બાળકો, આકાશમાં તરતાં વાદળો તમે જોયાં હશે. ચોમાસાની ઋતુમાં વરસાદ લઈને આવતાં આ વાદળો પૃથ્વી પરના જીવન માટે અમૃત સમાન છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આકાશમાં રૂના પહાડ જેવા દેખાતાં આ વાદળો વાસ્તવમાં શું છે? તે કેવી રીતે બને છે અને તેમનું વજન કેટલું હોય છે? કુદરતની આ સુંદર રચના પાછળ વિજ્ઞાનનાં ઘણાં રોમાંચક રહસ્યો છુપાયેલાં છે.
વાદળ એટલે શું?
સરળ ભાષામાં કહીએ તો, વાદળ એ હવામાં ભેગા થયેલા પાણીના અતિ સૂક્ષ્મ ટીપાં અથવા બરફના નાના કણોનો સમૂહ છે. જ્યારે સૂર્યની ગરમીથી નદી, તળાવ અને સમુદ્રનું પાણી ગરમ થાય છે, ત્યારે તેનું વરાળમાં રૂપાંતર થાય છે, જેને આપણે `બાષ્પીભવન' કહીએ છીએ. આ ગરમ વરાળ હલકી હોવાને કારણે આકાશ તરફ ઉપર ચઢે છે. ઉપર તાપમાન ઓછું થવાને કારણે તે ઠંડી પડવા લાગે છે. ઠંડી પડેલી વરાળ હવામાં રહેલા ધૂળના રજકણો સાથે જોડાઈને પાણીનાં નાનાં ટીપાંનું સ્વરૂપ ધારણ કરે છે. જ્યારે આવાં અબજો ટીપાં ભેગાં થાય, ત્યારે તેને આપણે `વાદળ' તરીકે જોઈએ છીએ.
રૂજેવાં દેખાતાં વાદળોનું વજન
જ્યારે આપણે વાદળોને આકાશમાં તરતાં જોઈએ છીએ, ત્યારે આપણને લાગે છે કે તે રૂનાં ગૂંચળાં જેવાં એકદમ હલકાં હશે, પરંતુ વિજ્ઞાન કંઈક અલગ જ કહે છે! વૈજ્ઞાનિકોના મતે, સામાન્ય દેખાતા એક મધ્યમ કદના સફેદ વાદળનું વજન આશરે 5 લાખ કિલોગ્રામ જેટલું હોઈ શકે છે. આ વજન લગભગ 100 હાથીઓ અથવા એક મોટા વિમાનના વજન બરાબર છે! હવે પ્રશ્ન એ થાય કે આટલું બધું વજન હોવા છતાં તે નીચે કેમ નથી પડતા? વાસ્તવમાં વાદળમાં રહેલા પાણીનાં ટીપાં એટલાં સૂક્ષ્મ હોય છે કે તેમના પર ગુરુત્વાકર્ષણ બળ બહુ ઓછી અસર કરે છે. આ ઉપરાંત, જમીન પરથી ઉપર તરફ આવતી ગરમ હવાનો પ્રવાહ આ ટીપાંને આકાશમાં જ ટકાવી રાખે છે, જેના કારણે વાદળો સરળતાથી હવામાં તરી શકે છે. વૈજ્ઞાનિક રીતે વાદળોને તેમની ઊંચાઈ અને આકારના આધારે ઘણા પ્રકારોમાં વહેંચવામાં આવ્યાં છે, જેમાંથી મુખ્ય ત્રણ પ્રકાર આ મુજબ છે.
ક્યુમ્યુલસ : આ વાદળો આકાશમાં રૂના ઢગલા જેવા અથવા ફુલાવર જેવા આકારના દેખાય છે. તે મોટેભાગે ખુશનુમા હવામાનની નિશાની છે.
સ્ટ્રેટ્સ : આ વાદળો આકાશમાં મોટી ચાદરની જેમ ફેલાયેલાં હોય છે. તે પૃથ્વીની સપાટીની નજીક હોય છે અને ઘણીવાર ધુમ્મસ જેવું વાતાવરણ સર્જે છે.
સિરસે : આ વાદળો આકાશમાં સૌથી વધુ ઊંચાઈએ આશરે 20,000 ફૂટથી ઉપર જોવા મળે છે. તે પક્ષીનાં પીંછાં જેવાં પાતળાં અને સફેદ હોય છે અને તે સંપૂર્ણપણે બરફના સ્ફટિકોના બનેલાં હોય છે.
વાદળોનો પોતાનો કોઈ રંગ હોતો નથી. જ્યારે વાદળમાં પાણીનાં ટીપાંની સંખ્યા ખૂબ વધી જાય છે અને તે ઘટ્ટ બની જાય છે, ત્યારે સૂર્યનો પ્રકાશ તેમાંથી આરપાર નીકળી શકતો નથી. પ્રકાશના આ અવરોધને કારણે પૃથ્વી પરથી જોતાં આપણને તે કાળાં દેખાય છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો