ભારતની ધરતી ફક્ત જીવિત પરંપરાઓની નથી, પરંતુ લુપ્ત થઇ ગયેલ મહાન સભ્યતાઓની પણ સાક્ષી છે. અહીંની માટીમાં કેટકેટલી સભ્યતાઓ દટાયેલી છે, જેમાં કાલીબંગાનો પણ સમાવેશ થાય છે. રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લામાં કાલીબંગા આવેલું છે. જે પ્રાચીન નગર સિંધુ ઘાટી સભ્યતાની મુખ્ય શાખામાંની એક શાખા હોવાનું મનાય છે. કાલીબંગા નામ સામાન્ય રીતે અપરિચિત છે, પરંતુ તેના ગર્ભમાં છુપાયેલ ઇતિહાસ ભારતની સંસ્કૃતિ અને વૈજ્ઞાનિક વિરાસતની અમૂલ્ય ધરોહર છે. વિલુપ્ત થયેલી અને રહસ્યમય ધરોહર એવી કાલીબંગા સભ્યતા વિશે જાણીએ.
કાલીબંગાનો ઇતિહાસ
કાલીબંગા, સિંધુ ઘાટી સભ્યતા કે જેને હડપ્પા સભ્યતાના નામથી પણ ઓળખવામાં આવે છે. એનું નગર નિયોજન, કિલ્લાનું નિર્માણ વગેરેને જોતાં તેને હડપ્પા અને મોહેં-જો-દડોની સમકક્ષ માનવામાં આવે છે. કાલીબંગાના ખોદકામ પૂર્વે હડપ્પા કાળ આશરે 2900-2600 ઇ.સ. પૂર્વ હોવાનું મનાય છે. જ્યારે કાર્બન ડેટિંગ પદ્ધતિ અનુસાર કાલીબંગા સભ્યતાનો સમય 2350 ઇ.સ. પૂ.થી 1750 ઇ.સ. પૂ. માનવામાં આવે છે. આ પ્રાચીન નગરની ભૂગોળ અને વાસ્તુકલા અત્યંત સુવ્યવસ્થિત હતી. નગર બે મુખ્ય ભાગોમાં વહેચાયેલું હતું. જેમાં એક ઊંચો કિલ્લો હતો, જે પ્રશાસનિક અથવા ઉચ્ચ વર્ગના લોકોનું નિવાસસ્થાન હતું અને બીજો નીચલું નગર જ્યાં સામાન્ય જનતા રહેતી હતી. બંને ભાગની ચારેબાજુ ઊંચી દીવાલો હતી. કાલીબંગાનાં મકાનો સુવ્યવસ્થિત રીતે ઇંટોમાંથી બનેલાં હતાં. જેમાં રૂમ, રસોડું, શૌચાલયનો સમાવેશ કરવામાં આવ્યો હતો. અમુક ઘરમાં તો કૂવા પણ જોવા મળ્યા હતા, જે એ સમયની ઉન્નત જીવનશૈલીને દર્શાવે છે. કાલીબંગાની ઓળખ 1952માં ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ તત્કાલીન નિર્દેશક અમલાનંદ ઘોષે કરી હતી, જ્યારે વૈજ્ઞાનિક ખોદકામ 1960ના દાયકામાં કરવામાં આવ્યું હતું. આ ખોદકામના પ્રમાણને જોતાં કાલીબંગાને સિંધુ ઘાટી સભ્યતાની એક વિશિષ્ટ શાખા તરીકે સ્થાપિત કરવામાં આવી છે. પુરાતત્ત્વ સર્વેક્ષણમાં મળી આવેલા પુરાવા અનુસાર એવો પણ ખુલાસો થયો છે કે, ત્યાં હવન જેવી ધાર્મિક ક્રિયાઓ કરવામાં આવતી હતી.
