કુદરતની રચનાઓ હંમેશાં મનુષ્યને આશ્ચર્યચકિત કરે છે અને આવું જ એક અનોખું સર્જન છે `કાકાપો'. ન્યૂઝીલેન્ડમાં જોવા મળતું આ પક્ષી પોપટની પ્રજાતિનું હોવા છતાં, વિશ્વના અન્ય પોપટ કરતાં સાવ અલગ છે.

ન ઊડી શકતો પોપટ : કાકાપો વિશ્વનો એકમાત્ર એવો પોપટ છે જે આકાશમાં ઊડી શકતો નથી. તેની પાંખોના સ્નાયુઓ નબળા હોય છે, તેથી તે ઊડવાને બદલે જમીન પર ચાલે છે અથવા મજબૂત પંજા વડે ઝાડ પર ચડે છે.  

 એક પુખ્ત કાકાપોનું વજન આશરે 2 થી 4 કિલોગ્રામ સુધીનું હોય છે. ભારે શરીર જ તેના ન ઊડી શકવાનું મુખ્ય કારણ છે. કાકાપોના શરીરમાંથી નેચરલ ફળો અને મધ જેવી મીઠી ખુશબૂ આવે છે. આ સુગંધ તેમને જંગલમાં એકબીજાને શોધવામાં મદદ કરે છે.  

 આ પક્ષી દિવસ દરમિયાન ઝાડીઓમાં કે ગુફાઓમાં સંતાઈ રહે છે અને રાત્રે જ ખોરાકની શોધમાં બહાર નીકળે છે.   

કાકાપો સંપૂર્ણપણે શાકાહારી છે. તે વૃક્ષોનાં પાંદડાં, બીજ, ફળો અને ખાસ કરીને `રિમુ' વૃક્ષનાં ફળ ખાવાનું પસંદ કરે છે.  

આ પક્ષીનું આયુષ્ય ઘણું લાંબું હોય છે. તે સરેરાશ 60થી 90 વર્ષ સુધી જીવી શકે છે. કાકાપો દર વર્ષે ઈંડાં મૂકતા નથી, પરંતુ જ્યારે રિમુના વૃક્ષ પર વિપુલ પ્રમાણમાં ફળો આવે છે (દર 2 થી 4 વર્ષે), ત્યારે જ તે પ્રજનન કરે છે. નર કાકાપો માદાને આકર્ષવા માટે ઘેરો અવાજ ઉત્પન્ન કરે છે, જે કિલોમીટરો સુધી સંભળાય છે.  

માઓરી ભાષામાં કાકાપોનો અર્થ `રાતનો પોપટ' થાય છે. ભૂતકાળમાં ન્યૂઝીલેન્ડમાં શિકારી પ્રાણીઓ ન હોવાથી તેઓ જમીન પર સુરક્ષિત હતાં, પરંતુ મનુષ્યોના આગમન બાદ બિલાડી, ઉંદર અને નોળિયા જેવાં પ્રાણીઓએ તેમનો શિકાર શરૂ કર્યો. ન્યૂઝીલેન્ડ સરકાર દ્વારા તેમને બચાવવા માટે વિશેષ `કાકાપો રિકવરી પ્રોગ્રામ' ચલાવવામાં આવે છે.  

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો