બાળકો, પહેલાં કમ્પ્યૂટરને કોઈ કામ સોંપવું હોય, ત્યારે જટિલ પ્રોગ્રામિંગ ભાષાઓ જેમ કે, સી, સી++, જાવા અને પાયથોનનો ઉપયોગ કરીને લાંબા કોડ લખવા પડતા હતા, પરંતુ આજનો સમય બદલાઈ રહ્યો છે. ડિજિટલ ક્રાંતિ અને એઆઈના આ યુગમાં હવે નાનાં બાળકો પણ પોતાની બુદ્ધિમત્તા અને કલ્પનાશક્તિનો ઉપયોગ કરીને કમ્પ્યૂટરને `બુદ્ધિશાળી' બનાવી શકે છે, જે શક્ય બન્યું છે `નો-કોડ મશીન લર્નિંગ ક્રાંતિ'ના કારણે. નો-કોડ મશીન લર્નિંગ ક્રાંતિ શું છે, તે કેવી રીતે કાર્ય કરે છે અને તે શા માટે ઉપયોગી છે, તે જાણીએ.
મશીન લર્નિંગ એટલે શું?
આપણને નાનપણથી જ આપણાં માતા-પિતા અને શિક્ષકો વિવિધ વસ્તુઓને બતાવીને તેની ઓળખ કરતા આપણને શીખવાડે છે. જેમ કે, સફરજન લાલ રંગનું હોય છે અને તેનો આકાર ગોળ હોય છે. આમ તમે જ્યારે વારંવાર આ વસ્તુઓને જુઓ છો તો તમારું મગજ તે પદાર્થને ઓળખતા શીખી જાય છે કે કોને સફરજન કહેવાય અને કોને કેળું કહેવાય. બાળકો મશીન લર્નિંગમાં પણ કંઈક આવું જ થાય છે. કમ્પ્યૂટર કે મશીનને હજારો ચિત્રો અથવા ડેટા આપીને તાલીમ આપવામાં આવે છે, જેથી તે પોતાની જાતે નિર્ણયો લઈ શકે અથવા વસ્તુઓને સ્વતંત્ર રીતે ઓળખી શકે, પરંતુ મશીન અનુભવ દ્વારા જ્યારે પોતાની જાતે જ શીખવાનું શરૂ કરે છે, ત્યારે તેને મશીન લર્નિંગ કહેવામાં આવે છે.
નો-કોડ મશીન લર્નિંગ ક્રાંતિ શું છે?
મશીન લર્નિંગના મોડલ બનાવવા માટે ગણિતનાં જટિલ સમીકરણો અને પ્રોગ્રામિંગ કૌશલ્યની જરૂર પડતી હતી. આ પરિસ્થિતિ જટિલ હતી અને માત્ર મોટા એન્જિનિયરો જ તે કરી શકતા હતા, પરંતુ `નો-કોડ' ટેક્નોલોજીએ આ મુશ્કેલીને દૂર કરી દીધી છે. નો-કોડ પ્લેટફોર્મ્સ એવાં સોફ્ટવેર સાધનો છે જેમાં તમારે એક પણ લીટીનો પ્રોગ્રામિંગ કોડ લખવો પડતો નથી. આમાં માત્ર ડ્રેગ-એન્ડ-ડ્રોપ, ઈમેજ અપલોડિંગ અને બટન ક્લિક કરીને મોટા મશીન લર્નિંગ મોડલ્સ બનાવી શકાય છે. જેમ `લેગો બ્લોક્સ' જોડીને ઘર કે કાર બનાવવામાં આવે છે તેમ નો-કોડ પ્લેટફોર્મમાં વિવિધ વિઝ્યુઅલ બ્લોક્સ જોડીને `એઆઈ' સોફ્ટવેર તૈયાર કરી શકાય છે.
નો-કોડ મશીન લર્નિંગ ટેક્નોલોજી મુખ્ય
ત્રણ તબક્કામાં કામ કરે છે
1) ડેટા એકત્ર કરવો
સૌ પ્રથમ આપણે મશીનને જે પણ વિષય શીખવવો હોય તેને લગતો ડેટા તેને આપવો પડે છે.
ઉદાહરણ: જો આપણે કમ્પ્યૂટરને સફરજન અને કેળા વચ્ચેનો તફાવત શીખવવો હોય, તો આપણે તેને સફરજન અને કેળાના અલગ અલગ 50 ચિત્રો બતાવવાં પડશે અથવા તે ચિત્રોને અપલોડ કરવાનાં છે.
2) મોડલને તાલીમ આપવી
એકવાર ડેટા અપલોડ થઈ જાય પછી આપણે માત્ર `Train' બટન પર ક્લિક કરવાનું રહે છે. પ્લેટફોર્મની અંદર રહેલ એલ્ગોરિધમ્સ આપમેળે ચિત્રોનો અભ્યાસ કરે છે અને સફરજન અને કેળાના આકાર, રંગ અને કદ વગેરે લક્ષણો સમજી લે છે.
3) કસોટી અને ઉપયોગ
તાલીમ પૂર્ણ થયા પછી આપણે મશીનને સફરજન અને કેળામાંથી એક નવું ચિત્ર બતાવીને ચકાસીએ છીએ અને જોઈએ છીએ કે તે સાચો જવાબ આપે છે કે નહીં. જો મશીન સાચો જવાબ આપે, તો આ મોડલનો ઉપયોગ ગેમ્સ તેમજ એપ્લિકેશનમાં પણ કરી શકાય છે.
નો-કોડ મશીન લર્નિંગ ટેક્નોલોજીના મુખ્ય ત્રણ ફાયદા
નો-કોડ મશીન લર્નિંગ માત્ર એક ટેક્નિકલ સાધન નથી, પરંતુ તે બાળકોના માનસિક અને બૌદ્ધિક વિકાસમાં મહત્ત્વનો ભાગ ભજવે છે:
1) તાર્કિક વિચારસરણી : બાળકો સમસ્યાઓને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી ઉકેલતા શીખે છે.
2) ડિજિટલ સાક્ષરતા અને આત્મવિશ્વાસ : બાળકો હવે માત્ર ટેક્નોલોજીના `વપરાશકર્તા' નથી રહેતા, પરંતુ તેઓ `સર્જક' બને છે.
3) એઆઈ નૈતિકતાની સમજ : બાળકો સમજે છે કે જો કમ્પ્યૂટરને ખોટો અથવા ભેદભાવપૂર્ણ ડેટા આપવામાં આવે, તો તે ખોટા નિર્ણયો લેશે, આનાથી તેઓ ડેટાની ગુણવત્તાનું મહત્ત્વ સમજે છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો