પક્ષીઓ આકાશમાં ઊડવાની સાથે સાથે કુદરતના બહુ હોશિયાર એન્જિનિયર પણ હોય છે. જ્યારે ઈંડાં મૂકવાનો સમય થાય, ત્યારે તેઓ બહુ જ મહેનત કરીને પોતાનું ઘર એટલે કે માળો બનાવે છે. માળો બનાવવા માટે પક્ષીઓ ઘાસનાં સૂકાં તણખલાં, ઝાડનાં પાંદડાં, પતંગની દોરી, રૂ, નાના સળિયા અને ક્યારેક તો પોતાની ચાંચ વડે ખાસ ગૂંથણ પણ કરે છે.  

પક્ષીઓ પોતાના માળા ફક્ત રહેવા માટે નથી બનાવતા, પણ પોતાનાં નાનાં બચ્ચાંને કાગડા, સમડી જેવાં મોટાં શિકારી પક્ષીઓ, ભારે વરસાદ અને કડકડતી ઠંડી કે તાપથી બચાવવા માટે બનાવે છે. સૌથી મજાની વાત એ છે કે દરેક પક્ષીનો માળો બનાવવાનો અંદાજ સાવ અલગ અને રસપ્રદ હોય છે.  

કયા પક્ષીના માળાની શું છે ખાસિયત?

સુગરી : પક્ષીઓમાં સૌથી સુંદર અને કલાત્મક માળો નર સુગરી બનાવે છે. તે લીલા ઘાસનાં ઝીણાં તણખલાં ગૂંથીને ઊંધી બોટલ કે કૂંજા જેવા આકારનો અદ્ભુત માળો ઝાડની ડાળીએ લટકાવે છે. આમાં નીચેથી અંદર જવાનો રસ્તો હોય છે, જેથી સાપ કે અન્ય પ્રાણીઓ અંદર ન પહોંચી શકે.  

દરજીડો : નામ પ્રમાણે જ આ નાનકડું પક્ષી સાચો દરજી છે. તે પોતાની તીક્ષ્ણ ચાંચને સોયની જેમ વાપરે છે અને ઝાડનાં બે મોટાં પાંદડાંને કરોળિયાના જાળા કે કપાસના તાંતણા વડે સીવી લે છે. પછી તે પાંદડાંની અંદર રૂ અને ઘાસ મૂકીને આરામદાયક પથારી બનાવે છે.  

લક્કડખોદ : આ પક્ષી બહારથી કોઈ તણખલાં કે રૂ ભેગાં નથી કરતું. તે પોતાની મજબૂત ચાંચથી ઝાડના કડક થડમાં સતત ઠોક મારીને ઊંડો ખાડો કે બખોલ બનાવી લે છે અને તેને જ પોતાનું સુરક્ષિત ઘર બનાવી દે છે.  

 બગલો અને ચિલઝડ: આ મોટાં પક્ષીઓ ઊંચા ઝાડની ટોચ પર કે પાણીના કિનારે મોટી સૂકી લાકડીઓ અને ડાળખીઓ એકબીજા પર ગોઠવીને મોટો અને મજબૂત માળો બનાવે છે.  

હોલો અને કબૂતર: હોલો અને કબૂતર બહુ ઉતાવળા કે આળસુ કારીગર ગણાય! તેઓ થોડા સાદા તણખલાં એકબીજા પર ગોઠવીને એકદમ સામાન્ય માળો બનાવે છે. ક્યારેક તો આપણા ઘરની બારી, એસી કે ગ્રીલ પાછળ પણ તેઓ ઈંડા મૂકી દે છે.  

 દેવચકલી : આ પક્ષી પોતાના માળાને એકદમ પોચો અને ગરમ બનાવવા માટે ઘાસની સાથે રૂ, પ્રાણીઓના વાળ, પાતળા તાર અને કપડાના રેસાનો ઉપયોગ કરીને નરમ પથારી તૈયાર કરે છે.  

પક્ષીઓ પાસે હાથ કે કોઈ સાધન ન હોવા છતાં ફક્ત પોતાની નાની ચાંચ અને પગ વડે આટલા અદ્ભુત માળા બનાવે છે. કુદરતની આ કલાત્મક કારીગરી આપણને ઘણું બધું શીખવે છે.  

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો