રાજસ્થાનના ગૌરવ સમાન ચિત્તોડગઢ કિલ્લો માત્ર પથ્થરોની ઇમારત નથી, પરંતુ ભારતીય ઇતિહાસના સૌથી શૌર્યપૂર્ણ અને રોમાંચક પ્રકરણોનો જીવંત સાક્ષી છે. આ કિલ્લો રાજપૂત રાજાઓની અજોડ વીરતા અને રાજપૂતાણીઓના સર્વોચ્ચ ત્યાગની ભૂમિ છે. તે ક્ષેત્રફળની દૃષ્ટિએ ભારતનો સૌથી મોટો કિલ્લો છે, જેને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. ચિત્તોડગઢનો કિલ્લો ગંભીરી અને બેડચ નદીના કિનારે આવેલો છે. આ કિલ્લો આશરે 180 મીટર ઊંચી પહાડી પર બનેલો છે. લગભગ 700 એકર જેટલા વિશાળ વિસ્તારમાં ફેલાયેલો આ કિલ્લો આકાશમાંથી જોતાં એક વિશાળ માછલી આકારનો હોય એવો દેખાય છે. આ કિલ્લામાં પ્રવેશવા માટે સાત વિશાળ દરવાજા એટલે કે પોળ ઓળંગવા પડે છે, જેમાં પદન પોળ, ભૈરવ પોળ, હનુમાન પોળ અને રામ પોળ મુખ્ય છે. દરેક દરવાજાના નામ પાછળ અલગ અલગ સ્ટોરી છે. પ્રાચીન સમયમાં ચિત્તોડગઢ કિલ્લામાં એક લાખથી પણ વધારે લોકો રહેતા હતા. જેમાં રાજા રાણીથી લઇને દાસ દાસીઓ અને સૈનિકો સામેલ હતાં.


કિલ્લાની અંદર પાણીની અછત ઊભી ન થાય એ માટે એક સમયે 84 જેટલાં જળાશયો બનાવવામાં આવ્યાં હતાં. એમાંથી આજે ફક્ત 22 જળાશયો કાર્યરત છે. આ જળાશયો એટલાં વિશાળ હતાં કે તેમાં 4 અબજ લિટર પાણી સંગ્રહ કરી શકાતું હતું. પરિણામે દુશ્મનો દ્વારા જો કિલ્લાને લાંબા સમય સુધી ઘેરી રાખવામાં આવે તો પણ પાણીની અછત થવા દેતું નહીં.

માન્યતા અનુસાર આ કિલ્લાનું નિર્માણ મહાભારત કાળમાં પાંડુપુત્ર ભીમે કર્યું હતું. જોકે, ઐતિહાસિક પુરાવાઓ દર્શાવે છે કે મૌર્ય વંશના શાસક ચિત્રાંગદ મૌર્યએ 7મી સદીમાં આ કિલ્લો બંધાવ્યો હતો અને તેના નામ પરથી જ તેનું નામ ચિત્રકૂટ પડ્યું હતું, જે સમય જતાં અપભ્રંશ થઈને ચિત્તોડગઢ બન્યું. ઈ.સ. 734માં મેવાડ વંશના સ્થાપક બપ્પા રાવલે મૌર્ય શાસકોને હરાવીને આ કિલ્લા પર વિજય મેળવ્યો અને તેને મેવાડની રાજધાની બનાવી હતી. ચિત્તોડગઢના ઇતિહાસમાં ત્રણ એવાં મોટાં આક્રમણો થયાં, જેના કારણે અહીંની વીર નારીઓએ પોતાના સન્માનની રક્ષા કાજે હસતા મુખે અગ્નિકુંડમાં કૂદીને જૌહર એટલે કે સામૂહિક આત્મબલિદાન વહોર્યું હતું.

પ્રથમ જૌહર ઇ.સ. 1303માં કરવામાં આવ્યું હતું. એ વખતે દિલ્હીના સુલતાન અલાઉદ્દીન ખિલજીએ ચિત્તોડગઢ પર આક્રમણ કર્યું હતું. રાણા રતનસિંહ અને તેમના સેનાપતિઓ ગોરા અને બાદલે અપ્રતિમ વીરતા દાખવી, પરંતુ જીત અશક્ય જણાતાં રાણી પદ્મિની એટલે કે પદ્માવતીની આગેવાનીમાં આશરે 16,000 રાજપૂત મહિલાઓએ જૌહર કર્યું હતું.

બીજું જૌહર ઇ.સ. 1535માં કરવામાં આવ્યું હતું. ગુજરાતના સુલતાન બહાદુરશાહે જ્યારે ચિત્તોડ પર આક્રમણ કર્યું, ત્યારે રાણા સાંગાના વિધવા રાણી કર્ણાવતીએ હુમાયુને રાખડી મોકલીને મદદ માંગી હતી. મદદ સમયસર ન પહોંચતાં રાણી કર્ણાવતીએ હજારો મહિલાઓ સાથે જૌહરની જ્વાળાઓને આલિંગન આપ્યું હતું. મુઘલ બાદશાહ અકબરે કિલ્લા પર ઘેરો ઘાલ્યો હતો. આ યુદ્ધમાં જયમલ અને પત્તા નામના બે યુવાન રાજપૂત યોદ્ધાઓએ અભૂતપૂર્વ શૌર્ય બતાવ્યું. આ યુદ્ધ પછી કિલ્લાની મહિલાઓએ ત્રીજું જૌહર કર્યું અને મહારાણા ઉદયસિંહે મેવાડની ગાદી બચાવવા ઉદયપુરને નવી રાજધાની બનાવી. ચિત્તોડગઢ કિલ્લાની અંદર સ્થાપત્ય કલાના અજોડ નમૂનાઓ આવેલા છે. એમાં વિજય સ્તંભનો સમાવેશ થાય છે. મહારાણા કુંભાએ માળવા અને ગુજરાતના સુલતાનો પર મેળવેલા વિજયની યાદમાં આ 9 માળનો ભવ્ય સ્તંભ બંધાવ્યો હતો. આ સ્તંભ પર દેવી-દેવતાઓની સુંદર મૂર્તિઓ કંડારેલી છે. એની નજીકમાં કીર્તિ સ્તંભ બનાવવામાં આવ્યો છે. આ સ્તંભનું નિર્માણ 12મી સદીમાં જૈન વેપારી જીજાજી કથોડ દ્વારા પ્રથમ જૈન તીર્થંકર આદિનાથ ભગવાનના સન્માનમાં બનાવવામાં આવ્યો હતો. કૃષ્ણભક્ત મીરાંબાઈ આ જ કિલ્લાનાં રાજરાણી હતાં. તેમના માટે બનાવવામાં આવેલું ભક્તિભાવથી સભર મંદિર આજે પણ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: