મલખમ એ ભારતની સદીઓ જૂની અને અત્યંત રોમાંચક પરંપરાગત રમત છે. આ શબ્દ બે શબ્દોના જોડાણથી બન્યો છે, `મલ્લ' એટલે કે કુસ્તીબાજ કે યોદ્ધા અને `ખમ' એટલે કે થાંભલો. પ્રાચીન સમયમાં કુસ્તીબાજો પોતાની તાકાત, ચપળતા અને ફ્લેક્સિબિલિટી વધારવા માટે લાકડાના થાંભલા પર કસરત કરતા હતા, જે સમય જતાં એક સ્વતંત્ર રમત તરીકે વિકસિત થઈ.
ભારતના મલખમ કલાકારોએ 1936માં બર્લિન ઓલિમ્પિક્સમાં આ રમતનું પ્રદર્શન કરીને આખી દુનિયાને ચોંકાવી દીધી હતી. વર્ષ 2019માં મુંબઈ ખાતે પ્રથમ વિશ્વ મલખમ ચેમ્પિયનશિપનું આયોજન થયું હતું, જેમાં 15 કરતાં વધુ દેશોના ખેલાડીઓએ ભાગ લીધો હતો. મલખમ રમતમાં દરેક ખેલાડીને થાંભલા અથવા દોરી પર પોતાનાં કરતબો બતાવવા માટે સામાન્ય રીતે 60થી 90 સેકન્ડનો સમય મળે છે. આ પ્રદર્શન પૃષ્ઠભૂમિમાં વાગતા પરંપરાગત સંગીત અથવા તાલ સાથે કરવાનું હોય છે. જિમ્નાસ્ટિક્સની જેમ જ આમાં પણ 10 પોઈન્ટમાંથી માર્ક્સ આપવામાં આવે છે.