કાલીબંગાનો કાળી બંગડી સાથે સંબંધ
આપણને એવો વિચાર આવે કે, કાલીબંગા એવું નામ શા માટે પાડવામાં આવ્યું હશે. કાલીબંગાનો અર્થ કાળી બંગડી એવો થાય છે. કાલીનો અર્થ કાળો રંગ જ્યારે બંગાને પંજાબી ભાષામાં બંગડી કહે છે. કાલીબંગા નામ એટલા માટે પડ્યું, કારણ કે અહીંના ખોદકામમાં વિપુલ પ્રમાણમાં કાળા રંગની બંગડીઓ મળી આવી હતી, જે ખાસ કરીને ટેરાકોટા, પથ્થર અને તાંબામાંથી બનેલી હતી. જે એ સમયની સાંસ્કૃતિ સમૃદ્ધિ અને આભૂષણોના ચલણને દર્શાવે છે. સામાન્ય રીતે આપણે ત્યાં કાળા રંગની બંગડીને અશુભ માનવામાં આવે છે, પરંતુ કાલીબંગા સભ્યતામાં કાળી બંગડીને કદાચ શુભ માનવામાં આવતી હશે, કારણ કે ત્યાંની મોટાભાગની મહિલાઓનાં હાડપિંજરમાંથી કાળી બંગડી મળી આવી હતી. એના ઉપરથી કાલીબંગામાં કાળી બંગડી શુભ હોવાનો સંકેત મળે છે.
કાલીબંગાનું પતન
તેના પતન પાછળ કુદરતી કારણોને જવાબદાર માનવામાં આવે છે. ખોદકામ દરમિયાન ઇમારતમાં પડી ગયેલી તિરાડોને જોતાં વિદ્વાનોએ ભયંકર ભૂકંપ આવ્યો હોવાનું અનુમાન લગાવ્યું છે. આ ઉપરાંત કાલીબંગા સરસ્વતી નદીના કિનારે આવેલું હતું. ઐતિહાસિક અને પુરાતાત્ત્વિક પુરાવાથી સ્પષ્ટ થયું છે કે, સરસ્વતી નદી સુકાઇ ગઇ હોય અથવા તેનો માર્ગ બદલાઇ જવાથી ખેતી અશક્ય બની ગઇ હોય, એ પણ કાલીબંગાના પતન માટે જવાબદાર હોઇ શકે છે, કારણ કે કાલીબંગા સભ્યતા ખેતી અને પશુપાલન ઉપર નિર્ભર હતી.
મેસોપોટેમિયા સાથે સંબંધ
ખોદકામ દરમિયાન કાલીબંગામાં મેસોપોટેમિયાના સિક્કા મળ્યા હતા. મેસોપોટેમિયા વેપારનું એક મહત્ત્વપૂર્ણ બંદર હતું. તેનું વેપારિક નેટવર્ક ભારતની સિંધુ ઘાટી સભ્યતા સુધી પણ ફેલાયેલું હતું. કાલીબંગામાં મેસોપોટેમિયાના મળેલા સિક્કા ઉપરથી કહી શકાય કે, બંને વચ્ચે વેપાર અને સાંસ્કૃતિક આદાનપ્રદાન થતું રહેતું હશે.
કાલીબંગાની વર્તમાન સ્થિતિ
ધોળાવીરા, મોહેં-જો-દડોની જેમ કાલીબંગા આજે એક પુરાતત્ત્વ સ્થળ તરીકે સુરક્ષિત છે. જ્યાં ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણે (એએસઆઇ) એક નાનકડા સંગ્રહાલયની સ્થાપના પણ કરી છે. આ સંગ્રહાલયમાં ખોદકામ દરમિયાન મળેલી વસ્તુઓ, સાધનો અને સ્થળના નકશા રજૂ કરવામાં આવ્યા છે. ઇતિહાસ અને પુરાતત્ત્વમાં રસ ધરાવતા શોધકર્તાઓ તથા પ્રવાસીઓ માટે મહત્ત્વપૂર્ણ આકર્ષણ છે. પર્યટક સુવિધાઓમાં ખામી અને જનજાગરૂકતાના અભાવને કારણે કાલીબંગા લોકોમાં અપરિચિત જ રહ્યું.
