આજે ઇન્ટરનેટનો ઉપયોગ આપણી દિનચર્યાનો ભાગ બની ગયો છે. સોશિયલ મીડિયા પર સ્ક્રોલ કરવું હોય, ઓનલાઇન વીડિયો જોવા હોય કે વોટ્સએપ પર મેસેજ મોકલવો હોય ત્યારે આપણે ઇન્ટરનેટનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ આ ઇન્ટરનેટ આપણા ફોન સુધી કેવી રીતે પહોંચે છે? વાયરલેસ ઇન્ટરનેટ કેવી રીતે કાર્ય કરતું હશે એવો સવાલ આપણને ક્યારેક થાય. ઇન્ટરનેટ ખરેખર વાયરલેસ હોય છે? ઇન્ટરનેટની આ સમગ્ર પ્રક્રિયા પાછળ પદાર્થ વિજ્ઞાન અને એન્જિનિયરિંગનો અદ્ભુત સમન્વય રહેલો છે. એ કઇ રીતે કામ કરે છે એ જાણીએ.  

દરિયાની અંદર બિછાવેલ કેબલ્સ

આશરે 99 ટકા ઇન્ટરનેટ હવામાં નહીં, પરંતુ ફિઝિકલ કેબલ્સ દ્વારા ટ્રાવેલ કરે છે. આ હાઇસ્પીડ ઓપ્ટિકલ ફાઇબર કેબલ્સ હોય છે, જે જમીનની નીચે અને દરિયાના પેટાળમાં બિછાવવામાં આવે છે. આ કેબલ્સ ડેટાને લાઇટ સિગ્નલ સ્વરૂપે લગભગ લાઇટની સ્પીડથી લઇ જાય છે. જ્યારે તમે બીજા દેશમાં હોસ્ટ કરેલી કોઇ વેબસાઇટ ખોલો છો ત્યારે તમારો ડેટા દરિયાના તળિયે બિછાવવામાં આવેલ સબમરીન ફાઇબર ઓપ્ટિકલ કેબલ્સ દ્વારા ટ્રાવેલ કરે છે. આ કેબલ્સની મદદથી જ વીડિયો, ઇ-મેલ અને ક્લાઉડ સેવાઓની સાથે સાથે ઇન્ટરનેશનલ ડેટા ટ્રાન્સફર થાય છે.   

વાઇ-ફાઇની કામગીરી

આમ જોવા જઇએ તો વાઇ-ફાઇ સંપૂર્ણપણે વાયરલેસ નથી. તમારા ઘરમાં રાઉટર સુધી ઇન્ટરનેટ ફિઝિકલ બ્રોડબેન્ડ અથવા ફાઇબર કેબલ દ્વારા પહોંચે છે. રાઉટર તે સિગ્નલને રેડિયો તરંગોમાં બદલે છે, જેથી ફોન અને લેપટોપ ઘર કે રૂમ જેવા મર્યાદિત વિસ્તારમાં વાયરલેસ રીતે કનેક્ટ થઇ શકે છે. વાયરલેસ ઇન્ટરનેટ મુખ્યત્વે રેડિયો વેવ્ઝના સિદ્ધાંત પર કામ કરે છે. જેમ આપણે રેડિયો પર ગીતો સાંભળીએ છીએ કે ટીવીમાં સિગ્નલ મેળવીએ છીએ, તેવી રીતે વાયરલેસ ઇન્ટરનેટમાં પણ ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગોનો ઉપયોગ થાય છે. આ તરંગો હવામાં અદૃશ્ય રીતે ચોક્કસ ફ્રીક્વન્સી પર પ્રસારિત 

થાય છે.   

મોબાઇલ ટાવરની ભૂમિકા

એકવાર ડેટા ફાઇબર કેબલ્સ દ્વારા તમારા દેશ અને શહેર સુધી પહોંચી જાય છે તો તેને સૌથી નજીકના મોબાઇલ ટાવર પર રૂટ કરવામાં આવે છે. મોડર્ન ટાવર્સ સીધા ફાઇબર નેટવર્ક સાથે જોડાયેલા હોય છે. જેનાથી ડેટા વાયરલેસ થતાં પહેલાં ઓછામાં ઓછા વિલંબ સાથે હાઇ સ્પીડમાં ડિલીવરી શક્ય બને છે.   

અસલી વાયરલેસ ઇન્ટરનેટ માત્ર મોબાઇલ ટાવર અને તમારા ફોન વચ્ચે જ હોય છે. ટાવર ડેટાને રેડિયો તરંગોમાં બદલી નાખે છે. એ પછી ફોન તે તરંગોને રિસીવ કરે છે અને તેને ફરીથી ટેક્સ્ટ, ઇમેજ કે વીડિયોમાં ડીકોડ કરે છે.   

સ્પીડ અને ટેક્નોલોજી

ઇન્ટરનેટ સ્પીડ કયા ફ્રીક્વન્સી બેન્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેના પર નિર્ભર કરે છે. 4G અને 5G અરે હવે તો 6G જેવી ટેક્નોલોજી અલગ અલગ ફ્રીક્વન્સીનો ઉપયોગ કરે છે. જેટલી વધારે ફ્રીકવન્સી એટલો વધારે ડેટા અને તેટલી જ ઝડપી સ્પીડ આપે છે. 

ટૂંકમાં, ઇન્ટરનેટ સંપૂર્ણપણે વાયરલેસ નથી હોતું. એ ઉપકરણથી રાઉટર કે ટાવર સુધી જ વાયર વગરનું હોય છે.   

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો