રંગબેરંગી પ્લાસ્ટિકના નાના-નાના બ્લોક્સને એકબીજા સાથે જોડીને મનગમતી આકૃતિઓ બનાવવાની રમત એટલે `લેગો'. આજે વિશ્વભરમાં બાળકોથી લઈને મોટેરાંઓ સુધી લોકપ્રિય એવી આ રમત માત્ર એક રમકડું નથી, પરંતુ સર્જનાત્મકતા અને ધીરજના કૌશલ્યને ખીલવવાનું એક અદ્ભુત સાધન છે.
લેગો ગેમની સફર ડેન્માર્કના એક નાના નાનકડા સુથારના વર્કશોપથી શરૂ થઈ હતી. વર્ષ 1932માં ઓલે કિર્ક ક્રિશ્ચિયનસેન નામના ડેનિશ સુથારે લાકડાનાં રમકડાં બનાવવાનું શરૂ કર્યું. તેમણે પોતાની કંપનીનું નામ આપ્યું `LEGO', જે ડેનિશ શબ્દ `Leg Godt' પરથી લેવામાં આવ્યો છે, જેનો અર્થ થાય છે `સારી રીતે રમો'. વર્ષ 1947માં કંપનીએ પ્લાસ્ટિકનાં રમકડાં બનાવવાનું શરૂ કર્યું અને 1949માં આજના આધુનિક લેગો બ્લોક્સની પ્રારંભિક ડિઝાઇન તૈયાર થઈ, જેને `ઓટોમેટિક બાઈન્ડિંગ બ્રિક્સ' કહેવાતા. ત્યારબાદ 1958ના રોજ લેગો બ્લોક્સની ખાસ `સ્ટડ એન્ડ ટ્યૂબ' ડિઝાઇનની પેટન્ટ લેવામાં આવી. આ ડિઝાઇનને કારણે જ બ્લોક્સ એકબીજા સાથે મજબૂતીથી જોડાઈ શકે છે અને તેને સરળતાથી અલગ પણ કરી શકાય છે. લેગો રમવા માટે કોઈ નિયમો નથી હોતા, કારણ કે આ રમત મુક્ત કલ્પના પર આધારિત છે. જોકે, લેગો સેટ સાથે એક મેન્યુઅલ આવે છે. જેમાં આપેલાં ચિત્રો અને સ્ટેપ્સને ફોલો કરીને ચોક્કસ મોડલ જેમ કે કાર, કિલ્લો, રોબોટ કે સ્પેસશિપ બનાવવાનું હોય છે. બાળક પોતાની કલ્પના મુજબ ગમે તે બ્લોક ગમે તેની સાથે જોડીને આખી નવી જ દુનિયા, ઇમારતો કે કાલ્પનિક જીવો બનાવી શકે છે.
