના આશીર્વાદ મેળવવા એકત્રિત થાય છે.   

14. ઇસ્કોન મંદિર, માયાપુર

પશ્ચિમ બંગાળના નવદ્વીપ-માયાપુરમાં ગંગા નદીના કિનારે આવેલું ઇસ્કોન મંદિર વૈષ્ણવ પરંપરા અને વૈશ્વિક આધ્યાત્મિક સંસ્કૃતિનું પ્રમુખ કેન્દ્ર છે. શ્રીલ પ્રભુપાદ દ્વારા સ્થાપિત આ સંકુલ આંતરરાષ્ટ્રીય કૃષ્ણભાવનામૃત સંઘ(ISKCON)નું વૈશ્વિક વડુંમથક છે. અહીં દરરોજ ચાલતું અવિરત હરે કૃષ્ણ મહામંત્ર સંકીર્તન વાતાવરણને દિવ્ય બનાવે છે. ચૈતન્ય મહાપ્રભુના પ્રાગટ્ય પર્વ `ગૌર પૂર્ણિમા' નિમિત્તે અહીં વિશ્વભરમાંથી લાખો ભક્તો આવે છે. આ મંદિર વિશ્વશાંતિ, ભક્તિભાવ અને આધ્યાત્મિક જ્ઞાનના પ્રસારનું મહત્ત્વનું કેન્દ્ર છે.   

 15. ઇસ્કોન મંદિર, નવી દિલ્હી

નવી દિલ્હીના શાંત હરે કૃષ્ણ હિલ્સ (ઈસ્ટ કૈલાસ) વિસ્તારમાં આવેલું આ ઇસ્કોન મંદિર પરંપરાગત અને આધુનિક સ્થાપત્ય શૈલીનું સુંદર મિશ્રણ છે. આ ભવ્ય પરિસરમાં નકશીદાર ગર્ભગૃહ, આકર્ષક ચિત્રો અને વિશાળ પ્રાર્થના સભાગૃહો આવેલાં છે. અહીં દરરોજ નિયમિત આરતી, મધુર હરિનામ સંકીર્તન, શ્રીમદ ભગવદ્ગીતા આધારિત પ્રવચનો અને નિઃસ્વાર્થ સમાજસેવા જેવી આધ્યાત્મિક પ્રવૃત્તિઓ ચાલે છે. જન્માષ્ટમી અને રાધાષ્ટમી જેવાં મોટાં પર્વો પર દેશ-વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ અહીં વિશેષ પૂજા-અર્ચના માટે ઊમટી પડે છે. મંદિર વહેલી સવારથી મોડી સાંજ સુધી ભક્તોનાં દર્શન માટે ખુલ્લું રહે છે.                                                                      


આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો