માનવ ઇતિહાસમાં જો કોઈ પ્રાણીએ મનુષ્યનો સૌથી વધુ સાથ આપ્યો હોય, તો તે ઘોડો છે. યુદ્ધનાં મેદાનોથી લઈને ખેતરો સુધી અને શાહી સવારીથી લઈને આધુનિક રમતગમત સુધી ઘોડા હંમેશાં માણસના વફાદાર સાથી રહ્યા છે. મહારાણા પ્રતાપના વીર ઘોડા `ચેતક'ની વાર્તાઓ આજે પણ આપણા રૂંવાડાં ઊભાં કરી દે છે. આ શક્તિશાળી અને સુંદર પ્રાણીના જીવન, તેમની આદતો અને શારીરિક રચના પાછળ વિજ્ઞાનનાં એવાં ઘણાં અદ્ભુત તથ્યો છુપાયેલાં છે, જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે.
ઘોડાની સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે તેઓ ઊભા-ઊભા પણ ગાઢ ઊંઘ લઈ શકે છે. કુદરતે તેમના પગમાં એક ખાસ મિકેનિઝમ આપ્યું છે જેને સ્ટે એપરેટ્સ કહેવાય છે. આ સિસ્ટમને કારણે ઘોડા જ્યારે ઊભા હોય ત્યારે તેમના સ્નાયુઓ અને સાંધાઓ આપોઆપ લોક થઈ જાય છે, જેથી તેઓ સ્નાયુઓ પર દબાણ લાવ્યા વગર કે નીચે પડ્યા વગર આરામથી ઊંઘી શકે છે. શિકારી પ્રાણીઓથી બચવા અને ભાગવા માટે કુદરતે તેમને આ અનોખી ભેટ આપી છે.
ઘોડાની આંખો ચહેરાની બંને બાજુએ આવેલી હોવાથી તેઓ એક જ સમયે આશરે 360 ડિગ્રીનો વ્યૂ જોઈ શકે છે, એટલે કે પાછળ નજર ફેરવ્યા વગર પણ તેઓ પોતાની પાછળ શું ચાલી રહ્યું છે તે જોઈ શકે છે. જોકે, તેમની બરાબર સામે અને બરાબર પાછળ બે નાના `બ્લાઈન્ડ સ્પોટ' હોય છે જ્યાં તેઓ જોઈ શકતા નથી. આ ઉપરાંત મનુષ્યોની જેમ ઘોડા પણ ચહેરાના હાવભાવ દ્વારા પોતાની લાગણીઓ વ્યક્ત કરે છે. વૈજ્ઞાનિક સંશોધનો દર્શાવે છે કે ઘોડા પોતાનાં કાન, આંખ અને નસકોરાંના હલનચલન દ્વારા આશરે 17 જેટલા અલગ-અલગ હાવભાવ બદલી શકે છે.
મનુષ્યોની જેમ ઘોડા ક્યારેય મોં વાટે શ્વાસ લઈ શકતા નથી. તેઓ માત્ર પોતાનાં નસકોરાં દ્વારા જ શ્વાસ લે છે. ઘોડાના પાચનતંત્રની રચના એવી હોય છે કે તેઓ ક્યારેય ઊલટી કરી શકતા નથી. આથી જો તેઓ કંઈક ખરાબ ખાઈ લે, તો તે તેમના માટે જીવલેણ સાબિત થઈ શકે છે. ઘોડાનું સરેરાશ આયુષ્ય આશરે 25થી 30 વર્ષનું હોય છે, પરંતુ શું તમે જાણો છો કે ઘોડાની ઉંમર તેના દાંત જોઈને જાણી શકાય છે? જેમ-જેમ ઘોડાની ઉંમર વધે છે, તેમ-તેમ તેના દાંતનો આકાર અને લંબાઈ બદલાય છે. દુનિયાભરમાં ઘોડાની આશરે 350 નસલો જોવા મળે છે. ભારતમાં રાજસ્થાન અને ગુજરાતના કાઠિયાવાડના `મારવાડી' અને `કાઠિયાવાડી' ઘોડા તેમની વફાદારી માટે પ્રખ્યાત છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો