મરિયાના ટ્રેન્ચ (Mariana Trench) આપણી પૃથ્વી પરનું સૌથી ઊંડું અને રહસ્યમય સ્થળ છે, જે પેસિફિક મહાસાગરમાં આવેલું છે. આ એક વિશાળ અને ઊંડી ખીણ જેવું છે. તેની ઊંડાઈ લગભગ 11,000 મીટર (36,000 ફૂટ) જેટલી છે. આ ઊંડાઈને સમજવા માટે એક મજેદાર સરખામણી કરીએ તો, જો પૃથ્વીના સૌથી ઊંચા પર્વત એટલે કે માઉન્ટ એવરેસ્ટને પણ આ ખીણમાં ઊંધો મૂકી દેવામાં આવે, તો પણ તેના શિખર ઉપર લગભગ બે કિલોમીટર જેટલું પાણી તરતું રહેશે. આ ખીણનો સૌથી ઊંડો પોઇન્ટ `ચેલેન્જર ડીપ' તરીકે ઓળખાય છે, જ્યાં પહોંચવું અવકાશમાં જવા કરતાં પણ વધુ મુશ્કેલ માનવામાં આવે છે.
મરિયાના ટ્રેન્ચનું પર્યાવરણ ખૂબ જ કઠિન અને વિચિત્ર છે. ત્યાં સૂર્યપ્રકાશનું એક પણ કિરણ પહોંચી શકતું નથી, જેના કારણે ત્યાં સંપૂર્ણ અંધારું હોય છે અને પાણીનું તાપમાન ખૂબ જ ઠંડું, એટલે કે 1થી 4 ડિગ્રી સેલ્સિયસ જેટલું જ રહે છે. આ ઉપરાંત ત્યાં પાણીનું દબાણ (pressure) એટલું બધું વધારે હોય છે કે જાણે એક માણસના માથા પર સોથી વધુ હાથીઓ એકસાથે ઊભા રાખી દેવામાં આવ્યા હોય. આવા અતિશય દબાણને કારણે સામાન્ય સબમરીન કે માનવ શરીર ક્ષણવારમાં ચગદાઈ જાય. આ જ કારણ છે કે ત્યાં સંશોધન કરવા માટે ખાસ પ્રકારની મજબૂત સબમરીન બનાવવી પડે છે.
અંધારું, ભારે દબાણ અને અતિશય ઠંડી હોવા છતાં, મરિયાના ટ્રેન્ચમાં જીવન ધબકે છે. ત્યાં રહેતાં પ્રાણીઓ પૃથ્વીના અન્ય જીવો કરતાં સાવ અલગ અને ચમત્કારી દેખાય છે. કેટલાક જીવો પોતાના શરીરમાંથી જાતે જ પ્રકાશ ઉત્પન્ન કરી શકે છે, જેને `બાયોલ્યુમિનેસન્સ' કહેવામાં આવે છે. ત્યાં `એંગ્લરફિશ' નામની માછલી જોવા મળે છે, જેના માથા પર એક નાનો દીવો પ્રગટતો હોય તેવું લાગે છે, જેનાથી તે અંધારામાં શિકારને આકર્ષે છે. આ સિવાય કાચ જેવી પારદર્શક ત્વચા ધરાવતી `સ્નેલફિશ', મોટા દાંતવાળી માછલીઓ અને દરિયાઈ ઝીંગા જેવા જીવો પણ ત્યાં રહે છે.
મરિયાના ટ્રેન્ચ પૃથ્વીના ટેક્ટોનિક પ્લેટોના એકબીજા સાથે અથડાવાથી અને એક પ્લેટ બીજી પ્લેટની નીચે સરકી જવાથી બનેલી છે. આ સ્થળ વૈજ્ઞાનિકો માટે ખૂબ જ મહત્ત્વનું છે, કારણ કે તેના અભ્યાસથી પૃથ્વીની બનાવટ અને વિષમ પરિસ્થિતિઓમાં જીવ કેવી રીતે જીવી શકે છે તે સમજી શકાય છે. માનવ ઇતિહાસમાં ખૂબ જ ઓછા લોકો આ જગ્યાના તળિયે પહોંચી શક્યા છે, જેમાં `અવતાર' ફિલ્મ અને `ટાઇટેનિક'ના ડિરેક્ટર જેમ્સ કેમરુન પણ સામેલ છે. મરિયાના ટ્રેન્ચ આપણને યાદ અપાવે છે કે આપણી પૃથ્વી પર હજુ પણ કેટલાંય અદ્ભુત રહસ્યો છુપાયેલાં છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો