લખોટી એ ભારતમાં બાળકો દ્વારા વર્ષોથી રમાતી અત્યંત લોકપ્રિય અને પરંપરાગત રમત છે. કાચની નાની, રંગબેરંગી ગોળીઓથી રમાતી આ રમત માત્ર મનોરંજન નથી આપતી, પરંતુ બાળકોમાં એકાગ્રતા, સચોટ નિશાનેબાજીની ક્ષમતા વિકસાવે છે.
પ્રાચીન સિંધુ ઘાટી સભ્યતા દરમિયાન માટી, પથ્થર અને શંખમાંથી બનાવેલી નાની ગોળીઓ મળી આવી હતી, જે દર્શાવે છે કે આ રમત પાંચ હજાર વર્ષથી પણ વધુ જૂની છે. પ્રાચીન રોમ અને મિસરમાં પણ બાળકો પથ્થર કે અખરોટથી આવી રમતો રમતા હતા. 19મી સદીમાં જર્મનીમાં કાચની લખોટીઓ બનાવવાની ટેક્નોલોજી વિકસી, ત્યારબાદ સમગ્ર વિશ્વમાં રંગબેરંગી કાચની લખોટીઓ પ્રચલિત થઈ.
લખોટી અલગ-અલગ રીતે રમાતી રમત છે. સૌપ્રથમ જમીન પર એક નાનું કૂંડાળું બનાવવામાં આવે છે અને તેમાં બધા ખેલાડીઓ નક્કી કરેલી લખોટીઓ મૂકે છે. દરેક ખેલાડી પાસે નિશાનો સાધવા માટે થોડી મોટી લખોટી હોય છે, જેને `એક્કા' કે `સ્ટ્રાઈકર' કહે છે. કૂંડાળાથી થોડે દૂર એક રેખા દોરવામાં આવે છે. રેખા પરથી કૂંડાળા તરફ પોતાની લખોટી ફેંકીને જેની લખોટી કૂંડાળાની સૌથી નજીક પડે, તે ખેલાડીને પહેલો દાવ મળે છે. ખેલાડીએ કૂંડાળાની બહાર ઊભા રહીને આંગળીની મદદથી કૂંડાળામાં રહેલી લખોટી પર સચોટ નિશાન તાકવાનું હોય છે. જો નિશાન સાચું પડે અને કૂંડાળામાંથી લખોટી બહાર નીકળી જાય, તો તે લખોટી નિશાન મારનાર ખેલાડીની થઈ જાય છે. જો નિશાન ચૂકી જવાય, તો બીજા ખેલાડીનો દાવ આવે છે. જે ખેલાડી પાસે સૌથી વધુ લખોટીઓ ભેગી થાય, તે વિજેતા બને છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો