દક્ષિણ ભારતમાં કર્ણાટકમાં તુંગભદ્રા નદીના કિનારે આવેલું હમ્પીમાત્ર પ્રાચીન પથ્થરો અને અવશેષોનું નગર નથી, પરંતુ તે ભારતના મધ્યકાલીન ઇતિહાસની સૌથી વિરાટ, સમૃદ્ધ અને સુંદર સંસ્કૃતિનું પ્રતીક છે. આશરે 26 ચોરસ કિલોમીટરથી પણ વધુ વિસ્તારમાં ફેલાયેલું આ ક્ષેત્ર યુનેસ્કો દ્વારા `વિશ્વ વિરાસત સ્થળ' તરીકે જાહેર કરવામાં આવ્યું છે. હમ્પીનો સુવર્ણ ઇતિહાસ વિજયનગર સામ્રાજ્ય 14મીથી 16મી સદી સાથે જોડાયેલો છે. ઈ.સ. 1336માં સંગમ વંશના બે ભાઈઓ હરિહર (પ્રથમ) અને બુક્કા રાય દ્વારા આ સામ્રાજ્યનો પાયો નંખાયો હતો. તેઓએ પોતાના ગુરુ વિદ્યારણ્ય સ્વામીની પ્રેરણાથી આ સ્થળને પસંદ કર્યું અને તેને `વિજયનગર' એટલે કે વિજયનું શહેર એવું નામ આપવામાં આવ્યું.  

સમ્રાટ કૃષ્ણદેવરાયના શાસનકાળમાં હમ્પીએ વિશ્વ સ્તરે ખ્યાતિ મેળવી. આ સમયે હમ્પી માત્ર દક્ષિણ ભારતનું જ નહીં, પરંતુ રોમ પછી વિશ્વનું બીજું સૌથી મોટું અને ધનિક શહેર માનવામાં આવતું હતું. ફારસી યાત્રી અબ્દુર રઝાક અને પોર્ટુગીઝ મુસાફર ડોમિંગો પેઇસે પોતાના પ્રવાસવર્ણનમાં લખ્યું છે કે, `હમ્પીના વિશાળ બજારોમાં હીરા, માણેક, મોતી અને સોના-ચાંદીના ઘરેણાં ખુલ્લા શેરી-બજારોમાં વજન કરીને વેચાતા હતા.' અરબ દેશોમાંથી ઘોડાઓ અને વેનિસથી રેશમની આયાત અહીં થતી હતી.  

1565માં દક્ષિણના પાંચ મુસ્લિમ સુલતાનો બીજાપુર, ગોલકોંડા, અહમદનગર, બિદર અને બેરારના સંયુક્ત સૈન્યએ વિજયનગર પર આક્રમણ કર્યું. `તાલીકોટાના યુદ્ધ'માં સેનાપતિ રામરાયનો પરાજય થયો. તે પછી આક્રમણખોરોએ આ ભવ્ય નગરને સતત 6 મહિના સુધી સળગાવ્યું, લૂંટ્યું અને મંદિરો તથા સ્થાપત્યોનો વિનાશ કર્યો. ઇતિહાસ સિવાય હમ્પીનો સંબંધ હિન્દુ પૌરાણિક મહાકાવ્ય રામાયણ સાથે છે. `હમ્પી' નામ તુંગભદ્રા નદીના પ્રાચીન નામ `પંપા' બ્રહ્માજીની પુત્રી પરથી અપભ્રંશ થઈને બન્યું છે. અહીં ભગવાન શિવે પંપા દેવી સાથે લગ્ન કર્યાં હતાં, તેથી તેઓ `વિરુપાક્ષ' તરીકે પૂજાય છે. રામાયણમાં વર્ણવાયેલું કિષ્કિંધા રાજ્ય આ જ હમ્પીનો વિસ્તાર છે. અહીં બાલી અને સુગ્રીવનું શાસન હતું. તુંગભદ્રા નદીની સામે પાર આવેલો અંજનાદ્રિ પર્વત ભગવાન હનુમાનજીનું જન્મસ્થળ માનવામાં આવે છે.  

સીતાજીની શોધ દરમિયાન શ્રીરામ અને લક્ષ્મણ અહીં આવ્યા હતા. ચોમાસા દરમિયાન તેમણે માલ્યવંત પર્વત પર નિવાસ કર્યો હતો અને સુગ્રીવ ગુફામાં જ શ્રીરામ અને સુગ્રીવની મિત્રતા થઈ હતી. હમ્પીની સ્થાપના દ્રવિડ શૈલી, ઈન્ડો-ઈસ્લામિક શૈલી અને સ્થાનિક પહાડી કોતરણીનું એક અનોખું મિશ્રણ છે. સ્થાપત્યના શ્રેષ્ઠ નમૂની વાત કરીએ તો અહીં પથ્થરમાંથી બનાવેલો વિશાળ રથ છે. વિઠ્ઠલ મંદિરમાં 56 નક્કર પથ્થરના થાંભલા છે. આ પથ્થરો પર આંગળી કે લાકડીથી ટકોરો મારતાં સાત સ્વરોનો અવાજ નીકળે છે. અંગ્રેજોએ આ પાછળનું રહસ્ય જાણવા બે થાંભલા કાપી જોયા હતા, પણ અંદરથી તે માત્ર નક્કર પથ્થર જ નીકળ્યા.  

50 મીટર ઊંચું ગોપુરમ ધરાવતું વિરુપાક્ષ મંદિર હજુ પણ સક્રિય છે. મંદિરની અંદર એક નાનું છિદ્ર છે, જેમાંથી અંદરના રૂમની દીવાલ પર મુખ્ય ગોપુરમની ઊંધી છબી પડે છે, જે પ્રાચીન ઓપ્ટિકલ એન્જિનિયરિંગ દર્શાવે છે.  

લોટસ મહાલ અને હાથીખાના કમળના આકાર જેવી આ નીચલી કેબિન અને 11 હાથીઓ માટેના ભવ્ય ગુંબજોવાળા સ્ટેબલ્સ ઈન્ડો-ઈસ્લામિક આર્કિટેક્ચરનું ઉદાહરણ છે. તે સમયે કમળ મહાલમાં પથ્થરની પાઇપો દ્વારા પાણી વહાવીને કુદરતી `એર કન્ડિશનિંગ' સિસ્ટમ બનાવવામાં આવી હતી. 6.7 મીટર ઊંચી એક જ પથ્થરમાંથી કોતરેલી ભયાનક છતાં દિવ્ય નરસિંહ ભગવાનની મૂર્તિ, જેના માથા પર શેષનાગની છત્રછાયા છે. 


આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો