બાળકો,`એઆઈ' એજન્ટ એટલે એવા પ્રકારનો ડિજિટલ પ્રોગ્રામ, જે માત્ર તમારા પ્રશ્નોના જવાબ નથી આપતો, પરંતુ પોતાની બુદ્ધિથી વિચારીને ચોક્કસ કામ પણ કરી શકે છે. આજે આપણે ખૂબ જ સરળ ભાષામાં સમજીએ કે `એઆઈ' એજન્ટ શું છે, તેની કાર્યપદ્ધતિ અને એઆઈ એજન્ટ બનાવવાનાં છ પગલાંઓ બાબતે.
`એઆઈ' એજન્ટ એટલે શું?
સામાન્ય કમ્પ્યૂટર પ્રોગ્રામ અને એઆઈ એજન્ટ વચ્ચે ખૂબ જ મોટો તફાવત છે. સામાન્ય કમ્પ્યૂટર પ્રોગ્રામ, તમે જે બટન દબાવો તે પ્રમાણે કામ કરે છે. પરંતુ `એઆઈ' એજન્ટ પોતાની આસપાસની પરિસ્થિતિને સમજે છે, તેમાંથી માહિતી એકઠી કરે છે, જાતે નિર્ણય લે છે અને તે પ્રમાણે યોગ્ય કામ પણ કરે છે. ઉદાહરણ તરીકે, તમે એક એવો સ્માર્ટ રોબોટ બનાવો છો, જે તમારા ઓરડાનું તાપમાન ચકાસે છે અને જો ઓરડો ગરમ હોય કે વધુ ભેજ ધરાવતો હોય, તો તે જાતે જ પંખો કે એસી ચાલુ કરવાનો નિર્ણય લઈને તેનો અમલ પણ કરે છે. આ `એઆઈ એજન્ટ' તરીકે ઓળખાય છે.
`એઆઈ' એજન્ટની કાર્યપદ્ધતિ
કાર્યપદ્ધતિ મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચાયેલ છે
ઇનપુટ પ્રક્રિયા : `એઆઈ' એજન્ટની કાર્યપદ્ધતિના પ્રથમ તબક્કામાં સૌ પ્રથમ ઇનપુટ પ્રક્રિયા આવે છે. આ તબક્કે એ આઈ એજન્ટ લખાણ, અવાજ કે ચિત્ર દ્વારા આસપાસમાંથી વિવિધ માહિતી એકત્રિત કરે છે. માનવ શરીરમાં આ પ્રકારનું કામ આપણી જ્ઞાનેન્દ્રિયો જેમ કે, આંખ, કાન, જીભ, ત્વચા અને નાક દ્વારા થાય છે.
પ્રોસેસિંગ પ્રક્રિયા : આ તબક્કામાં એજન્ટ એકત્રિત કરેલી માહિતી પર ઊંડાણપૂર્વક વિચાર કરે છે, તર્ક લગાવે છે અને યોગ્ય નિર્ણય લે છે. આ પ્રક્રિયા આપણા શરીરના મગજ સમાન છે, જે માહિતીનું વિશ્લેષણ કરે છે.
આઉટપુટ પ્રક્રિયા : જે અંતર્ગત લેવાયેલા નિર્ણય મુજબ `એઆઈ' એજન્ટ ચોક્કસ કાર્ય કરે છે અથવા ઉત્તર આપે છે. માનવ શરીરમાં આ જ કાર્ય આપણાં વિવિધ અંગો દ્વારા થાય છે, જે મગજના આદેશ મુજબ ક્રિયાઓ કરે છે.
મુખ્ય 6 પગલાં
પગલું 1: એજન્ટનો હેતુ નક્કી કરો : સૌ પ્રથમ તમારે એ નક્કી કરવું પડશે કે તમારો એજન્ટ શું કામ કરશે. જેમ કે, શું તે ગણિતના અઘરા દાખલા ઉકેલવામાં મદદ કરશે? શું તે વિજ્ઞાનના કોયડા ઉકેલશે? રોચક વાર્તાઓ બનાવશે? એજન્ટનું લક્ષ્ય જેટલું સ્પષ્ટ હોય, તે તેટલું સારું કામ કરી શકે છે.
પગલું 2: એજન્ટનું નામ અને વ્યક્તિત્વ નક્કી કરો
તમારા એજન્ટને એક સરસ નામ આપો. દાખલા તરીકે, `ગણિત મિત્ર', `સ્ટોરી ટેલર' વગેરે. ત્યારબાદ તેના વ્યક્તિત્વને નક્કી કરો. જેમ કે, તેની વાત કરવાની શૈલી કેવી હશે? શું તે એક શિક્ષકની જેમ કાર્ય કરતો હશે? કે પછી તે એક રમૂજી મિત્રની જેમ જોક્સ કહીને વાત કરશે? તેના વ્યક્તિત્વને જેટલું સ્પષ્ટ કરશો, એજન્ટ તેટલો રસપ્રદ લાગશે.
પગલું 3: યોગ્ય પ્લેટફોર્મની પસંદગી કરો : `એઆઈ' એજન્ટ બનાવવા માટે આજે ઘણાં સરળ પ્લેટફોર્મ ઉપલબ્ધ છે, જેમ કે, `સ્ક્રેચ', જે તમારા માટે બ્લોક-બેઝ્ડ પ્રોગ્રામિંગ શીખવા માટેનું શ્રેષ્ઠ મંચ છે. `એમઆઈટી એપ ઈન્વેન્ટર' જેના દ્વારા મોબાઈલ એપ આધારિત `એઆઈ' એજન્ટ તૈયાર કરી શકો છો.
પગલું 4: `એઆઈ' એજન્ટને માહિતી અને તાલીમ આપો : શિક્ષક તમને શાળામાં પાઠ્યપુસ્તકમાંથી પાઠ શીખવાડે છે, તેમ તમારા `એઆઈ' એજન્ટને પણ માહિતી શીખવાડવી પડશે.જો તમારો એજન્ટ વિવિધ પ્રાણીઓને ઓળખવા માટેનો હોય, તો તેને તમારે વિવિધ પ્રાણીઓના સેંકડો ફોટોગ્રાફ્સ બતાવવા પડશે. એટલું યાદ રાખો કે જેટલો વધુ અને સાચો ડેટા આપશો, તમારો એજન્ટ તેટલો જ વધુ બુદ્ધિશાળી બનશે.
પગલું 5: શરતો અને સૂચનાઓ લખો : એજન્ટને સ્પષ્ટ નિયમો આપો. વિજ્ઞાનની ભાષામાં આને `પ્રોમ્પ્ટ ઇજનેરી' કહેવાય છે. શિક્ષક તમને અઘરામાં અઘરો મુદ્દો ખૂબ જ સરળ રીતે સમજાવી શકે છે, કેમ કે તેઓ તમારી મૂંઝવણ સમજી ચૂક્યા છે, તેમ એજન્ટ દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્ન સમજવો જોઈએ.
પગલું 6: પરીક્ષણ અને સુધારણા : હવે `એઆઈ' એજન્ટ તૈયાર છે. તમે તેને અલગ-અલગ પ્રશ્નો પૂછીને ચકાસો કે શું તે સાચા જવાબો આપે છે? શું તે કોઈ ભૂલ કરે છે? તો ગભરાશો નહીં, તેને ફરીથી નવી માહિતી આપો અને તેની સૂચનાઓમાં સુધારો કરો. આ પ્રક્રિયાને `ફાઇન ટ્યુનિંગ' કહેવામાં આવે છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો
