આપણી પૃથ્વી પર અદ્ભુત પક્ષીઓની કોઈ કમી નથી, પરંતુ જો આકાશમાં લાંબી મુસાફરી કરવાના અને સમુદ્ર પર રાજ કરવાના મામલે કોઈ પક્ષીનું નામ અગ્રેસર હોય, તો તે છે `આલ્બાટ્રોસ' (Albatross). આ વિશાળકાય પક્ષી તેની વિશિષ્ટ શારીરિક રચના, વજન અને અદ્ભુત ઊડવાની ક્ષમતા માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે.  

આલ્બાટ્રોસ એ પૃથ્વી પરના સૌથી ભારે ઊડી શકતાં પક્ષીઓમાંથી એક છે. પ્રજાતિના આધારે સામાન્ય આલ્બાટ્રોસનું વજન 7 થી 11 કિલોગ્રામની વચ્ચે હોય છે. જોકે, આ પરિવારના સૌથી મોટા સભ્ય `વાન્ડરિંગ આલ્બાટ્રોસ'નું વજન 12.7 કિલોગ્રામ સુધી હોઈ શકે છે. આટલું ભારે વજન હોવા છતાં, તેમની 11થી 12 ફૂટ લાંબી વિશાળ પાંખો પવનની ગતિનો ઉપયોગ કરીને તેમને કલાકો સુધી પાંખો ફફડાવ્યા વિના હવામાં ગ્લાઈડ કરવાની અદ્ભુત ક્ષમતા આપે છે. આલ્બાટ્રોસ કોઈ એક ચોક્કસ દેશની સરહદ પૂરતા સીમિત નથી, કારણ કે તેઓ વધારે સમય ખુલ્લા સમુદ્રમાં વિતાવે છે. આ પક્ષીઓની મોટાભાગની પ્રજાતિઓ દક્ષિણ ગોળાર્ધમાં એટલે કે ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, એન્ટાર્કટિકા અને દક્ષિણ આફ્રિકાની આસપાસના મહાસાગરોમાં જોવા મળે છે. ખાસ કરીને ન્યૂઝીલેન્ડ આલ્બાટ્રોસનું મુખ્ય કેન્દ્ર ગણાય છે, જ્યાં તેની અનેક પ્રજાતિઓ પ્રજનન માટે ટાપુઓ પર એકઠી થાય છે. આ સિવાય ઉત્તર પેસિફિક ક્ષેત્રમાં જાપાન, યુએસએ અને કેનેડાના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ આલ્બાટ્રોસ પક્ષીઓ મોટી સંખ્યામાં જોવા મળે છે.  

આલ્બાટ્રોસ પોતાનું 80% થી વધુ જીવન ખુલ્લા સમુદ્ર પર ઊડવામાં જ વિતાવે છે. તેઓ સમુદ્રનું ખારું પાણી પી શકે છે અને ઊડતાં-ઊડતાં જ પાણીની સપાટી પર ઊંઘી પણ લે છે. તેઓ માત્ર ઈંડાં મૂકવા અને બચ્ચાં ઉછેરવા માટે જ ન્યૂઝીલેન્ડ કે અન્ય દેશોના નિર્જન દરિયાઈ ટાપુઓ પર પગ મૂકે છે.   


આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો