બાળકો, જ્યારે તમે કે તમારો મિત્ર કોઈ કોયડો ઉકેલો છો, ત્યારે તમે પોતાના મગજનો મહત્તમ ઉપયોગ કરો છો, પરંતુ જ્યારે કોઈ કમ્પ્યૂટર કે રોબોટ પોતાનું મગજ વાપરીને માણસની જેમ વિચારવા લાગે, તમારા પ્રશ્નોના જવાબો આપવા લાગે, ત્યારે તેને `આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ' કહેવામાં આવે છે. બાળકો, તમે અત્યારના સમયમાં વિવિધ પ્રકારના `એઆઈ' મોડલનો ઉપયોગ કરતાં જ હશો અથવા તેનું નામ સાંભળ્યું હશે, જેને `લાર્જ લેંગ્વેજ મોડલ' અથવા ટૂંકમાં `એલએલએમ'ના નામથી ઓળખવામાં આવે છે. આ એલએલએમ મોડેલ એટલા હોશિયાર બની ગયા છે કે તમે જે પૂછો તેનો તેઓ જવાબ આપી શકે છે, પરંતુ આ મોડલો ક્યારેક એકલા કોઈ પણ કાર્ય કરી શકતાં નથી, તેમને કાર્ય કરવા માટે એક માર્ગદર્શક અથવા કનેક્ટરની જરૂર પડે છે અને બાળકો આ કનેક્ટરનું નામ છે `લેંગચેઈન.' તો બાળકો આજે આપણે લેંગચેઈન વિશે જાણીશું.લેંગચેઇન એટલે શું?


બાળકો, જો લેંગચેઈનને સરળ શબ્દોમાં સમજીએ તો, તે એક એક પ્રકારનો ઈ-જાદુઈ પુલ છે, જે `એઆઈ'ના મગજને બહારની દુનિયા સાથે જોડવાનું કાર્ય કરે છે, લેંગચેઈન શબ્દમાં `લેંગ' એટલે લેંગ્વેજ કે ભાષા જેને `એઆઈ' બોલે અને સમજે છે અને `ચેઈન' એટલે સાંકળ જે અલગ-અલગ વસ્તુઓને એકબીજા સાથે જોડે છે. જ્યારે આ બંને શબ્દો ભેગા થાય છે, ત્યારે શબ્દ `લેંગચેઈન' બને છે. વધુમાં તે કમ્પ્યૂટર પ્રોગ્રામર્સ માટેનું એક ખાસ સાધન અથવા ફ્રેમવર્ક છે, જેની મદદથી તેઓ સુપર-સ્માર્ટ પ્રકારની એપ્લિકેશન્સ બનાવી શકે છે, જે માણસની જેમ વિચારી શકે અને ચોક્કસ પ્રકારનાં કાર્યો પૂરાં કરી શકે.

 તેને ઉદાહરણથી સમજીએ. ધારો કે તમારી પાસે એક હોશિયાર રોબોટ છે, જેને દુનિયાભરની રસોઈ બનાવતા આવડે છે, હવે તમે તેને કહો કે, `મારે આઇસક્રીમ ખાવો છે.'

રોબોટ પાસે આઇસ્ક્રીમ બનાવવાનું જ્ઞાન તો છે, પણ તેને એ નથી ખબર કે તમારા ઘરમાં દૂધ કે ખાંડ છે કે નહીં, સાથે તેને એ પણ નથી ખબર કે બહાર કઈ દુકાન ખુલ્લી છે. હવે જો આવા સંજોગોમાં આપણે આ રોબોટના હાથમાં `લેંગચેઈન' નામની જાદુઈ શક્તિ આપી દઈએ, તો રોબોટ સૌથી પહેલાં ઘરમાં ચેક કરશે કે આઇસક્રીમ માટેની જરૂરી સામગ્રી છે કે નહીં, જો ન હોય, તો તે ઇન્ટરનેટ પર નજીકની કરિયાણાની દુકાન શોધશે અને ઓનલાઈન જરૂરી સામગ્રીનો ઓર્ડર કરશે. ત્યારબાદ આઇસક્રીમ બનાવશે. તેને જો આઇસક્રીમ માટેની સામગ્રી નહીં મળે તો તે નજીકમાં આઇસક્રીમ પાર્લરમાં ઓર્ડર કરશે. બાળકો આ છે લેંગચેઈનની તાકાત.

લેંગચેઇન કેમ જરૂરી તેનાં મુખ્ય ત્રણ કારણો છે

1) મોટાભાગના `એઆઈ' મોડલો ભૂતકાળના ડેટા પરથી શીખેલા હોય છે. જો તમે તેમને રિઅલ ટાઈમમાં પૂછો કે, `આજે ક્રિકેટ મેચમાં કોણ જીત્યું?' તો કદાચ તેઓ જવાબ આપી શકશે નહીં, કારણ કે તેમની પાસે એ જ્ઞાન ઉપલબ્ધ હોતું નથી. લેંગચેઈન `એઆઈ'ને લાઈવ ઇન્ટરનેટ અને સર્ચ એન્જિન સાથે જોડી દે છે, જેથી તે રિઅલ ટાઈમના પ્રશ્નોનો જવાબ આપી શકે.

2) સામાન્ય `એઆઈ' ક્યારેક જૂની વાતો ભૂલી જાય છે, ત્યારે લેંગચેઈન `એઆઈ'ને `સુપર મેમરી' આપે છે, જેથી તે અગાઉની બધી વાતો યાદ રાખી શકે.

3) `એઆઈ' ભાષા લખવામાં ખૂબ પાકું હોય છે, પણ મોટો ગુણાકાર કે ભાગાકાર કરવામાં ભૂલ કરી બેસે છે, ત્યારે લેંગચેઈન તે `એઆઈ'ને કમ્પ્યૂટરના કેલ્ક્યુલેટર સાથે જોડી દે છે, ત્યારે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને સાચો જવાબ આપે છે.

લેંગચેઈન કેવી રીતે કાર્ય કરે છે?

1. મોડલ્સ : આ સિસ્ટમનું હૃદય છે, તે જ `એઆઈ' છે અને યૂઝરની ભાષાને સમજે છે.

2. પ્રૉમ્પ્ટ ટેમ્પલેટ્સ : `એઆઈ'ને પ્રશ્ન પૂછવાની એક સરસ રીત. જેમ કે, શિક્ષક તમને પૂછે, `તમારું નામ ખાલી જગ્યા છે.' આ ખાલી જગ્યા પૂરવાની પદ્ધતિને પ્રૉમ્પ્ટ કહેવાય. લેંગચેઈન આવા સુંદર માળખા તૈયાર રાખે છે.

3. ઇન્ડેક્સિસ : આ જાણે પુસ્તકની અનુક્રમણિકા, જેની મદદથી `એઆઈ' સેંકડો પાનાંના પુસ્તકમાંથી એક સેકન્ડમાં સાચો ફકરો શોધી શકે છે.

4. ચેઈન્સ : અલગ-અલગ કામોને એક લાઈનમાં ગોઠવવાં.

જેમ કે, પહેલાં ભાષાંતર કરો, પછી તેનો સારાંશ લખો, પછી તેને ઈ-મેલ કરો.

5. એજન્ટ્સ : એજન્ટ એટલે એક એવો નિર્ણય લેનાર કે જે નક્કી કરે છે કે કયું સાધન કે ટૂલ ક્યારે વાપરવું.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: