જિમી જ્યોર્જ ભારતના રમતગમત ઇતિહાસના સૌથી મહાન અને પ્રભાવશાળી વોલીબોલ ખેલાડીઓમાંના એક માનવામાં આવે છે. તેમને ભારતીય વોલીબોલના પિતામહ કે ગોડ ઓફ ઇન્ડિયન વોલીબોલ તરીકે પણ ઓળખવામાં આવે છે. 1970 અને 1980ના દાયકામાં જ્યારે વોલીબોલ ક્ષેત્રે એશિયન અને યુરોપિયન દેશોનો દબદબો હતો, ત્યારે જિમી જ્યોર્જે વિસ્ફોટક રમતથી વૈશ્વિક મંચ પર પોતાની આગવી ઓળખ ઊભી કરી હતી.
જિમી જ્યોર્જનો જન્મ 8 માર્ચ, 1955ના રોજ કેરળના કન્નુર જિલ્લાના પિરાવુર નામના નાના ગામમાં થયો હતો. તેમનો પરિવાર રમતપ્રેમી હતો. તેમના પિતા જોર્જ જોસેફ પોતે વોલીબોલ ખેલાડી હતા અને તેમણે જ જિમી તથા તેમના ભાઇઓને પ્રાથમિક તાલીમ આપી હતી. આ પરિવારની ખાસિયત એ હતી કે જિમી તથા તેમના સાત ભાઇઓ પણ યુનિવર્સિટી તથા રાષ્ટ્રીય સ્તરે વોલીબોલ રમ્યા હતા.
જિમી બાળપણથી જ અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હતા. તેમણે સેન્ટ જોસેફ હાઈસ્કૂલ, દેવગીરીથી શાળાકીય શિક્ષણ પૂરું કર્યું અને ત્યારબાદ તિરુવનંતપુરમની સરકારી મેડિકલ કૉલેજમાં તબીબી અભ્યાસ માટે પ્રવેશ મેળવ્યો હતો, પરંતુ વોલીબોલ પ્રત્યેના તેમના જુસ્સાને કારણે તેમણે 1976માં મેડિકલ અભ્યાસ છોડી દીધો અને કેરળ પોલીસ ફોર્સમાં જોડાવાનો નિર્ણય લીધો, જેથી રમત પર પૂર્ણ ધ્યાન આપી શકે.
જિમી જ્યોર્જ ભારત તરફથી વિદેશી ક્લબ માટે પ્રોફેશનલ વોલીબોલ રમનારા સૌપ્રથમ ભારતીય ખેલાડી હતા. 1979માં તેમણે અબુ ધાબી સ્પોર્ટ્સ ક્લબ માટે રમીને આંતરરાષ્ટ્રીય પ્રોફેશનલ કારકિર્દીની શરૂઆત કરી. ત્યારબાદ તેમની અદ્ભુત ક્ષમતા જોઈને વિશ્વની સૌથી સ્પર્ધાત્મક ગણાતી ઇટાલીની વોલીબોલ લીગે તેમને સાઇન કર્યા. ઇટાલીમાં તેમણે `કોલેટો ટ્રેવિસો' અને `પાલવોલો ગાબેકા' જેવી મોટી ક્લબ તરફથી રમીને યુરોપિયન ચાહકોનાં દિલ જીતી લીધાં હતાં.
ભારતીય રાષ્ટ્રીય ટીમ માટે રમતા જિમી જ્યોર્જે દેશને ઘણી ઐતિહાસિક ક્ષણો આપી, જેમા 1986 એશિયન ગેમ્સમાં તેમણે ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરીને ટીમને કાંસ્યપદક અપાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. માત્ર 21 વર્ષની નાની વયે 1976માં તેમને ભારત સરકાર દ્વારા `અર્જુન એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવ્યા હતા. એ સમયે આ એવોર્ડ મેળવનારા સૌથી નાની વયના વોલીબોલ ખેલાડી બન્યા હતા. જિમી જ્યોર્જ જ્યારે તેઓ જમ્પ લગાવતા ત્યારે એવું લાગતું કે તેઓ હવામાં એક સેકન્ડ વધારે રોકાઈ શકે છે. આ જમ્પિંગ પાવર અને ઊંચાઈને કારણે તેઓ વિસ્ફોટક સ્મેશ મારવામાં સફળ રહેતા હતા. વિશ્વના શ્રેષ્ઠ એટેકર્સમાં તેમની ગણના થતી હતી. કમનસીબે 30 નવેમ્બર, 1987ના રોજ માત્ર 32 વર્ષની વયે ઇટાલીમાં એક માર્ગ અકસ્માતમાં આ મહાન ખેલાડીનું અકાળે અવસાન થયું. આ ઘટનાથી સમગ્ર વિશ્વનો અને ખાસ કરીને ભારતીય રમતગમત જગતનો એક મોટો તારો અસ્ત થઈ ગયો. તેમની યાદમાં કેરળ સરકાર દ્વારા તિરુવનંતપુરમમાં `જિમી જ્યોર્જ ઇન્ડોર સ્ટેડિયમ' બનાવવામાં આવ્યું છે. એટલું જ નહીં, ઇટાલીના મોન્ટિચિયારી શહેરના સ્પોર્ટ્સ હોલનું નામ પણ જિમી જ્યોર્જના સન્માનમાં રાખવામાં આવ્યું છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો