ભારતના તેલંગણા રાજ્યના હૈદરાબાદ શહેરથી લગભગ અગિયાર કિલોમીટર દૂર ગોલકોંડા કિલ્લો આવેલો છે. આ કિલ્લાને ભારતનો સૌથી ભવ્ય અને સુરક્ષિત કિલ્લાઓમાંથી એક માનવામાં આવે છે. ગ્રેનાઈટની એક ટેકરી પર આશરે 480 ફૂટની ઊંચાઈ પર આ કિલ્લો બનાવવામાં આવ્યો છે. આ કિલ્લો પોતાના સમૃદ્ધ ઇતિહાસ, અજોડ એન્જિનિયરિંગ, ધ્વનિશાસ્ત્ર અને વિશ્વપ્રસિદ્ધ હીરા માટે વૈશ્વિક સ્તરે જાણીતો છે.  

ગોલકોંડાના ઇતિહાસની શરૂઆત 13મી સદીમાં થઇ હતી. `ગોલકોંડા' શબ્દ તેલુગુ ભાષાના `ગોલ્લા કૌંડા' પરથી આવ્યો છે, જેનો અર્થ `ભરવાડની ટેકરી' એવો થાય છે. એવું માનવામાં આવે છે કે એક ભરવાડ બાળકને આ ટેકરી પર ભગવાનની મૂર્તિ મળી હતી, જેના પછી કાકતીય વંશના રાજાએ અહીં કાચા માટીના કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું. 13મી સદીમાં કાકતીય શાસકો દ્વારા બનાવાયેલા આ કિલ્લા ઉપર પછીથી બહમની સુલતાનોએ કબજો કર્યો હતો.   

1518માં સુલતાન કુલી કુતબ શાહે કુતબ શાહી વંશની સ્થાપના કરી અને ગોલકોંડાને પોતાની રાજધાની બનાવી દીધી. આગામી 62 વર્ષ દરમિયાન કુતબ શાહી શાસકોએ માટીના કિલ્લાને ગ્રેનાઈટના મજબૂત પથ્થરોથી એક અજેય કિલ્લો બનાવડાવી દીધો.  

 1687માં મુઘલ સમ્રાટ ઔરંગઝેબે ગોલકોંડા પર આક્રમણ કર્યું. મુઘલ સેનાએ લગભગ 8 મહિના સુધી કિલ્લાની ઘેરાબંધી કરી રાખી હતી, પરંતુ કિલ્લાની મજબૂત દીવાલોને કારણે તેઓ અંદર પ્રવેશવામાં નિષ્ફળ રહ્યા. છેવટે એક ગદ્દાર દ્વારા કિલ્લાનો ગુપ્ત દરવાજો ખોલી દેવાતાં ઔરંગઝેબે ગોલકોંડા પર વિજય મેળવ્યો અને કુતબ શાહી શાસનનો અંત આવ્યો. ગોલકોંડા કિલ્લો માત્ર લશ્કરી સુરક્ષા માટે જ નહીં, પણ તેની સ્થાપત્ય શૈલી અને વિજ્ઞાન માટે પણ ગજબનો છે. આ કિલ્લો 7 કિલોમીટરના ઘેરાવામાં ફેલાયેલો છે અને તેને 8 મજબૂત દરવાજાઓ છે તથા 87 બુરજ છે. આ કિલ્લાનું સ્થાપત્ય અને સ્માર્ટ એન્જિનિયરિંગની કમાલ લોકોને વિચારતા કરી મૂકે એવી છે.   

કિલ્લાની સૌથી મોટી વિશેષતા તેની સાઉન્ડ સિસ્ટમ છે. કિલ્લાનું નિર્માણ એ રીતે કરવામાં આવ્યું છે કે, તેના મુખ્ય પ્રવેશદ્વાર `ફતેહ દરવાજા' જેને વિજય દ્વાર પણ કહેવામાં આવે છે, તેની નીચે ચોક્કસ જગ્યાએ જો જોરથી તાળી પાડવામાં આવે, તો તેનો અવાજ લગભગ એક કિલોમીટર દૂર ટેકરીની ટોચ પર આવેલા `બાલા હિસાર' એટલે કે રાજાના મહેલ સુધી સ્પષ્ટ સંભળાય છે. પ્રાચીન સમયમાં આ પદ્ધતિનો ઉપયોગ દુશ્મનોના આક્રમણ સમયે ચેતવણી આપવા માટે કરવામાં આવતો હતો.  

આ કિલ્લામાં જળ સંચાલન પદ્ધિત અદ્ભુત બનાવવામાં આવી હતી. કિલ્લો ટેકરી પર હોવા છતાં કિલ્લામાં પાણીની કોઈ અછત નહોતી. કુતબ શાહી એન્જિનિયરોએ પર્શિયન વ્હીલ અને ખાસ પાઈપલાઈન નેટવર્ક દ્વારા નીચેથી પાણી ઊંચા મહેલો, બગીચાઓ અને તળાવો સુધી પહોંચાડવાની અદ્ભુત વ્યવસ્થા કરી હતી. ગોલકોંડા કિલ્લાનો પ્રદેશ તેની આસપાસ આવેલી કોલ્લુર હીરાની ખાણો માટે વિશ્વભરમાં પ્રખ્યાત હતો. ગોલકોંડા એ સમયનું વિશ્વનું સૌથી મોટું હીરા વેપાર કેન્દ્ર હતું. વિશ્વના સૌથી કીમતી અને પ્રખ્યાત હીરા ગોલકોંડાની ખાણોમાંથી જ મળ્યા હતા, જેમાં કોહિનૂર, દરિયા એ નૂર, હોપ ડાયમંડ અને નૂર ઉલ એન જેવા કીમતી હીરાનો સમાવેશ થાય છે. આજે ગોલકોંડા કિલ્લો `ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ' દ્વારા સાચવવામાં આવતું એક સંરક્ષિત સ્મારક છે. દર વર્ષે દેશ-વિદેશથી લાખો પ્રવાસીઓ આ કિલ્લાની મુલાકાત લે છે. સાંજના સમયે અહીં યોજાતો `લાઈટ એન્ડ સાઉન્ડ શો'કિલ્લાના ભવ્ય ઇતિહાસને જીવંત કરે છે. ગોલકોંડા કિલ્લો એ ભારતના સ્થાપત્ય કૌશલ્ય, વિજ્ઞાન અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું એક સજીવ ઉદાહરણ છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો