દોસ્તો, તમે કુદરતના અનોખા જાદુગરો વિશે સાંભળ્યું છે? આજે આપણે એક એવા જ નાનકડા, ચંચળ અને મનમોહક પક્ષી વિશે જાણીશું, જેને `કોમન અયોરા' કહેવાય છે અને ઘણા લોકો તેને પ્રેમથી `જેરી' પણ કહે છે.
આ પક્ષી કદમાં આપણી નાની ચકલી જેટલું જ હોય છે. નર (પુરુષ) પક્ષીનો રંગ ચમકતો પીળો અને પાંખો ઘાટી કાળી હોય છે, જેના પર બે સફેદ પટ્ટા સ્પષ્ટ દેખાય છે. માદા પક્ષી થોડું પીળાશ પડતું લીલું અને આછા રંગનું હોય છે. ચોમાસાની ઋતુમાં નર અયોરા વધુ ચમકદાર પીળો અને કાળો બની જાય છે. તેનાં પીંછાંનો આ નવો લુક ખૂબ જ સુંદર લાગે છે.
તે મુખ્યત્વે ઝાડની ઘાટી ડાળીઓ, બગીચાઓ, ખેતરો અને જંગલોમાં રહેવું પસંદ કરે છે. તે ખૂબ ચંચળ હોવાથી એક ડાળીથી બીજી ડાળી પર સતત કૂદાકૂદ કરતું રહે છે.
તેને ઝાડનાં પાંદડાં પરથી નાના-નાના કીડા, ઈયળો અને કરોળિયા શોધીને ખાવાની બહુ મજા પડે છે. ખોરાક શોધવા માટે તે ઝાડની ડાળીઓ પર ઊંધા ચત્તાં લટકીને પણ શિકાર કરી લે છે. આ નાનકડું પક્ષી ખૂબ સરસ સીટી વગાડી શકે છે. તે `ટ્વી-ટ્વી' અને 'વ્હીઈઈ-ઓઓ' જેવા લાંબા, મધુર અને સ્પષ્ટ અવાજ કાઢીને બગીચાને ગજવી મૂકે છે. માદા પક્ષીને આકર્ષવા માટે નર અયોરા હવામાં ઊંચે ઊડીને પોતાની પાંખો ફફડાવે છે. પીંછાં ગોળ ફુલાવે છે અને કલરફુલ બોલની જેમ રોકેટની જેમ નીચે આવે છે. આ દૃશ્ય જોવાની ખૂબ મજા પડે છે. આ પક્ષી ઝાડની ડાળીઓના વળાંકમાં કરોળિયાનાં જાળાં અને ઘાસનો ઉપયોગ કરીને વાટકી જેવો નાનકડો, મજબૂત અને સુંદર માળો બનાવે છે. જો તમે બગીચામાં પીળા રંગનું નાનું પક્ષી સીટી વગાડતું જુઓ, તો સમજી જજો કે એ આપણું વહાલું `જેરી' છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો