રવિ અભ્યાસને લઇને હંમેશાં ઉત્સાહિત રહેતો હતો. તે ખરા મનથી અભ્યાસ કરતો હતો, પરંતુ જ્યારે પરીક્ષા આવે ત્યારે તે ચિંતાતુર થઇ જતો હતો. તેની ભૂખ અને ઊંઘ ઓછી થઇ જતી હતી. તે મન દઇને પરીક્ષાની તૈયારી કરતો, પરંતુ પરીક્ષાનો ડર હંમેશાં તેના આત્મવિશ્વાસ પર ભારે પડતો હતો. તેને દૂર કરવા શું કરવું જોઇએ એ એને સમજાતું નહોતું.


રવિની મમ્મી આ વાત જાણતી હતી એટલે તેને અવારનવાર સમજાવતી હતી અને કહેતી કે તું વિશ્વાસ કર અને પોતાનું સર્વશ્રેષ્ઠ આપ, પરંતુ અસફળતાનો ડર તેને ડરાવતો હતો. એક દિવસ રવિ તેના રૂમમાં અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે દાદા તેના રૂમમાં આવ્યા. દાદા રવિના સ્વભાવ અને તેની સ્થિતિને સારી રીતે જાણતા હતા. તેમણે રવિ સાથે વાતો કરવાનું શરૂ કર્યું.

વાતવાતમાં દાદાએ રવિને કહ્યું કે, મારા દીકરાને કોઇ હેરાન કરતું હોય એવું મને લાગે છે. આજે આપણે તેને ભગાડી દઇએ. રવિ દાદા સાથે દિલ ખોલીને વાતો કરતાં કરતાં કહેવા લાગ્યો કે, હું ભણવામાં મહેનત કરું છું, પણ પરીક્ષામાં બધું ભૂલી જઉં છું, તેથી પરીક્ષા આવે એટલે મને ડર લાગવા લાગે છે, હવે તો અભ્યાસ કરવાનું પણ મન થતું નથી.

દાદાએ રવિની વાત સાંભળીને કહ્યું, પરીક્ષા તમારી સમજને માપવાની રીત માત્ર છે. એ તમારી બુદ્ધિનું મૂલ્યાંકન નથી કરતી, પરંતુ અભ્યાસમાંથી તમે શું શીખ્યા એ માટે છે. તમે અત્યાર સુધી જે શીખ્યા છો એ પરીક્ષામાં વ્યક્ત કરવાનું છે. બસ, એમાં ડરવાની કોઇ જરૂર નથી. દાદાની વાતો રવિના મગજમાં ઊતરી ગઇ. તે પરીક્ષાને જ્ઞાનને પ્રદર્શિત કરવાની તકના રૂપમાં જોવા લાગ્યો. દાદાએ તેને ઊંડા શ્વાસ લેવાનું અને સકારાત્મક કઇ રીતે રહી શકાય એ શીખવ્યું. બીજુ પુસ્તકોને ગોખવાને બદલે સમજીને તેનો અભ્યાસ કરવામાં આવે તો તે ક્યારેય ભૂલાતો નથી.

જેમ જેમ પરીક્ષા નજીક આવી રહી હતી, રવિએ ડરનો સામનો કર્યો. તેણે પોતાની ક્ષમતા અને અભ્યાસમાં કરેલ મહેનતને યાદ કરી. જેમ જેમ સમય પસાર થતો ગયો એનો આત્મવિશ્વાસ મજબૂત બનતો ગયો અને ડર ઓછો થતો ગયો. છેવટે પરીક્ષાનો દિવસ આવી ગયો. રવિ જરા પણ ગભરાયા વગર શાંત અને એકાગ્ર મનથી પરીક્ષાખંડમાં જતો રહ્યો. તેણે દરેક પશ્નનો આત્મવિશ્વાસ સાથે જવાબ લખ્યો. આ વખતે તેને દર વખતની જેમ ભૂલવાની સમસ્યા થતી હતી એ ન થઇ, તે સારી રીતે પેપર લખી શક્યો.

રવિએ ડરને પોતાની ઉપર હાવી ન થવા દીધો. થોડા દિવસ પછી પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું. પોતાનું રિઝલ્ટ જોઇને રવિને સુખદ આશ્ચર્ય થયું. અત્યાર સુધીમાં પહેલી વખત તેનું રિઝલ્ટ સૌથી સારું આવ્યું હતું. તેની મહેનત અને દૃઢ સંકલ્પ રંગ લાવ્યો અને તેણે પરીક્ષાના ડર પર વિજય પ્રાપ્ત કર્યો હતો. રવિની ખુશીનો કોઇ પાર નહોતો. તે દાદાને આવીને વળગી પડ્યો. દાદાએ રવિને સમજાવ્યું કે પોતાની જાત પરના વિશ્વાસથી ડર પર કાબૂ મેળવવો શક્ય છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: