દૂધ પીવાથી તાકાત મળે, શાક-રોટલી ખાવાથી શક્તિ આવે વગેરે જેવાં વાક્યો મમ્મી બાળકોને કહેતી હોય એવું સાંભળવા મળે છે. તો ઘણી વખત મનમાં સવાલ થાય કે આપણા શરીરમાં ખોરાકનું પાચન કેવી રીતે થતું હશે? અને આપણને શક્તિ કેવી રીતે મળતી હશે?
આપણે રોજ જે ખોરાક લઈએ છીએ, તે સીધો જ આપણા શરીરને શક્તિ આપતો નથી. આ રાસાયણિક પ્રક્રિયામાંથી પસાર થાય છે, જેને `પાચન પ્રક્રિયા' કહેવામાં આવે છે. આપણા શરીરમાં ખોરાક પચીને તેમાંથી શક્તિ કેવી રીતે મળે છે જાણીએ.
મોંથી પાચનની શરૂઆત
પાચનની શરૂઆત મોંથી થાય છે. જ્યારે આપણે ખોરાક મોંમાં મૂકીએ છીએ, ત્યારે દાંત તેને નાના ટુકડાઓમાં કાપે છે અને ચાવે છે. મોંમાં રહેલી લાળગ્રંથિઓમાંથી `લાળ' ઝરે છે, જે ખોરાકને પોચો બનાવે છે. લાળમાં રહેલાં તત્ત્વો ખોરાકમાં રહેલા સ્ટાર્ચનું સરળ શર્કરામાં રૂપાંતર કરવાની શરૂઆત કરે છે.
ચાવેલો ખોરાક અન્નનળી દ્વારા પેટમાં પહોંચે છે. પેટ એક સ્નાયુબદ્ધ કોથળી જેવું છે, જ્યાં ખોરાક લગભગ 2 થી 4 કલાક રહે છે. પેટમાં હાઇડ્રોક્લોરિક એસિડ અને પાચકરસો ઉત્પન્ન થાય છે. આ એસિડ ખોરાકમાં રહેલા હાનિકારક બેક્ટેરિયાનો નાશ કરે છે અને પ્રોટીનનું પાચન કરવામાં મદદ કરે છે. પેટ ખોરાકને વલોવીને એક ઘટ્ટ પ્રવાહી જેવું બનાવી દે છે. પેટમાંથી ખોરાક નાના આંતરડામાં પ્રવેશ કરે છે. પાચનનો સૌથી મહત્ત્વનો ભાગ અહીં થાય છે.
લીવર(યકૃત)માંથી આવતો પિત્તરસ ચરબીનું પાચન કરે છે અને સ્વાદુપિંડમાંથી આવતો સ્વાદુરસ કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીનને તોડે છે. નાના આંતરડાની દીવાલોમાં હજારો નાની રક્તવાહિનીઓ હોય છે. ખોરાક પૂરેપૂરો પચી ગયા પછી તેમાંથી મળતા ગ્લુકોઝ, એસિડ્સ, વિટામિન્સ અને મિનરલ્સ રક્તવાહિનીઓ દ્વારા લોહીમાં ભળી જાય છે. અપાચિત ખોરાક મોટા આંતરડામાં જાય છે, જ્યાં શરીર તેમાંથી વધારાનું પાણી અને ક્ષાર શોષી લે છે. બાકી રહેલો નકામો કચરો મળદ્વાર દ્વારા શરીરની બહાર નીકળી જાય છે.
શરીરને શક્તિ કેવી રીતે મળે છે?
નાના આંતરડામાંથી શોષાયેલ ગ્લુકોઝ લોહી દ્વારા શરીરના અબજો કોષો સુધી પહોંચે છે. આપણે શ્વાસ દ્વારા જે ઓક્સિજન લઈએ છીએ, તે લોહી મારફતે કોષોમાં પહોંચે છે. કોષોની અંદર `માઇટોકોન્ડ્રિયા' નામના ભાગમાં ગ્લુકોઝ અને ઓક્સિજન વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે. આ પ્રક્રિયાને `કોષીય શ્વસન'કહેવાય છે. આ પ્રક્રિયા દરમિયાન ગ્લુકોઝ તૂટે છે અને ATP (Adenosine Triphosphate) નામના અણુના સ્વરૂપમાં શક્તિ મુક્ત થાય છે. આ શક્તિનો ઉપયોગ આપણું હૃદય ધબકવામાં, મગજને કામ કરવામાં, સ્નાયુઓને હલનચલન કરવામાં અને આપણને દિવસભર તાજગીપૂર્ણ રાખવામાં થાય છે. આમ, શરીર આપણને જીવંત રાખે છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો