ભારતીય હોકીના ઈતિહાસમાં જ્યારે પણ જાદુઈ ડ્રિબલિંગ, અદ્ભુત ગતિ અને નિર્ણાયક મેચોમાં ગોલ કરવાની ક્ષમતાની વાત આવે છે, ત્યારે અશોક કુમારનું નામ આદરપૂર્વક લેવામાં આવે છે. 70ના દાયકામાં ભારતીય હોકીનો દબદબો વૈશ્વિક સ્તરે જાળવી રાખવામાં તેમનું યોગદાન અતુલ્ય રહ્યું છે. તેઓ માત્ર એક મહાન ખેલાડી જ નહોતા, પરંતુ વિશ્વ હોકીના જાદુગર ગણાતા મેજર ધ્યાનચંદના પુત્ર પણ છે. તેમણે દેશને રમત જગતનું સર્વોચ્ચ ગૌરવ અપાવ્યું હતું. 

અશોક કુમારનો જન્મ 1 જૂન, 1950ના રોજ ઉત્તર પ્રદેશના ઝાંસીમાં થયો હતો. પિતા મેજર ધ્યાનચંદ અને કાકા રૂપસિંહ બંને ભારતીય હોકીના સુવર્ણ યુગના મહાનાયકો હતા. આવા માહોલમાં ઉછર્યા હોવા છતાં અશોક કુમાર માટે ભારતીય ટીમ સુધી પહોંચવાનો રસ્તો સરળ નહોતો. પિતા ધ્યાનચંદ શિસ્તના પાકા હતા અને તેઓ ઈચ્છતા હતા કે અશોક પોતાની મહેનતના જોરે ટીમમાં સ્થાન મેળવે.  

અશોક કુમારે માત્ર છ વર્ષની ઉંમરે હોકી સ્ટિક પકડી હતી. શરૂઆતમાં તેઓ સ્થાનિક ક્લબો અને ઝાંસીની ગલીઓમાં રમ્યા. ત્યારબાદ તેમણે જયપુરની રાજસ્થાન યુનિવર્સિટી અને મોહન બાગાન જેવી પ્રતિષ્ઠિત ક્લબો તરફથી રમીને પોતાની આગવી ઓળખ ઊભી કરી. તેમની અદ્ભુત ડ્રિબલિંગ શૈલી અને બોલ પરના ગજબના નિયંત્રણને કારણે ટૂંક સમયમાં પ્રસિદ્ધિ મેળવી. 1970ની બેંગકોક એશિયન ગેમ્સમાં તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે પદાર્પણ કર્યું, જ્યાં ભારતે સિલ્વર મેડલ જીત્યો. અશોક કુમાર મેદાન પર રાઇટ-ઇન પોઝિશન પર રમતા હતા. તેમની સ્ફૂર્તિ ગજબની હતી. તેમણે 1974 અને 1978ની એશિયન ગેમ્સમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું અને દેશને સિલ્વર મેડલ અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી. આ ઉપરાંત તેઓ 1972 અને 1976 ઓલિમ્પિક્સમાં પણ ભારતીય ટીમનો હિસ્સો રહ્યા હતા, જેમાં 1972માં ભારતે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેમની કરિયરની અને ભારતીય હોકીના ઇતિહાસની સૌથી સુવર્ણ ક્ષણ 1975માં મલેશિયાના કુઆલાલમ્પુર ખાતે યોજાયેલા તૃતીય હોકી વર્લ્ડકપદરમિયાન આવી હતી. અજિત પાલ સિંહની કપ્તાની હેઠળ ભારતીય ટીમ ફાઇનલમાં પ્રવેશી હતી, જ્યાં તેનો સામનો પાકિસ્તાન સામે હતો. આ રોમાંચક ફાઇનલ મેચમાં બંને ટીમો 1-1 ની બરાબરી પર હતી ત્યારે મેચની નિર્ણાયક ક્ષણોમાં અશોક કુમારે પોતાની હોકી સ્ટિકનો જાદુ બતાવ્યો અને શાનદાર ગોલ કર્યો. અશોક કુમારના આ ઐતિહાસિક વિનિંગ ગોલની મદદથી ભારતે પાકિસ્તાનને 2-1થી હરાવીને પ્રથમ વખત હોકી વર્લ્ડકપ ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું. આ વિજયે અશોક કુમારને દેશના રાષ્ટ્રીય નાયક બનાવી દીધા. ડ્રિબલિંગ કરતી વખતે અશોક કુમારની ઝડપ જરાય ઓછી થતી નહોતી, જે તે સમયના યુરોપિયન ટીમોના મજબૂત ડિફેન્સને તોડવા માટે ભારતનું સૌથી મોટું હથિયાર હતું. રમતમાંથી નિવૃત્તિ લીધા બાદ પણ હોકી સાથે જોડાયેલા રહ્યા. 


આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો