રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લામાં આહુ અને કાલી સિંધ નદીઓના સંગમસ્થાન પર ગાંગરોન કિલ્લો આવેલો છે. આ કિલ્લો ભારતીય સ્થાપત્યકળા અને શૌર્યનો એક અજોડ નમૂનો છે. વર્ષ 2013માં યુનેસ્કો દ્વારા તેને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. ઉત્તર ભારતનો આ એકમાત્ર એવો કિલ્લો છે જેને ત્રણ બાજુએથી પાણી અને ચોથી બાજુએ ઊંડી ખાઈએ ઘેરેલો છે, જેથી તેને શ્રેષ્ઠ `જલ-દુર્ગ' પણ ગણવામાં આવે છે. ગાંગરોન કિલ્લાનું નિર્માણ 7મીથી 14મી સદી દરમિયાન અલગ-અલગ તબક્કામાં થયું હોવાનું મનાય છે. 12મી સદીમાં ડોડ-પરમાર રાજાઓ દ્વારા તેની સ્થાપના થઈ હોવાથી તે શરૂઆતમાં `ડોડગઢ' તરીકે પણ ઓળખાતો હતો. પાછળથી આ કિલ્લો ખીચી ચૌહાણ રાજપૂતોના શાસન હેઠળ આવ્યો હતો.
આ કિલ્લાની સૌથી અદ્ભુત અને રોમાંચક બાબત એ છે કે આ કિલ્લો જમીનમાં કોઈ પાયો ખોદ્યા વગર સીધો જ વિંધ્યાચળ પર્વતમાળાના ખડકો પર ઊભો કરવામાં આવ્યો છે. પહાડી પોતે જ આ કિલ્લાના પાયાનું કામ કરે છે. સામાન્ય રીતે કિલ્લાઓમાં બે પરકોટા એટલે કે દીવાલો હોય છે, પરંતુ સુરક્ષાની દૃષ્ટિએ ગાંગરોન કિલ્લામાં ત્રણ સ્તરના પરકોટાનું નિર્માણ કરવામાં આવ્યું છે.
ગાંગરોન કિલ્લાનો ઇતિહાસ 14 યુદ્ધો અને 2 વિશાળ જોહર રાજપૂતાણીઓ દ્વારા બલિદાનનો સાક્ષી રહ્યો છે. ઈ.સ. 1423માં માંડુના સુલતાન હોશંગ શાહે 30,000 ઘોડેસવાર અને વિશાળ સૈન્ય સાથે ગાંગરોન પર આક્રમણ કર્યું. કિલ્લાના તત્કાલીન શાસક રાજા અચલદાસ ખીચી પાસે સૈન્ય ઓછું હતું અને પરાજય નિશ્ચિત હતી. છતાં તેમણે શરણાગતિ સ્વીકારવાને બદલે કેસરિયા ધારણ કરી અંતિમ શ્વાસ સુધી વીરતાપૂર્વક યુદ્ધ કર્યું અને વીરગતિ પામ્યા. રાજાની શહાદત બાદ કિલ્લાની હજારો વીરાંગનાઓએ પોતાના સતીત્વ અને સ્વમાનની રક્ષા માટે બળતી જ્વાળાઓમાં કૂદીને `જોહર' (બલિદાન) આપ્યું હતું.
આ કિલ્લા સાથે અનેક રોમાંચક અને રહસ્યમય બાબતો જોડાયેલી છે. જેમ કે, રાજા અચલદાસના પલંગનું રહસ્ય. યુદ્ધ જીત્યા બાદ સુલતાન હોશંગ શાહ અને બાદના મુસ્લિમ શાસકો રાજા અચલદાસ ખીચીની વીરતાથી એટલા પ્રભાવિત થયા કે તેમણે રાજાના શયનખંડ કે તેમના પલંગને કોઈ નુકસાન ન પહોંચાડ્યું. લોકવાયકા અનુસાર 1950ના દાયકા સુધી કિલ્લામાં રાજા અચલદાસનો પલંગ એમ જ રહ્યો હતો. સ્થાનિક લોકો માનતા કે રાત્રે રાજાનો આત્મા ત્યાં આવીને વિશ્રામ કરતો અને હુક્કાનો અવાજ પણ સંભળાતો. કહેવાય છે કે રજવાડાના સમયમાં એક નાઈ દરરોજ સાંજે કિલ્લામાં રાજાના પલંગની પથારી સરખી કરતો અને દરરોજ સવારે તેને પલંગ પાસેથી 5 રૂપિયાનો સિક્કો મળતો, પરંતુ જ્યારે નાઈએ આ વાત ગુપ્ત ન રાખી અને અન્ય લોકોને કહી દીધી, ત્યારથી સિક્કા મળવાના બંધ થઈ ગયા હતા.
ગાંગરોનના મુકુંદરા જંગલો અને રામબુરજમાં જોવા મળતા હીરામન પોપટ ખૂબ જાણીતા છે. આ પોપટ મનુષ્યના અવાજની આબેહૂબ નકલ કરી શકે છે. ઇતિહાસમાં નોંધ છે કે જ્યારે ગુજરાતના બહાદુર શાહ અને મુઘલ બાદશાહ હુમાયુ પાસે ગાંગરોનનો પોપટ હતો, ત્યારે પોપટે ગદ્દાર સેનાપતિને જોઈને `ગદ્દાર-ગદ્દાર' બોલીને તેનો પર્દાફાશ કર્યો હતો.
આ કિલ્લો માત્ર યુદ્ધો માટે જ નહીં, પણ આધ્યાત્મિકતા માટે પણ પ્રસિદ્ધ છે. ગાંગરોનના રાજા પ્રતાપરાવે રાજપાટ છોડીને સંન્યાસ લીધો હતો અને તેઓ ભક્તિ આંદોલનના મહાન `સંત પીપાજી' તરીકે પ્રખ્યાત થયા. આ ઉપરાંત કિલ્લાની બહાર સૂફી સંત મીઠે શાહની દરગાહ આવેલી છે, જ્યાં દર વર્ષે મહોરમના મહિનામાં મોટો મેળો ભરાય છે.
આમ, ગાંગરોન કિલ્લો ફક્ત પથ્થરોનું સ્થાપત્ય નથી, પરંતુ રાજપૂતોના અજોડ શૌર્ય, ત્યાગ, રહસ્ય અને કુદરતી સૌંદર્યની જીવંત મિસાલ છે. પહાડ અને નદીઓના અદ્ભુત નજારા વચ્ચે આવેલો આ કિલ્લો પ્રવાસીઓ અને ઇતિહાસપ્રેમીઓ માટે આજે પણ રોમાંચક અનુભવ પૂરો પાડે છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો