લાયરબર્ડ (Lyrebird) એ મુખ્યત્વે ઓસ્ટ્રેલિયાનાં જંગલોમાં જોવા મળતું એક અત્યંત અનોખું અને મનમોહક પક્ષી છે. આ પક્ષી તેની નકલ કરવાની અદ્ભુત શક્તિ અને નર પક્ષીની સુંદર પૂંછડી માટે સમગ્ર વિશ્વમાં જાણીતું છે.  

નર લાયરબર્ડની પૂંછડી પ્રાચીન ગ્રીક સંગીત વાદ્ય `લાયર' (Lyre) જેવા આકારની હોય છે, જેના પરથી તેનું નામ `લાયરબર્ડ' પડ્યું છે. આ પૂંછડીમાં ખૂબ જ સુંદર, વાંકડિયાં અને પારદર્શક જેવાં પીંછાં હોય છે. જ્યારે નર પક્ષી મોરની માફક જ પોતાની માદાને આકર્ષિત કરવા માટે પોતાની પૂંછડી ફેલાવીને નૃત્ય કરે છે. તે નૃત્ય કરતાં પહેલાં માટીનો ખાસ ઢગલો કરે છે જેને ડાન્સિંગ માઉન્ડ કહેવામાં આવે છે. આ માટીના ઢગલા ઉપર ઊભા રહીને અલગ અલગ અવાજ કરીને તે ડાન્સ કરે છે.   

લાયરબર્ડની સૌથી મોટી ખૂબી તેનો અવાજ છે. તેના ગળાની બનાવટ એટલી જટિલ અને શક્તિશાળી હોય છે કે તે જંગલના મોટાભાગનાં પક્ષીઓ અને પ્રાણીઓના અવાજની હૂબહૂ નકલ કરી શકે છે. માત્ર કુદરતી અવાજો જ નહીં, પરંતુ માનવસર્જિત અવાજો જેવા કે: કેમેરાના શટરનો અવાજ, કૂતરાના ભસવાનો અવાજ, કારનો હોર્ન કે એલાર્મ, લાકડું કાપવાની કરવત કે ચેઇનનો અવાજ એવા તમામ અવાજ આ પક્ષી એટલી ચોકસાઈથી કાઢે છે કે કોઈ પણ માણસ કે પ્રાણી છેતરાઈ જાય. જો તે જંગલ બહાર શહેરી દુનિયામાં આવે તો બને કે અહીંના પણ ઘણા ખરા અવાજની નકલ આસાનીથી કરી શકે. જોકે, સ્વભાવે આ પક્ષી ખૂબ જ શરમાળ હોવાથી તે જંગલના ઊંડા ભાગોમાં જ રહે છે.   

 લાયરબર્ડ જમીન પર રહેવાનું વધુ પસંદ કરે છે. તેના પગ ખૂબ મજબૂત હોય છે, જેના વડે તે જમીન ખોતરીને કીડા, મંકોડા, જીવજંતુ અને વીંછી જેવા નાના જીવોનો શિકાર કરે છે. તે બહુ ઊંચું ઊડી શકતું નથી, પરંતુ ડાળીઓ પર કૂદકા મારીને ભાગી શકે છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો