બાળકો, આજના યુગમાં આપણી આસપાસ ટેક્નોલોજીનો વ્યાપ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. સ્માર્ટ ફોન, કમ્પ્યૂટર અને વીડિયો ગેમ્સ હવે આપણા જીવનનો એક મહત્ત્વનો ભાગ બની ગયા છે. આ બધી ટેક્નોલોજીની પાછળ એક ખાસ શક્તિ કામ કરી રહી છે, જેને આપણે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે કૃત્રિમ બુદ્ધિમત્તા કહીએ છીએ.`એઆઈ' એ વિજ્ઞાનની એક અદ્ભુત શોધ છે, પરંતુ જેમ દરેક સિક્કાની બે બાજુ હોય છે, તેમ `એઆઈ'ના પણ ઘણા ફાયદા અને કેટલાંક જોખમો પણ છે, તેથી જ ખાસ કરીને બાળકો માટે `એઆઈ'ની સુરક્ષા અને નૈતિકતા વિશે સમજવું ખૂબ જ જરૂરી છે. 

`એઆઇ' યુગમાં બાળકોની સુરક્ષા કેમ જરૂરી છે?

બાળકો, `એઆઈ' ભલે ગમે તેટલું સ્માર્ટ હોય, પણ છેવટે તો તે એક મશીન જ છે. જેમ માણસ ભૂલ કરી શકે છે, તેમ કમ્પ્યૂટર પ્રોગ્રામ પણ ભૂલ કરી શકે છે, તેથી જ્યારે તમે `એઆઈ'નો ઉપયોગ કરો ત્યારે તમારે મુખ્ય ત્રણ બાબતોનું અવશ્ય ધ્યાન રાખવું જોઈએ.  

ખોટી માહિતી

 ઘણીવાર `એઆઈ' સાચા જેવા લાગતા ખોટા જવાબો પણ આપી શકે છે. તેને વિજ્ઞાનની ભાષામાં `એઆઈ' હેલ્યુસીનેશન કહેવામાં આવે છે, તેથી `એઆઈ'એ આપેલી દરેક માહિતીને આંખ બંધ કરીને સાચી ન માનવી જોઈએ. હંમેશાં તમારા શિક્ષકો અથવા વાલીઓ સાથે તે માહિતીને તેમની સાથે શેર કરીને ચકાસણી કરવી જોઈએ.  

અજાણ્યા લોકો અને સુરક્ષા

કેટલીક `એઆઈ' એપ્લિકેશન્સ ઓનલાઇન ચેટિંગ માટે હોય છે. બાળકોએ ક્યારેય પણ આવા પ્લેટફોર્મ પર અજાણ્યા કમ્પ્યૂટર પ્રોગ્રામ સાથે અંગત વાતો શેર કરવી જોઈએ નહીં.  

સ્ક્રીન ટાઇમની મર્યાદા

`એઆઈ' સંચાલિત રમતો અને એપ્સ એટલી રસપ્રદ હોય છે કે બાળકો કલાકો સુધી તેનો ઉપયોગ કરતાં રહે છે. આનાથી સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડી શકે છે, પરિણામે સ્ક્રીન ટાઈમને નિર્ધારિત કરવો જોઈએ અને તેનું ચોક્કસપણે પાલન કરવું જોઈએ.  

`એઆઈ' યુગમાં નૈતિકતા એટલે શું?

નૈતિકતા એટલે શું સાચું છે અને શું ખોટું છે તેની સમજ. જ્યારે આપણે સમાજમાં રહીએ છીએ, ત્યારે આપણે મિત્રો સાથે હળીમળીને રહેવું, હંમેશાં સાચું બોલવું અને બીજાનો આદર કરવો જેવા નિયમોનું પાલન કરીએ છીએ, તેવી જ રીતે એઆઈના ઉપયોગ માટે પણ કેટલાક નિયમો હોવા જોઈએ, જેને આપણે એઆઈની નૈતિકતા કહીએ છીએ, જેમાં મુખ્ય ત્રણ નિયમોનું ધ્યાન રાખવું જોઈએ.  

ઈમાનદારી

 શાળાના પ્રોજેક્ટ કે કોઈ પણ લેખનકાર્ય માટે `એઆઈ'ની મદદ લેવી એ એક સારી બાબત છે, પરંતુ `એઆઈ' દ્વારા લખાયેલું આખું લખાણ બેઠું નકલ કરીને તેને પોતાનું કહીને રજૂ કરવું એ એક પ્રકારની ડિજિટલ ચોરી ગણાય છે. આવું કરવાથી આપણી પોતાની વિચારવાની અને શીખવાની ક્ષમતા નબળી પડે છે, તેથી `એઆઈ'નો ઉપયોગ માત્ર સમજવા માટે જ કરવો જોઈએ.  

સમાનતા અને આદર

 આપણે એ સમજવું જોઈએ કે `એઆઈ' ક્યારેક પૂર્વગ્રહયુક્ત હોઈ શકે છે. `એઆઈ' ટેક્નોલોજીને બનાવતી વખતે કે તેને ટ્રેનિંગ આપતી વખતે કોઈ ભેદભાવપૂર્ણ માહિતી આપવામાં આવી હોય, તો તે તેના જવાબોમાં પણ ભેદભાવ દાખવી શકે છે. આપણે હંમેશાં એ યાદ રાખવું જોઈએ કે સમાજમાં દરેક વ્યક્તિ સમાન છે અને `એઆઈ'એ આપેલા કોઈ પૂર્વગ્રહયુક્ત જવાબોના આધારે આપણે કોઈના વિશે ખોટો કે નકારાત્મક અભિપ્રાય ન બાંધવો જોઈએ.  

પ્રાઇવસીનું રક્ષણ

 આપણું પૂરું નામ, ઘરનું સરનામું, શાળાનું નામ, ફોનનંબર અથવા આપણો પોતાનો ફોટો એ આપણી અત્યંત ખાનગી અને સંવેદનશીલ માહિતી છે. ઇન્ટરનેટની દુનિયામાં સુરક્ષિત રહેવા માટે કોઈ પણ `એઆઈ' ટૂલ, એપ કે વેબસાઇટ પર આવી અંગત વિગતો આપણાં માતા-પિતાની પરવાનગી વગર ક્યારેય પણ અપલોડ કરવી જોઈએ નહીં. આમ, આ નિયમોનું પાલન કરવાથી આપણે `એઆઈ'નો સાચી અને સુરક્ષિત રીતે લાભ લઈ શકીએ છીએ.                  


આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો