ભારતમાં એવી અનેક જગ્યાઓ છે, જે આજે પણ રહસ્ય જન્માવે છે. આ રહસ્યને જાણવા અને સમજવા માટે અનેક પ્રવાસીઓ અને વિદ્વાનો અહીં આવે છે. એ જગ્યાનું નામ માંડુ નગરી છે. આ રહસ્યમય નગરી મધ્યપ્રેદશમાં આવેલી છે. આ નગરીને સિટી ઓફ જોયના નામથી ઓળખવામાં આવે છે. બાજ બહાદુર અને રાણી રૂપમતીના પ્રેમનું સાક્ષી એવું આ નગર તેમના અમર પ્રેમનું સાક્ષી છે. માંડુ નગરી મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં આવેલું છે.
માંડુ વિંધ્યાચલ પર્વતમાં વસેલું છે. તેને પહેલાં શાદિયાબાદના નામથી પણ ઓળખવામાં આવતું હતું. એનો અર્થ છે ખુશીઓનું નગર. અંગ્રેજો આજે પણ તેને સિટી ઓફ જોયના નામથી ઓળખે છે. માંડુમાં વાસ્તુકલાની એવી બેજોડ રચનાઓ છે, જે દેશ અને દુનિયા માટે ધરોહર સમાન છે. માંડુને અભેદ ગઢ પણ માનવામાં આવે છે, જેને શત્રુ ક્યારેય ભેદી ન શકે. રાજપૂત પરમાર શાસક પણ માંડુને સુરક્ષિત કિલ્લો માને છે. માંડુમાં પ્રવેશ કરતાં જ વિશાળ દરવાજા સ્વાગત કરે છે. પાંચ કિલોમીટરના અંતરમાં આશરે 12 પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યા છે. આ પ્રવેશદ્વારોમાં સુલતાન અથવા દિલ્હી દરવાજાને મુખ્ય માનવામાં આવે છે. આને માંડુનું પ્રવેશદ્વાર પણ કહેવામાં આવે છે. માંડુનું નિર્માણ 1405થી 1407ના મધ્યમાં થયું હતું. એ પછી આલમગીર દરવાજા, ભંગી દરવાજા, ગાડી દરવાજા, તારાપુર દરવાજા જેવા વિવિધ દરવાજાઓ આવે છે. કાળા પથ્થરોથી બનેલ આ દરવાજોઓ વચ્ચેથી પસાર થતાં પર્યટક માંડુ નગરીમાં પ્રવેશ કરે છે.
માંડુમાં અનેક પર્યટક સ્થળ છે, પરંતુ પ્રવાસીઓ રાણી રૂપમતીના મહેલની મુલાકાત લેવાનું ચૂકતા નથી. એ મહેલની બાજુમાં બાજ બહાદુર મહેલ પણ બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત હિંડોળા મહેલ, જહાજ મહેલ, જામા મસ્જિદ, અશરફી મહેલ વગેરે મુખ્ય છે. માંડુનું જૈન તીર્થ પણ ઐતિહાસિક છે. કહેવાય છે કે, એમાં જે પ્રતિમા છે તેની સ્થાપના 14મી શતાબ્દીમાં કરવામાં આવી હતી. માંડુમાં અનેક પ્રાચીન ઐતિહાસિક મહત્ત્વપૂર્ણ જૈન મંદિર પણ આવેલાં છે. માંડુનો કિલ્લો 82 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલો છે. માંડુને ભારતનો સૌથી મોટો કિલ્લો માનવામાં આવે છે. આ મહેલને જહાજના આકારમાં બનાવવામાં આવ્યો છે. આ મહેલને બે માનવનિર્મિત તળાવોની વચ્ચે એ રીતે બનાવાયો છે જાણે પાણીમાં તરતો હોય એવો અહેસાસ થાય છે.
રાણી રૂપમતીના મહેલનો માંડુની મુખ્ય ઇમારતોમાં સમાવેશ થાય છે. 365 મીટર ઊંચા પર્વત ઉપર આવેલા આ મહેલનું નિર્માણ બાજબહાદુરે રાણી રૂપમતી માટે કરાવ્યું હતું. એવું કહેવાય છે કે, રાણી રૂપમતી નર્મદાનાં દર્શન કર્યા બાદ જ અન્ન જળ ગ્રહણ કરતાં હતાં. તેમને નર્મદાનાં દર્શન કરવા મહેલની બહાર જવું ન પડે અને ઊઠીને નર્મદાનાં દર્શન કરી શકે એટલે મહેલની અંદર જ રેવા કૂંડનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ કૂંડમાં નર્મદાનું જળ રહેતું હતું. કિલ્લા અને મહેલ જેટલા સુંદર બનાવવામાં આવ્યા હતા એટલા જ ભવ્ય સ્નાનાગારનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું. કહેવાય છે કે રાણી રૂપમતી તેમના નામની જેમ જ રૂપવાન અને આકર્ષક હતી. સાથે તેઓ સારા ગાયિકા પણ હતાં. તેમના માટે અનેક ઇમારતોનું નિર્માણ રાજાએ કરાવ્યું હતું. માંડુને દુનિયાનું સૌથી મોટું કિલ્લાનું શહેર કહેવામાં આવે છે. અહીં રાજા અને રાણીનો મહેલ એ રીતે બનાવવામાં આવ્યો છે કે જ્યાંથી રાજા અને રાણી પોતપોતાના મહેલની બાલ્કનીમાં ઊભાં રહીને એકબીજાને જોઇ શકતાં હતાં.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો