બાળકો, તમે વિચારો કે તમે એક અભયારણ્યમાં ગયા છો અને તમારી સામે એક સુંદર પક્ષી તેમજ પ્રાણી આવે છે, પણ તમને તે સુંદર પક્ષી તેમજ પ્રાણીનું નામ ખબર નથી તો તમે ત્યારે ગાઈડને અથવા તમારાં માતા-પિતાને પૂછો છો. સાચું ને, પણ તમે જો તે સમયે એઆઈ સ્માર્ટ ગોગલ્સ પહેરેલાં હોય તો તે ગોગલ્સ તરત જ તમને કહી દે છે સુંદર પક્ષી તેમજ પ્રાણીનું નામ. સાથે તેના વિશે બીજી માહિતી પણ આ પ્રકારનાં ગોગલ્સ બોલીને સમજાવે છે. એવી જ રીતે તમે કોઈ વિદેશી ભાષામાં લખેલું બોર્ડ જુઓ છો અને તમને તે ભાષાનું જ્ઞાન નથી, તો તમારાં ચશ્માં સેકન્ડોમાં તેનું ગુજરાતીમાં ભાષાંતર કરીને તમારી આંખ સામે બતાવી દે છે. આજના લેખ થકી આપણે એ બાબતને જાણવાનો અને સમજવાનો પ્રયત્ન કરીશું કે એઆઈ સ્માર્ટ ગોગલ્સ એટલે શું, તે કેવી રીતે કામ કરે છે અને તેના ચાર પ્રકાર કયા છે.  

એઆઈ સ્માર્ટ ગોગલ્સ એટલે શું?

બાળકો, `એઆઈ સ્માર્ટ ગોગલ્સ' એ આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સ ટેક્નોલોજી ધરાવતાં ગોગલ્સ છે, જે સામાન્ય ગોગલ્સની જેમ તો મદદરૂપ થાય છે સાથે તમને એઆઈ પાવર પણ પૂરો પાડે છે. સાદા ગોગલ્સમાં મુખ્યત્વે ગ્લાસ અને ફ્રેમનું સંયોજન જોવા મળે છે ત્યારે એઆઈ સ્માર્ટ ગોગલ્સમાં ગ્લાસ અને ફ્રેમ ઉપરાંત કેમરો પણ લાગેલો હોય છે અને સાથે તેમાં પ્રોસેસિંગ માટે પ્રોસેસર પણ ઉપલબ્ધ હોય છે. આમ, સરળ શબ્દોમાં કહીએ તો જેમ આપણો સ્માર્ટ ફોન સામાન્ય ફોન કરતાં ઘણો સ્માર્ટ છે તેમ આ ચશ્માં સામાન્ય ચશ્માં કરતાં હજારો ગણા સ્માર્ટ છે. તે આપણી આંખોની સામે એક આખી નવી ડિજિટલ ઈ-દુનિયા ઊભી કરી દે છે.  

એઆઈ સ્માર્ટ ગોગલ્સ કેવી રીતે કામ કરે છે?

આ પાછળ મુખ્ય ચાર બાબતો જવાબદાર છે:  

(1) સેન્સર્સ અને કેમેરો : ગોગલ્સની ફ્રેમમાં ખૂબ જ નાના કેમેરા અને સેન્સર્સ લાગેલા હોય છે. તે તમારી આંખો ક્યાં જુએ છે અને તમારી સામે શું છે, તેની પર નજર રાખે છે.  

(2) એઆઈ મગજ અથવા પ્રોસેસર : ગોગલ્સની અંદર એક નાની ચિપ હોય છે, જેને ગોગલ્સનું મગજ કહી શકાય. કેમેરા જે પણ ચિત્ર જુએ છે, તે આ મગજને મોકલે છે. `એઆઈ' સેકન્ડના સોમા ભાગમાં તે ચિત્રને ઓળખી લે છે.  

(3) ડિસ્પ્લે પ્રોજેક્ટર : ગોગલ્સના કાચ સામાન્ય નથી હોતા, તેના પર એક નાનું પ્રોજેક્ટર લાઈટ ફેંકે છે, જેના કારણે આપણને હવામાં જ બધી માહિતી કે ચિત્રો તરતાં દેખાય છે.  

(4) ઇન્ટરનેટ અને બ્લૂટૂથ : આ ગોગલ્સ આપણા ફોન સાથે અથવા સીધા ઇન્ટરનેટ સાથે જોડાયેલા હોય છે, જેથી તે ગમે ત્યારે નવી માહિતી ડાઉનલોડ કરી શકે છે અને યૂઝરને રિઅલ ટાઈમ અનુભવ પૂરો પાડે છે.  

સ્માર્ટ ગોગલ્સના મુખ્ય ચાર પ્રકારો

1. ઓગ્મેન્ટેડ રિયાલિટી ગોગલ્સ : ઓગ્મેન્ટેડ રિયાલિટી ગોગલ્સ સૌથી મજેદાર હોય છે, જ્યારે તમે આ ગોગલ્સ પહેરો છો, ત્યારે તમને તમારી આસપાસની અસલી દુનિયા તો દેખાય જ છે, પણ તેની સાથે-સાથે હવામાં તણખા મારતા ડિજિટલ કાર્ટૂન, નકશા અથવા ગેમ્સ પણ દેખાય છે. જેમ કે, તમે તમારા રૂમમાં બેઠા છો અને તમારા ટેબલ પર એક ડાયનાસોર ચાલતો દેખાય.  

2. વર્ચ્યુઅલ રિયાલિટી હેડસેટ : વર્ચ્યુઅલ રિયાલિટી હેડસેટ ગોગલ્સ થોડા મોટા હોય છે અને તે તમારી આંખોને પૂરી રીતે ઢાંકી દે છે. આ પહેર્યા પછી તમે અસલી દુનિયાને ભૂલી જાઓ છો અને એક તદ્દન નવી કાલ્પનિક દુનિયામાં પહોંચી જાઓ છો. તમે ઘરમાં બેઠાં બેઠાં જ સ્પેસની સફર કરી શકો છો.  

3. સ્માર્ટ ઓડિયો ગ્લાસીસ : સ્માર્ટ ઓડિયો ગ્લાસીસમાં કોઈ મોટો સ્ક્રીન નથી હોતો, પણ તેમાં કાનની નજીક નાના અને પાવરફુલ સ્પીકર્સ અને માઇક્રોફોન હોય છે. આ ચશ્માં પહેરીને તમે ગીતો સાંભળી શકો છો, ફોન પર વાત કરી શકો છો અને `એઆઈ'ને કમાન્ડ આપીને પૂછી શકો છો કે, `આજે બહારનું તાપમાન કેટલું છે?'  

4. આસિસ્ટિવ સ્માર્ટ ગોગલ્સ : આસિસ્ટિવ સ્માર્ટ ગોગલ્સ ચશ્માં એવા લોકો માટે વરદાન સમાન છે, જેમને જોવામાં તકલીફ પડતી હોય. ખાસ કરીને દૃષ્ટિહીન લોકો. આ ચશ્માં સામેની વસ્તુઓ, માણસો અને રસ્તાના અવરોધોને ઓળખીને બોલીને સંભળાવે છે, જેથી તે વ્યક્તિ સરળતાથી ચાલી શકે અને પોતાનું રોજિંદુ કાર્ય જાતે કરી શકે.  

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો