આપણે અત્યાર સુધી આકાશમાંથી પાણી અને સ્નો એટલે કે બરફનો વરસાદ જ જોયો છે. ચોમાસુ આવે અને ધરતી આકાશના વરસાદ માટે જાણે કે રાહ જોઇને બેઠી હોય એવું આપણને લાગે, કેમ કે એ પહેલાં એટલી ગરમી પડી હોય કે ધરતી ઉપર વસતી જીવસૃષ્ટિ વરસાદની મીટ માંડીને બેઠી હોય છે. આપણા માટે વરસાદ એ ખૂબ કોમન વસ્તુ છે, કેમ કે એને આપણે જોયો છે. પરંતુ આપણા સૂર્યમંડળના શનિ, નેપ્ચ્યૂન અને યુરેનસ જેવા ગ્રહો પર પૃથ્વી કરતાં સાવ જુદું, અનોખું અને અદ્ભુત દૃશ્ય જોવા મળે છે. વિજ્ઞાનીઓના ઊંડા સંશોધન અને સ્પેસ ટેલિસ્કોપથી મળેલી માહિતી મુજબ આ ગ્રહો પર પાણીનાં ટીપાં નહીં, પણ ઝગમગતાં અને કીમતી હીરાનો વરસાદ થાય છે.  

આ ગ્રહો આપણી પૃથ્વી જેવા માટી, પથ્થર કે ઘન જમીનના બનેલા નથી, પરંતુ તેઓ ગેસ અને બરફના બનેલા વિશાળ ગોળા છે. તેમના વાતાવરણમાં મિથેન નામનો વાયુ ખૂબ મોટા પ્રમાણમાં હાજર હોય છે. મિથેન વાયુની અંદર કાર્બન રહેલો હોય છે, જે હીરા બનવા માટેનો મુખ્ય ઘટક ગણાય છે. જ્યારે આ ગ્રહોના આકાશમાં ભયાનક અને જોરદાર વીજળી કડકે છે, ત્યારે તેના પ્રચંડ તાપમાનના કારણે મિથેન વાયુ તૂટી જાય છે અને તેમાંથી કાર્બન સાવ અલગ પડી જાય છે.  

આ રીતે અલગ પડેલા કાર્બનના કણો વાતાવરણમાં ધીમે ધીમે નીચે તરફ સરકવા લાગે છે. જેમ જેમ આ કણો નીચે તરફ જાય છે, તેમ તેમ ગ્રહનું વાતાવરણ અતિશય ઘટ્ટ થતું જાય છે અને ત્યાંનું દબાણ તથા ગરમી પૃથ્વી કરતાં લાખો ગણી વધી જાય છે. અતિશય દબાણ અને પ્રચંડ ગરમીના મિશ્રણને કારણે આ કાર્બન પહેલાં ગ્રેફાઇટ એટલે કે આપણી પેન્સિલની અણી જેવા પોચા પદાર્થમાં ફેરવાય છે અને ત્યારબાદ વધારે ઊંડાણમાં જઈ અતિશય દબાણ મળતાં તે સખત અને ચમકતા હીરાનું રૂપ ધારણ કરી લે છે. વાતાવરણમાં વજન વધી જવાથી આ હીરા ગુરુત્વાકર્ષણને લીધે વરસાદનાં ટીપાંની જેમ નીચે પડે છે. નેપ્ચ્યૂન અને યુરેનસ જેવા બર્ફીલા ગ્રહો પર આ રીતે પડેલા હીરા ગ્રહના ઊંડા મધ્ય ભાગમાં જમા થાય છે. વિજ્ઞાનીઓ તો એવું પણ માને છે કે ત્યાં હીરાના આખા મહાસાગરો કે પ્રવાહી તળાવો રચાયેલાં હોઈ શકે છે. જ્યારે શનિ પર પડતા હીરા વાતાવરણના અતિશય ગરમ તળિયે પહોંચીને પીગળી જાય છે. આ ગ્રહો પૃથ્વીથી અબજો કિલોમીટર દૂર આવેલા છે અને ત્યાંનું વાતાવરણ અતિશય ઠંડું, ઝેરી તથા ભયાનક દબાણવાળું હોવાથી ત્યાં જઈને હીરા લાવવા શક્ય નથી, પરંતુ વિજ્ઞાનીઓએ પૃથ્વી પરની લેબોરેટરીમાં આવું વાતાવરણ ઊભું કરીને કૃત્રિમ રીતે હીરા બનાવી આ વૈજ્ઞાનિક વાત સાબિત કરી બતાવી છે.  

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો