ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં એવા ઘણા ખેલાડીઓ થયા છે, જેમણે પોતાના શાનદાર પ્રદર્શનથી મેચો જિતાડી છે, પરંતુ ભાગવત સુબ્રમણ્ય ચંદ્રશેખર એક એવા ખેલાડી હતા, જેમની સફર માત્ર ક્રિકેટના મેદાન પૂરતી મર્યાદિત નથી, પણ હિંમત અને અદ્ભુત વિજયની અજોડ ગાથા છે.   

17 મે, 1945ના રોજ કર્ણાટકમાં જન્મેલા ચંદ્રશેખર માટે જીવનની શરૂઆત ખૂબ જ મુશ્કેલ રહી હતી. માત્ર 6 વર્ષની ઉંમરે તેઓ પોલિયોનો ભોગ બન્યા હતા, જેના કારણે તેમનો જમણો હાથ ખૂબ જ નબળો અને પાતળો થઈ ગયો હતો. સામાન્ય રીતે કોઈ પણ બાળક આવી સ્થિતિમાં રમતગમતની દુનિયાથી દૂર થઈ જાય, પરંતુ ચંદ્રશેખરે હિંમત ન હારી. તેમણે પોતાના આ નબળા હાથને જ પોતાની સૌથી મોટી તાકાત બનાવી દીધી. તેઓ ટેનિસ બોલથી ક્રિકેટ રમતાં-રમતાં મોટા થયા અને વર્ષ 1963માં બેંગલોર આવ્યા બાદ તેમણે લેધર બોલથી પ્રોફેશનલ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું.   

ચંદ્રશેખર પરંપરાગત લેગ-સ્પિનરો જેવા નહોતા, જેઓ બોલને ધીમેથી હવામાં ફ્લાઇટ આપતા હતા. તેઓ મધ્યમ ગતિના બોલર હતા અને જમણા હાથે ખૂબ જ ઝડપથી લેગ-સ્પિન, ગુગલી અને ટોપ-સ્પિન ફેંકતા હતા. પોલિયોના કારણે તેમનો જમણો હાથ લચીલો બની ગયો હતો. આ શારીરિક સ્થિતિનો ઉપયોગ કરીને તેઓ બોલ રિલીઝ કરતી વખતે કાંડાનો એવો ઝાટકો આપતા કે બોલ પિચ પર પડ્યા પછી અણધારી ગતિ અને ઉછાળો મેળવતો. દુનિયાના મહાન બેટ્સમેનો પણ સમજી શકતા નહોતા કે બોલ કઈ તરફ ટર્ન થશે. તે સમયે વિવિયન રિચાર્ડ્સ જેવા દિગ્ગજ વેસ્ટ ઇન્ડિયન બેટ્સમેને પણ સ્વીકાર્યું હતું કે ચંદ્રશેખરને રમવા સૌથી અઘરા હતા.   

ચંદ્રશેખર ભારતની વિદેશી ધરતી પરની ઐતિહાસિક જીતના અસલી હીરો હતા. તેમણે ભારત વતી 58 ટેસ્ટ મેચમાં 242 વિકેટો ઝડપી હતી. સૌથી આશ્ચર્યની વાત એ છે કે ભારત જ્યારે પણ વિદેશમાં જીતતું, ચંદ્રશેખરનું પ્રદર્શન તેમાં સર્વોપરી રહેતું.   

1971માં ઇંગ્લેન્ડ સામે જીત એ ભારતીય ક્રિકેટના ઇતિહાસની સૌથી સુવર્ણ ક્ષણ હતી. ચંદ્રશેખરે લંડનના ઓવલ મેદાન પર માત્ર 38 રન આપીને 6 વિકેટ ઝડપી અને ઇંગ્લેન્ડની આખી ટીમને માત્ર 101 રનમાં ઓલઆઉટ કરી દીધી. આ પ્રદર્શનના આધારે ભારતે ઇંગ્લેન્ડમાં તેની પ્રથમ ટેસ્ટ સીરિઝ જીતી હતી. 1977-78 ઓસ્ટ્રેલિયામાં મેલબોર્ન ટેસ્ટમાં ચંદ્રશેખરે બંને ઇનિંગ્સમાં 52-52 રન આપીને 6-6 વિકેટ ઝડપી ઓસ્ટ્રેલિયાને પરાજય આપ્યો હતો.   

ચંદ્રશેખરની ટેસ્ટ કરિયરનો એક ખૂબ જ અનોખો રેકોર્ડ છે, જે ક્રિકેટ જગતમાં વિરલ છે. તેમણે પોતાના ટેસ્ટ જીવનમાં બનાવેલા કુલ રન કરતાં લીધેલી વિકેટોની સંખ્યા ઘણી વધારે છે. આ દર્શાવે છે કે તેઓ ભલે બેટિંગમાં નબળા હતા, પરંતુ બોલિંગમાં તેમનું કદ હિમાલય જેવડું હતું. ગુગલી અને ફાસ્ટ લેગ-સ્પિનના આ જાદુગરને ભારત સરકાર દ્વારા `પદ્મશ્રી' અને `અર્જુન એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવ્યા હતા.


આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો