ભારતીય ક્રિકેટનો ઇતિહાસ અદ્ભુત અને રોમાંચક રહ્યો છે. ક્રિકેટની આ ભવ્ય ઈમારતનો પાયો નાખનાર જો કોઈ વ્યક્તિ હોય, તો તે હતા કર્નલ સી. કે. નાયડુ. તેઓ ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમના સૌપ્રથમ કેપ્ટન હતા. 1932માં લોર્ડ્સના મેદાન પર પોતાની પ્રથમ સત્તાવાર ટેસ્ટ મેચ રમ્યા, ત્યારે ટીમની કમાન સી. કે. નાયડુના હાથમાં હતી.


પ્રારંભિક જીવન અને રમત પ્રત્યેનો ઉત્સાહ

સી. કે. નાયડુનું પૂરું નામ કોટ્ટારી કનકૈયા નાયડુ હતું. તેમનો જન્મ 31 ઓક્ટોબર, 1895ના રોજ મહારાષ્ટ્રના નાગપુરમાં સુખી પરિવારમાં થયો હતો. બાળપણથી જ તેઓ રમતગમત તરફ આકર્ષાયા હતા. માત્ર 7 વર્ષની ઉંમરે તેમણે સ્કૂલ ક્રિકેટ રમવાનું શરૂ કરી દીધું હતું. તેઓ ક્રિકેટર ઉપરાંત એથ્લેટિક્સ, હોકી અને ફૂટબોલ જેવી રમતોમાં પણ ખૂબ કુશળ હતા. તેમની શારીરિક સક્ષમતા અદ્ભુત હતી. 6 ફૂટ લાંબું કદાવર શરીર અને મજબૂત કાંડાના જોરે તેઓ એવા પાવરફુલ શોટ્સ મારતા કે બોલ સીધો સ્ટેડિયમની બહાર જતો રહેતો. તે જમાનામાં તેઓ ભારતના સૌથી વિસ્ફોટક બેટ્સમેન અને આક્રમક ફિલ્ડર ગણાતા હતા.

કર્નલની ઉપાધિ

સી. કે. નાયડુના નામ સાથે કર્નલ શબ્દ હંમેશાં જોડાયેલો રહે છે. વાસ્તવમાં, ઇન્દોરના હોલકર મહારાજ યશવંતરાવ હોલકર તેમના ક્રિકેટ અને વ્યક્તિત્વથી એટલા પ્રભાવિત થયા હતા કે તેમણે નાયડુને પોતાના રાજ્યની સેનામાં આમંત્રિત કર્યા અને વર્ષ 1923માં તેમને પોતાની આર્મીમાં કેપ્ટન અને ત્યારબાદ કર્નલનો હોદ્દો આપ્યો હતો. ત્યારથી તેઓ ક્રિકેટ જગતમાં કર્નલ સી. કે. નાયડુ તરીકે ઓળખાય છે.

ઇતિહાસ સર્જક ઇનિંગ

ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં વર્ષ 1926 ખૂબ મહત્ત્વનું છે. એ વર્ષે મેરીલેબોન ક્રિકેટ ક્લબની ટીમ ભારત પ્રવાસે આવી હતી. મુંબઈના જિમખાના મેદાન પર હિન્દુ ટીમ તરફથી રમતા સી. કે. નાયડુએ અંગ્રેજ બોલરોની ધજ્જિયાં ઉડાવી દીધી હતી. તેમણે માત્ર 116 મિનિટમાં 11 સિક્સર અને 13 ફોરની મદદથી 153 રન ફટકાર્યા હતા. આ મેચ જોવા આવેલા લાખો ભારતીયો રોમાંચિત થઈ ગયા હતા. નાયડુની આ આક્રમક ઇનિંગે જ ઇમ્પિરિયલ ક્રિકેટ કોન્ફરન્સ(ICC)ને એ વાતની ખાતરી કરાવી કે ભારત હવે ટેસ્ટ ક્રિકેટ રમવા માટે સંપૂર્ણ સક્ષમ છે.

1932માં જ્યારે ભારતીય ટીમ પ્રથમ વાર ટેસ્ટ મેચ રમવા ઇંગ્લેન્ડ ગઈ, ત્યારે નાયડુને ઓફિશિયલ કેપ્ટન જાહેર કરાયા. લોર્ડ્સના મેદાન પર ભારતીય બોલરોએ નાયડુની કેપ્ટનશિપ હેઠળ ઇંગ્લેન્ડની મજબૂત ટીમને શરૂઆતમાં જ 19 રનમાં 3 વિકેટ લપેટી લીધી હતી. ભલે ભારત એ મેચ હારી ગયું, પણ નાયડુની આગેવાનીમાં ભારતે દુનિયાને બતાવી દીધું કે તેમનામાં લડત આપવાનું ઝનૂન છે. સી. કે. નાયડુ માત્ર ફિટનેસના પ્રતીક નહોતા, પણ ક્રિકેટ પ્રત્યેના સમર્પણનું જીવતું જાગતું ઉદાહરણ હતા. તેમણે 64 વર્ષની ઉંમરે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ રમીને ઇતિહાસ રચ્યો હતો અને 68 વર્ષની ઉંમરે એક ચેરિટી મેચમાં છેલ્લી વાર બેટ પકડ્યું હતું.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: