દર વર્ષે 7મી જુલાઇના રોજ `વર્લ્ડ ચોકલેટ ડે' ઊજવવામાં આવે છે. ચોકલેટનો ઇતિહાસ આમ તો હજારો વર્ષ જૂનો છે, પરંતુ 7મી જુલાઇના દિવસને વૈશ્વિક સ્તરે પસંદ કરવા પાછળ ઐતિહાસિક કારણ છે. ઇતિહાસકારોના મતે, 7 જુલાઇ, 1550ના રોજ સ્પેનિશ સંશોધકો દ્વારા ચોકલેટને પ્રથમ વખત સત્તાવાર રીતે અમેરિકા ખંડમાંથી યુરોપ લાવવામાં આવી હતી.  

તે સમયે યુરોપના રાજા-મહારાજાઓ અને ઉચ્ચ વર્ગ માટે આ સ્વાદ સાવ નવો, રહસ્યમય અને આકર્ષક હતો. યુરોપમાં ચોકલેટના આ ઐતિહાસિક પ્રવેશે જ આગળ જતાં તેના વૈશ્વિક વ્યાપારીકરણનાં દ્વાર ખોલ્યાં. આ ઘટનાની યાદમાં વર્ષ 2009થી દર વર્ષે 7મી જુલાઇને `વર્લ્ડ ચોકલેટ ડે' તરીકે ઊજવવાની શરૂઆત થઈ, જેથી દુનિયાભરના લોકો ચોકલેટના સમૃદ્ધ ઇતિહાસને જાણી શકે.  

આજે આપણે જે ગળી અને ક્રીમી ચોકલેટ ખાઈએ છીએ, પ્રાચીન સમયમાં તેનો સ્વાદ આવો બિલકુલ નહોતો. ચોકલેટની શરૂઆત અંદાજે 4000 વર્ષ પહેલાં મધ્ય અમેરિકા આજના મેક્સિકોની `ઓલ્મેક', `માયા' અને `એઝટેક' સભ્યતાથી થઈ હતી. તે જમાનામાં લોકો કોકોના બીજને પીસીને, તેમાં પાણી, મરચું, વેનિલા અને અન્ય તેજાના ઉમેરીને એક ફીણવાળું કડવું પીણું બનાવતા હતા, જેને તેઓ `ઝોકોઆટલ' કહેતા હતા, જેનો અર્થ `કડવું પાણી' થાય છે. માયા સંસ્કૃતિમાં કોકોના વૃક્ષને પવિત્ર માનવામાં આવતું હતું. લગ્ન, શિશુના જન્મ કે ધાર્મિક વિધિઓમાં આ પીણું પ્રભુના આશીર્વાદ તરીકે પીવાતું.

 આજના સમયમાં ભલે આપણને આ વાત અજીબ લાગે, પણ એઝટેક સામ્રાજ્યમાં કોકોનાં બીજ એટલાં કીમતી હતાં કે તેનો ઉપયોગ સત્તાવાર ચલણ તરીકે થતો હતો.એઝટેક સંસ્કૃતિના પ્રખ્યાત રાજા મોન્ટેઝુમા દ્વિતીય વિશે એવું કહેવાય છે કે તેઓ નર્વસ સિસ્ટમને મજબૂત રાખવા, થાક દૂર કરવા અને ઊર્જાવાન રહેવા માટે ચોકલેટનું પીણું પી જતા હતા. 

યુદ્ધના મેદાનમાં જતા પહેલાં એઝટેક સૈનિકોને ખાસ ચોકલેટનું પીણું આપવામાં આવતું. માન્યતા હતી કે આ પીણું પીધા પછી સૈનિકો ભૂખ-તરસ ભૂલીને દિવસો સુધી બમણી તાકાતથી લડી શકતા. 19મી સદીમાં ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન ચોકલેટના સ્વરૂપમાં બદલાવ આવ્યો. વર્ષ 1828માં ડચ રસાયણશાસ્ત્રી કાનરાડ વેન હુટેને `કોકો પ્રેસ' મશીનની શોધ કરી, જેનાથી કોકોના બીજમાંથી `કોકો બટર' અલગ કરી શકાયું. ત્યારબાદ 1847માં બ્રિટનની `જે. એસ. ફ્રાય એન્ડ સન્સ' કંપનીએ કોકો પાઉડર, ખાંડ અને કોકો બટરને મિક્સ કરીને દુનિયાની સૌપ્રથમ ખાવાલાયક સોલિડ 

ચોકલેટ બાર બનાવી.


આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો