1980ના દાયકામાં જ્યારે વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલરો વિશ્વભરના બેટ્સમેનોમાં દહેશત ફેલાવતા હતા, ત્યારે ભારતીય ક્રિકેટ ટીમમાં એક એવો બેટ્સમેન હતો જે ટેક્નિક, સંયમ અને આક્રમકતાના અદ્ભુત મિશ્રણ સાથે ક્રીઝ પર અડીખમ ઊભો રહેતો. તે બેટ્સમેન એટલે દિલીપ બળવંત વેંગસરકર. ક્રિકેટ જગતમાં પ્રેમથી `કર્નલ'તરીકે ઓળખાતા દિલીપ વેંગસરકર 70 અને 80ના દાયકામાં ભારતીય બેટિંગ લાઇન-અપના મજબૂત સ્તંભ હતા. દિલીપ વેંગસરકરનો જન્મ 6 એપ્રિલ, 1956ના રોજ મહારાષ્ટ્રના રાજાપુરમાં થયો હતો. મુંબઈની પ્રખ્યાત ઈરાની ટ્રોફી મેચમાં 1975માં માત્ર 19 વર્ષની ઉંમરે બિશન સિંહ બેદી અને ઈરાપલ્લી પ્રસન્ના જેવા દિગ્ગજ સ્પિનરો સામે 110 બોલમાં 139 રનની તોફાની ઇનિંગ્સ રમીને તેઓ રાતોરાત લાઈમલાઈટમાં આવ્યા હતા. આ શાનદાર પ્રદર્શનના આધારે 1976માં ન્યૂઝીલેન્ડ સામે તેમને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની તક મળી હતી.   

ક્રિકેટનું મક્કા ગણાતા લંડનના લોર્ડ્સ ગ્રાઉન્ડ સાથે દિલીપ વેંગસરકરનો ખાસ અને અનોખો સંબંધ રહ્યો છે. તેઓ વિશ્વના એકમાત્ર બિન-ઈંગ્લિશ એટલે કે વિદેશી બેટ્સમેન છે, જેમણે લોર્ડ્સના મેદાન પર સળંગ 3 ટેસ્ટ મેચોમાં 3 સદીઓ ફટકારી છે: 1979 : 103 રન, 1982 : 157 રન અને 1986 :126 રન. આ ઇનિંગ્સની મદદથી ભારતે લોર્ડ્સમાં પોતાની પ્રથમ ટેસ્ટ મેચ જીતી હતી. આ અદ્ભુત સિદ્ધિને કારણે જ તેમને લોર્ડ્સના મેદાન પર વિશેષ માન-સન્માન મળ્યું હતું. 1983ના વર્લ્ડકપ વિજેતા ભારતીય ટીમના તેઓ મહત્ત્વના સભ્ય હતા. 1985થી 1987 દરમિયાન વેંગસરકર તેમની કારકિર્દીના સર્વોચ્ચ શિખર પર હતા. આ ગાળામાં તેમણે પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ સામે સતત સદીઓ ફટકારી હતી. 1986-87માં તેઓ આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં વિશ્વના નંબર 1 બેટ્સમેન બન્યા હતા. સુનિલ ગાવસ્કર અને ગુરુનાથ વિશ્વનાથ પછી ભારતીય મધ્યમ ક્રમને સંભાળવાની જવાબદારી તેમણે ખૂબ જ સારી રીતે નિભાવી હતી.   

1987ના વર્લ્ડકપ પછી સુનિલ ગાવસ્કરની નિવૃત્તિ બાદ દિલીપ વેંગસરકરને ભારતીય ટીમના કેપ્ટન બનાવવામાં આવ્યા હતા. તેમણે 10 ટેસ્ટ મેચોમાં ભારતનું નેતૃત્વ કર્યું હતું. 1992માં તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. તેમની ટેસ્ટ કારકિર્દીની વાત કરીએ તો 116 મેચ, 6,868 રન, 17 સદી, સરેરાશ 42.13. વન-ડે કારકિર્દીમાં તેમણે 129 મેચ, 3,508 રન, 1 સદી ફટકારી હતી. નિવૃત્તિ પછી પણ વેંગસરકરનું ક્રિકેટ પ્રત્યેનું સમર્પણ ઓછું ન થયું. ક્રિકેટ સાથે જોડાયેલા રહ્યા હતા. 2006થી 2008 દરમિયાન તેઓ બીસીસીઆઇના ચીફ સિલેક્ટર તરીકે જોડાયા હતા. તેમના કાર્યકાળ દરમિયાન જ તેમણે વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા ખેલાડીઓની પ્રતિભા ઓળખીને તેમને ભારતીય ટીમમાં તક આપી હતી.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો