ભારતીય રમતગમતના ઇતિહાસમાં અનેક એવા ખેલાડીઓ થયા છે, જેમણે મર્યાદિત સાધનો અને મુશ્કેલ પરિસ્થિતિઓ વચ્ચે પણ દેશનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું છે. ગીતા ઝુત્શી ભારતીય એથ્લેટિક્સની એવી જ ખેલાડી છે.
ગીતા ઝુત્શીનો જન્મ 15 ડિસેમ્બર, 1956માં દિલ્હીમાં થયો હતો. બાળપણથી જ તેમને રમતગમતમાં વિશેષ રસ હતો. દોડવાની તેમની કુદરતી ક્ષમતા અને શારીરિક તંદુરસ્તીએ તેમને એથ્લેટિક્સ તરફ આગળ વધવા માટે પ્રેરિત કર્યા. તે સમયગાળામાં ભારતમાં મહિલાઓ માટે રમતગમતના ક્ષેત્રમાં આગળ વધવું આજની સરખામણીમાં ઘણું મુશ્કેલ હતું. તાલીમ માટે પૂરતી સુવિધાઓનો અભાવ, યોગ્ય માર્ગદર્શનની અછત અને સામાજિક મર્યાદાઓ જેવી અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. તેમ છતાં ગીતા ઝુત્શીએ મહેનત, શિસ્ત અને આત્મવિશ્વાસ દ્વારા કારકિર્દી બનાવી.
તેઓ મુખ્યત્વે 800 મીટર અને 1500 મીટરની દોડ માટે જાણીતાં હતાં. મધ્યમ અંતરની દોડમાં માત્ર ઝડપ પૂરતી નથી હોતી, પરંતુ શરૂઆતથી અંત સુધી યોગ્ય ગતિ જાળવવી, શરીરની ઊર્જાનો યોગ્ય ઉપયોગ કરવો, લાંબા સમય સુધી સ્ટેમિના જાળવવો અને અંતિમ તબક્કામાં ઝડપ વધારવી પણ જરૂરી હોય છે. ગીતા ઝુત્શીએ આ તમામ ગુણોનો સુંદર સમન્વય કર્યો હતો. તેમની દોડવાની શૈલીમાં ગતિ સાથે સમજદારી અને વ્યૂહરચના પણ જોવા મળતી હતી.
રાષ્ટ્રીય સ્તરે સતત સારું પ્રદર્શન કર્યા બાદ તેમણે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું શરૂ કર્યું. તેમની કારકિર્દીમાં એશિયન ગેમ્સનું વિશેષ સ્થાન હતું. 1970ના દાયકાથી લઈને 1980ના દાયકાની શરૂઆત સુધી તેમણે વિવિધ આંતરરાષ્ટ્રીય મંચો પર ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. 1978ની એશિયન ગેમ્સમાં તેમણે 800 મીટર દોડમાં રજતચંદ્રક મેળવ્યો હતો. આ સિદ્ધિ ભારતીય મહિલા એથ્લેટિક્સ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ હતી, કારણ કે તે સમયગાળામાં ભારતીય મહિલા ખેલાડીઓ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે મેડલ જીતવો સરળ બાબત નહોતી. તેમની સિદ્ધિએ દેશભરના રમતપ્રેમીઓમાં ઉત્સાહ જગાવ્યો અને અનેક યુવતીઓને એથ્લેટિક્સ તરફ આકર્ષિત કરી.
ગીતા ઝુત્શીએ 1980ના મોસ્કો ઓલિમ્પિક્સમાં પણ ભારત તરફથી ભાગ લીધો હતો. ઓલિમ્પિક્સ જેવી વિશ્વની સૌથી મોટી રમતોત્સવ સ્પર્ધામાં ભાગ લેવો કોઈ પણ ખેલાડી માટે ગૌરવની વાત હોય છે.
લાંબા સમય સુધી તેઓ 800 મીટર અને 1500 મીટરની દોડમાં ભારતની અગ્રણી મહિલા દોડવીરોમાં ગણાતી હતી. તેમની સફળતા પાછળ નિયમિત તાલીમ, કઠોર શારીરિક મહેનત, યોગ્ય આહાર, માનસિક તૈયારી અને સ્પર્ધા દરમિયાન એકાગ્રતા જેવાં અનેક પરિબળો જવાબદાર હતાં. ગીતા ઝુત્શીની કારકિર્દી માત્ર મેડલ કે રેકોર્ડ પૂરતી મર્યાદિત નથી. તેઓ એવા સમયની પ્રતિનિધિ છે જ્યારે ભારતીય મહિલા ખેલાડીઓને તાલીમ, આધુનિક સાધનો, પોષણ અને આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓની તકો આજની સરખામણીમાં ઘણી ઓછી મળતી હતી. ઘણી વખત ખેલાડીઓને પોતાની કારકિર્દી સાથે અભ્યાસ, પરિવાર અને સામાજિક અપેક્ષાઓ વચ્ચે સંતુલન જાળવવું પડતું હતું.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો