જંગલની દુનિયા અવનવાં અને ચિત્ર-વિચિત્ર પ્રાણીઓથી ભરેલી છે. દરેક પ્રાણીની પોતાની આગવી વિશેષતા છે. દરેકની જીવન જીવવવાની પોતાની આગવી રીત હોય છે, કારણ કે આ જીવ આપણી જેમ બોલી નથી શકતા એટલે એમણે જંગલમાં કે બીજી કોઇ પણ જગ્યાએ સર્વાઇવ કરવા માટે અમુક રીત અપનાવવી જ પડતી હોય છે. કુદરતે દરેક જીવને પોતાનું જીવન આગળ વધારવા માટે અલગ અલગ આવડત આપી જ હોય છે. આજે આપણે જે અદ્ભુત અને રમૂજી પ્રાણી વિશે વાત કરવાની છે એનું નામ `આર્માડિલો' છે. સ્પેનિશ ભાષામાં આર્માડિલોનો અર્થ થાય છે `નાનો બખ્તરધારી જીવ'. આ નાનકડું પ્રાણી કોઈ યોદ્ધા જેવું દેખાય છે, જે પોતાની પીઠ પર કુદરતી કવચ લઈને ફરે છે! મુખ્યત્વે અમેરિકાનાં જંગલોમાં જોવા મળતું આ પ્રાણી બાળકો માટે ખૂબ જ રસપ્રદ છે.
આર્માડિલોની સૌથી મોટી વિશેષતા તેની પીઠ પર આવેલું કડક કવચ છે. તે હાડકાં અને કેરાટિન (નખ અને વાળ જેવું પ્રોટીન)નું બનેલું હોય છે, જે તેને શિકારી પ્રાણીઓથી બચાવે છે.
