કેરમ એ ભારતીય પરિવારોમાં રમાતી સૌથી લોકપ્રિય અને મનપસંદ ઇન્ડોર ગેમ્સમાંની એક છે. એવું માનવામાં આવે છે કે કેરમ ગેમની શરૂઆત ભારતીય ઉપખંડમાં જ થઈ હતી. 18મી સદીની આસપાસ ભારતના મહારાજાઓ અને રાજવી પરિવારો આ રમત રમતા હતા. પ્રથમ વિશ્વયુદ્ધ પછી આ રમત સામાન્ય લોકોમાં ખૂબ જ લોકપ્રિય બની ગઈ. 1988માં `ઇન્ટરનેશનલ કેરમ ફેડરેશન'(ICF)ની સ્થાપના થઈ, જેણે આ રમતના સત્તાવાર નિયમો બનાવ્યા અને આજે તે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ રમાય છે.
કેરમના મૂળભૂત નિયમો
કેરમ રમવા માટે ચોરસ લાકડાનું બોર્ડ, સ્ટ્રાઇકર અને 29 એમ.એમ.ની ઓગણીસ કૂકરીઓનો ઉપયોગ થાય છે. આ રમત બે ખેલાડીઓ અથવા ચાર ખેલાડીઓ વચ્ચે રમી શકાય છે. બોર્ડ પર 9 સફેદ, 9 કાળી અને 1 લાલ (રાણી) કૂકરી હોય છે. સફેદ કૂકરીના 2 પોઇન્ટ, કાળીના 1 પોઇન્ટ અને રાણીના 3 પોઇન્ટ હોય છે.
બોર્ડના કેન્દ્રમાં બધી કૂકરીઓ ગોઠવવામાં આવે છે. ખેલાડીએ બેઝ લાઇન પર સ્ટ્રાઇકર મૂકીને આંગળીની મદદથી કૂકરીઓને હિટ કરવાની હોય છે. જે ખેલાડી પહેલા કૂકરી પોકેટ(કાણા)માં નાખે છે, તેની એ રંગની કૂકરીઓ નક્કી થઈ જાય છે. રાણી(લાલ કૂકરી)ને પોકેટમાં નાખ્યા પછી તેની તરત જ પછીની સ્લાઈડમાં પોતાની બીજી કોઈ પણ એક કૂકરી પોકેટમાં નાખવી ફરજિયાત છે, જેને `કવર' કહેવાય છે. જો કવર ન થાય, તો રાણી પાછી બોર્ડની વચ્ચે મૂકવામાં આવે છે. જો સ્ટ્રાઇકર પોતે પોકેટમાં જતો રહે અથવા બોર્ડની બહાર નીકળી જાય, તો તેને ફાઉલ ગણવામાં આવે છે અને સજા રૂપે ખેલાડીએ મેળવેલી એક કૂકરી પાછી બોર્ડ પર મૂકવી પડે છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો