દક્ષિણ અમેરિકા ખંડમાં આવેલા વેનેઝુએલા દેશના બોલિવર રાજ્યમાં કાનાઇમા નેશનલ પાર્ક આવેલો છે. આ નેશનલ પાર્ક વિશ્વના સૌથી અદ્ભુત અને મનોહર કુદરતી સ્થળોમાંથી એક છે. લગભગ 30,000 ચોરસ કિલોમીટર કરતાં પણ વધારે વિસ્તારમાં ફેલાયેલો છે. તેમને જાણીને નવાઇ લાગશે કે, આ નેશનલ પાર્ક ક્ષેત્રફળની દૃષ્ટિએ વિશ્વના સૌથી મોટા રાષ્ટ્રીય ઉદ્યાનોમાં ગણાય છે. તે બેલ્જિયમ કે માલ્ટા જેવા દેશો કરતાં પણ મોટો છે. આ સ્થળ નેશનલ પાર્કની સાથે સાથે તેના અનન્ય ભૂગોળ, પ્રાચીન ટેકરીઓ અને વિશ્વપ્રસિદ્ધ ધોધ માટે આખા વિશ્વમાં જાણીતો છે.
કાનાઇમા નેશનલ પાર્કનો ઇતિહાસ
વેનેઝુએલા સરકારે 12 જૂન, 1962ના રોજ આ વિસ્તારને રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર કર્યો હતો. શરૂઆતમાં તેનો વિસ્તાર આટલો મોટો નહોતો, બહુ નાનો જ હતો, પરંતુ 1975માં તેના સંરક્ષણ વિસ્તારને વધારીને 30,000 ચોરસ કિમી કરવામાં આવ્યો. તેની અનન્ય પ્રાકૃતિક સુંદરતા, જૈવવિવિધતા અને અનોખી ભૌગોલિક રચનાઓને ધ્યાનમાં રાખીને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ દ્વારા 1994માં કાનાઇમા નેશનલ પાર્કને `વિશ્વ ધરોહર સ્થળ' તરીકેજાહેર કરવામાં આવ્યો હતો. આ પ્રદેશમાં સદીઓથી `પેમોન'નામના આદિવાસી સમુદાયના લોકો વસે છે. તેમના માટે આ ટેકરીઓ અને નદીઓ પવિત્ર ગણાય છે.
કાનાઇમા નેશનલ પાર્કની સૌથી મોટી ઓળખ તેના `ટેપુઇ' છે. આ કરોડો વર્ષ જૂના ફ્લેટ-ટોપ પર્વતો એટલે કે ટેબલ આકારના પર્વતો છે, જે આકાશમાં હજારો ફૂટ ઊંચા સીધા ખડકો તરીકે ઊભા છે. અહીંનો સૌથી પ્રખ્યાત પર્વત માઉન્ટ રોરાઇમા છે. આ પર્વતો પર એવા અનેક છોડ અને જીવો જોવા મળે છે જે પૃથ્વી પર બીજા કોઈ ખૂણે જોવા મળતા નથી એટલે કે જીવોની વિશેષતા કાનાઇમા નેશનલ પાર્કમાં જોવા મળે છે.
વિશ્વનો સૌથી ઊંચો સીધો પડતો જળધોધ એન્જલ ફોલ્સઆ જ નેશનલ પાર્કમાં આવેલો છે. આ ધોધની કુલ ઊંચાઈ 979 મીટર જેટલી છે. આ ધોધ `આઉયાન-ટેપુઇ' પર્વત પરથી નીચે પડે છે. સ્થાનિક પેમોન ભાષામાં તેને `કેરેપાકુપાઈ મેરુ' કહેવામાં આવે છે. પાર્કની અંદર આવેલું કાનાઇમા લગૂન નામનું તળાવ તેના વાલાકોડી અને ગુલાબી રેતીના કિનારાઓ તથા સાતો એલ્સા જેવા મનોહર નાના ધોધ માટે જાણીતું છે. આ તો વાત થઇ તળાવ, પર્વત અને ધોધની. મૂળ વાત કરીએ તો કાનાઇમા નેશનલ પાર્ક જૈવવિવિધતાનો પણ ભંડાર છે. પ્રાણીઓની વાત કરીએ તો અહીં જાગુઆર, પુમા, વિશાળ આર્મડિલો, ચિત્તા, વિશાળ એન્ટઈટર અને ઓટર જેવાં દુર્લભ સસ્તન પ્રાણીઓ વસે છે. અહીં પક્ષીઓની આશરે 300થી વધુ પ્રજાતિઓ જોવા મળે છે, જેમાં રંગબેરંગી મકાઉ, ટુકન અને વિવિધ જાતના હમિંગબર્ડનું પ્રમાણ વધારે છે. આ નેશનલ પાર્કમાં પ્રાણીઓ અને પક્ષીઓની જેમ વનસ્પતિમાં પણ વિવિધતા રહેલી છે. એમાં ટેપુઇસની ટોચ પર વિશિષ્ટ પ્રકારના છોડ અને દુર્લભ એવા ઓર્કિડ્સ ઊગે છે.
કાનાઇમા નેશનલ પાર્ક પહોંચવું ખૂબ જ પડકારજનક છે, કારણ કે અહીં કોઈ સીધા પાકા રસ્તાઓ નથી. પ્રવાસીઓએ કાનાઇમા કેમ્પ સુધી પહોંચવા માટે નાનાં વિમાનોનો ઉપયોગ કરવો પડે છે અને ત્યારબાદ નદીઓમાં હોડીઓ દ્વારા આગળ જવું પડે છે. પ્રકૃતિપ્રેમીઓ માટે કાનાઇમા નેશનલ પાર્ક આકર્ષણનું કેન્દ્ર છે. અહીં આવવા માટે પહેલેથી પ્લાનિંગ કરવું પડે છે. બીજું, દરેક સીઝનમાં કાનાઇમા નેશનલ પાર્ક જઇ શકાતું નથી. મુલાકાત માટે ઉત્તમ સમય જૂનથી નવેમ્બર ચોમાસાની ઋતુ છે. આ સમય દરમિયાન એન્જલ ફોલ્સમાં પાણીનો પ્રવાહ સૌથી વધારે હોય છે અને નદીઓમાં હોડી ચલાવવી સરળ બને છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો