કોસ્મોલોજી નામ સાંભળતાં મનમાં એવો વિચાર આવે કે આ કોસ્મેટિકને લગતું હશે, પરંતુ મિત્રો, કોસ્મોલોજી એ ખગોળ વિજ્ઞાનની એક શાખા છે, જેને બ્રહ્માંડવિદ્યા પણ કહેવામાં આવે છે. બ્રહ્માંડની બનવાની પ્રક્રિયા વિશે કોસ્મોલોજીમાં માહિતી આપવામાં આવે છે. વીસમી શતાબ્દીમાં આવેલા વૈજ્ઞાનિક પરિવર્તને વૈજ્ઞાનિકોનો બ્રહ્માંડ વિશે રસ વધારી દીધો હતો. વૈજ્ઞાનિક તેની સાથે જોડાયેલ તમામ રહસ્યોને શોધવા લાગ્યા. વીસમી શતાબ્દીમાં કોસ્મોલોજી વિશે વધતી જિજ્ઞાસાના કારણે વૈજ્ઞાનિકોએ બ્રહ્માંડની ઉત્પત્તિ સાથે જોડાયેલ બિગ બેંગ સિદ્ધાંત આપ્યો.
કોસ્મોલોજીની શરૂઆત આમ જોવા જઇએ તો આઇન્સ્ટાઇનની સામાન્ય સાપેક્ષતાના સિદ્ધાંત પછી માનવામાં આવે છે. એમાં પૂર્વ બ્રહ્માંડની શરૂઆત અને અંત વિશે કોઇ ચોક્કસ ધારણા નથી. આઇન્સ્ટાઇને કહ્યું કે બ્રહ્માંડમાં અમુક પદાર્થ છે. એ સિદ્ધાંતના આધાર પર ફ્રેડમેને પોતાનો સિદ્ધાંત આપ્યો. જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે બ્રહ્માંડ ફેલાઇ રહ્યું છે અથવા સંકોચાઇ રહ્યું છે. 1927માં જોર્જ લેમેત્રીએ બિગ બેંગ થિયરી આપીને ફ્રેડમેને સિદ્ધાંતની પુષ્ટિ કરી. એ પછી હબલના કોસ્મોલોજિકલ સિદ્ધાંતે બિગ બેંગ થિયરી અને ફ્રેડના ગેલેક્સીના નિયમને આધાર પ્રદાન કર્યો છે. 1965માં માઇક્રોવેવની શોધ દરમિયાન એવું જાણવા મળ્યું કે બ્રહ્માંડના 25 ટકા ભાગમાં ડાર્ક મેટર છે. જેમાં ફક્ત ચાર ટકા ભાગને જ જોઇ શકાય છે. ફિઝિકલ કોસ્મોલોજીના માધ્યમથી બ્રહ્માંડનું મોટું ઓબ્જેક્ટ જેમ કે ગેલેક્સી, ક્લસ્ટર અને સુપર ક્લસ્ટર વિશે માહિતી મળે છે. કોસ્મોલોજીની મદદથી બ્લેક હોલને જાણવામાં મદદ મળી હતી.
