ઉત્ક્રાંતિને ઇવોલ્યુશન પણ કહેવામાં આવે છે. ઉત્ક્રાંતિને સાદી ભાષામાં સમજીએ તો સમય જતાં સજીવોની શારીરિક, જૈવિક અને જનીનિક રચનામાં આવતું ક્રમિક અને સતત પરિવર્તન. પૃથ્વી પર જીવનની શરૂઆત ખૂબ જ સરળ, એકકોષીય સજીવોથી થઈ હતી. કરોડો વર્ષો દરમિયાન પર્યાવરણમાં થયેલા ફેરફારો સામે ટકી રહેવા માટે સજીવોમાં બદલાવ આવતા ગયા અને તેમાંથી આજે જોવા મળતી જટિલ વનસ્પતિઓ અને પ્રાણીઓની વિવિધતા વિકસી.  

ચાર્લ્સ ડાર્વિને `કુદરતી પસંદગીનો સિદ્ધાંત' રજૂ કરીને ઉત્ક્રાંતિની પ્રક્રિયા સમજાવી હતી. આ સિદ્ધાંત મુજબ, જે સજીવો પોતાના બદલાતા પર્યાવરણ સાથે અનુકૂલન સાધી શકે છે, તેઓ જ જીવિત રહે છે. તેઓ પોતાના ફાયદાકારક લક્ષણો પોતાની આવનારી પેઢીઓમાં ટ્રાન્સફર કરે છે.  

જનીનિક ઉત્પરિવર્તન, ડીએનએમાં આવતા ફેરફારો અને પ્રજનન દરમિયાન થતું જનીનોનું પુનઃ સંયોજન ઉત્ક્રાંતિ માટેનાં મુખ્ય પરિબળો છે. આવાં નાનાં પરિવર્તનો હજારો અને લાખો વર્ષોના અંતરાલ પછી એક સાવ નવી જ જાતિને જન્મ આપે છે. ચાર્લ્સ ડાર્વિને ઉત્ક્રાંતિનો સિદ્ધાંત આપ્યો હતો.   

માનવ જાતિનો વિકાસ પણ ઉત્ક્રાંતિનું જ પરિણામ છે. ઉત્ક્રાંતિ એ ભૂતકાળની કોઈ બંધ થઈ ગયેલી ઘટના નથી, પરંતુ કુદરતનો એક સતત ચાલતો નિયમ છે, જે આજે પણ દરેક જીવમાં ખૂબ જ ધીમી ગતિએ નિરંતર ચાલી રહ્યો છે.   

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો