ભારતમાં ઉત્તરાખંડમાં આવેલ અદ્ભુત જગ્યા બિનસર છે. અલ્મોડાથી લગભગ 30થી 32 કિલોમીટર દૂર બિનસર નેશનલ અભયારણ્ય આવેલું છે. આ અભયારણ્ય પ્રકૃતિપ્રેમી માટે સ્વર્ગ સમાન છે. બિનસર કોઇ શહેર કે ગામ નથી, પરંતુ વન ક્ષેત્ર છે. બિનસર નામ સાંભળવામાં થોડું અટપટુ લાગે, કારણ કે બિનસર શબ્દ એ ગઢવાલ બોલીનો છે, જેનો અર્થ નવી સવાર એવો થાય છે.   

ગાઢ દેવદારનાં જંગલોથી નીકળીને શિખર તરફ રસ્તો જાય છે. જ્યાંથી હિમાલય પર્વત શૃંખલાનું દૃશ્ય અને ચારેબાજુ વનરાજી જોવા મળે છે. બિનસર પર્વતો અને બરફથી ઢંકાયેલ આકર્ષક સ્થળ છે. ઓક, રોડોડેન્ડ્રોન, લીલાંછમ ઘાસનાં મેદાન અને દેવદારના સુંદર ઝાડથી ઘેરાયેલું જંગલ છે. 200 કરતાં વધારે વિવિધ પ્રકારનાં વૃક્ષો આ જંગલમાં જોવા મળે છે. તેની આ ખાસિયતને કારણે 1988માં તેની સ્થાપના અભયારણ્ય તરીકે કરવામાં આવી હતી. બિનસર અભયારણ્ય હોવાની સાથે તેનું મુખ્ય આકર્ષણ હિમાલયનું અદ્ભુત દૃશ્ય છે. જે આપણા પડોશી દેશ નેપાળમાં 300 કિલોમીટર કરતાં વધારે દૂર સુધી ફેલાયેલ છે. દરિયાની સપાટીથી લગભગ 2429 મીટરની ઊંચાઇ પર આવેલ બિનસરથી હિમાલયની ચોખમ્બા, નંદા દેવી, નંદા કોટ, પંચાચૂલી અને કેદારનાથના મંત્રમુગ્ધ કરનાર દૃશ્ય જેવા મળે છે. આ કોમ્પેક્ટ પર્વતીય ક્ષેત્ર બિનસર વન્યજીવ અભયારણ્યથી ઘેરાયેલું છે, જે દુર્લભ પ્રાણીઓ, પક્ષીઓ અને ફૂલોની પ્રજાતિઓનું રહેઠાણ છે એવું કહેવામાં આવે તો એ જરાય ખોટું નથી.   

બિનસર 45.59 કિલોમીટરના ક્ષેત્રમાં ફેલાયેલું છે. આ અભયારણ્ય વનસ્પતિ અને જીવોથી સમૃદ્ધ છે. આ અભયારણ્યને સંરક્ષિત ક્ષેત્ર તરીકે જાહેર કરવામાં આવ્યું છે, કારણ કે એમાં વિવિધ પ્રકારનાં અગણિત પક્ષીઓની પ્રજાતિઓ જોવા મળે છે. જેમાં ફોર્કિટેલ, બ્લેકબર્ડ્સ, લાફિંગ થ્રશ, કાલિજ તીતર, નેટચેસ, પારકેટ અને મોનાલ સામેલ છે. મોનાલ પક્ષી એ ઉત્તરાખંડનું રાજ્ય પક્ષી પણ છે.   

પ્રાણીઓની વાત કરીએ તો હરણ, હિમાલયી રીંછ, શિયાળ, કસ્તૂરી હરણ, લંગૂર, ઊડતી ખિસકોલી, જંગલી બિલાડી વગેરે જેવાં અનેક પ્રાણીઓ એમાં વસવાટ કરે છે. આ અભયારણ્યમાં 25 પ્રકારની ઝાડીઓ, સાત પ્રકારનાં ઘાસ જોવા મળે છે. બિનસર અભયારણ્ય ઉપરાંત અહીં પૂજનીય તીર્થસ્થળો ઉપરાંત બિનસરને અમુક અદ્ભુત પુરાતત્ત્વ સ્થળો માટે પણ ઓળખવામાં આવે છે. બિનસર અભયારણ્ય ઉપરાંત સંગ્રહાલય પણ છે, જે પ્રવાસીઓને આપણા સાંસ્કૃતિક ઇતિહાસ વિશે માહિતી પૂરી પાડે છે. આ ઉપરાંત પ્રાચીન યુગની અમુક પથ્થરની મૂર્તિઓ પણ છે.   

બિનસરમાં જીરો પોઇન્ટ પ્રખ્યાત પર્યટન સ્થળ છે. જીરો પોઇન્ટ ટ્રેક છે, જે આ અભયારણ્યમાંથી પસાર થાય છે એટલે પ્રવાસીઓને ટ્રેક દરમિયાન અભયારણ્યની સુંદરતા જોવાનો લહાવો મળે છે. જીરો પોઇન્ટથી શિવલિંગ, કેદારનાથની ટોચ અને નંદા દેવીને જોઇ શકાય છે. આ તો થઇ ટ્રેકની વાત આપણે બિનસરના ધાર્મિક સ્થળની વાત કરીએ તો ત્યાં ગોલુનું પ્રખ્યાત મંદિર આવેલું છે. એવું કહેવાય છે કે ગોલુ એ ભગવાન શંકરનું એક રૂપ છે. આ મંદિરમાં અનેક ઘંટડીઓ લગાવવામાં આવેલી છે, તેથી આ મંદિરને ઘંટડીવાળું મંદિર પણ કહેવામાં આવે છે. આ મંદિર જોવા જેવું છે, જ્યારે બિનસર જાવ ત્યારે આ મંદિરની મુલાકાત જરૂર લો. બિનસરમાં પ્રાચીન ગનાનાથ મંદિર પણ આવેલું છે. આ મંદિર ગુફાઓની વચ્ચે સ્થિત પ્રાચીન શિવ મંદિર છે. ગનાનાથ મંદિર બિનસરથી આશરે 25 કિલોમીટર દૂર આવેલું છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો