ફૂટબોલ એ વિશ્વની સૌથી રોમાંચક અને સૌથી વધુ જોવામાં આવતી રમતોમાંની એક છે. વિશ્વભરના કરોડો લોકો આ રમત સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા છે. ફૂટબોલ જેવી રમત પ્રાચીન ચીન જ્યાં તેને `ત્સુ ચુ' કહેવાતી, ગ્રીસ અને રોમમાં રમાતી હતી, પરંતુ આધુનિક ફૂટબોલની શરૂઆત 19મી સદીમાં ઇંગ્લેન્ડમાં થઈ હતી. 1863માં `ધ ફૂટબોલ એસોસિએશન'ની સ્થાપના સાથે આ રમતના ચોક્કસ નિયમો ઘડવામાં આવ્યા.  

1904માં આંતરરાષ્ટ્રીય સંસ્થા ફિફાની સ્થાપના થઈ, જેણે આ રમતને વૈશ્વિક ઓળખ આપી. 1930માં પ્રથમ `ફૂટબોલ વર્લ્ડકપ' યોજાયો હતો, જે આજે વિશ્વનો સૌથી મોટો રમત ઉત્સવ ગણાય છે. ફૂટબોલ રમવાના મુખ્ય નિયમોની વાત કરીએ તો દરેક ટીમમાં 11 ખેલાડીઓ હોય છે. આ મેચ કુલ 90 મિનિટની હોય છે, જેને 45-45 મિનિટના બે ભાગમાં વહેંચવામાં આવે છે. ગોલકીપર સિવાય કોઈ પણ ખેલાડી મેચ દરમિયાન બોલને હાથ કે બાવડાથી સ્પર્શ કરી શકતો નથી. ખેલાડીઓ માત્ર પગ, છાતી કે માથાનો ઉપયોગ કરી શકે છે. જ્યારે બોલ વિરોધી ટીમના ગોલપોસ્ટની નેટને સંપૂર્ણપણે પાર કરે છે, ત્યારે તેને 1 ગોલ ગણવામાં આવે છે. સૌથી વધુ ગોલ કરનાર ટીમ વિજેતા બને છે. ખેલાડીને ગંભીર ભૂલ કે અયોગ્ય વર્તન માટે ચેતવણી રૂપે યલો કાર્ડ આપવામાં આવે છે. અતિ ગંભીર ભૂલ માટે અથવા બે યલો કાર્ડ મળવા પર રેડ કાર્ડ આપીને ખેલાડીને મેદાનની બહાર મોકલી દેવાય છે.