દક્ષિણ ભારતનું તમિલનાડુ રાજ્ય પોતાની પ્રાચીન સંસ્કૃતિ, પરંપરા અને ભવ્ય મંદિરો માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ મંદિરોમાં સૌથી શિરોમણી અને કલાત્મકતાનું અદ્ભુત પ્રતીક એટલે મદુરાઇમાં વૈગાઈ નદીના કિનારે આવેલું મીનાક્ષી અમ્મન મંદિર, જેને મીનાક્ષી સુંદરેશ્વર મંદિર પણ કહેવામાં આવે છે. આ મંદિર માત્ર આસ્થાનું જ કેન્દ્ર નથી, પરંતુ દ્રવિડ સ્થાપત્યકળાની ઉત્કૃષ્ટ અજાયબી છે. 

મંદિરનો પ્રાચીન ઇતિહાસ અને પુનરોદ્ધાર   

મીનાક્ષી મંદિરનો ઇતિહાસ આજકાલનો નથી પરંતુ 2500 વર્ષથી પણ વધુ પ્રાચીન હોવાનું માનવામાં આવે છે. તમિલ સાહિત્યમાં ઈસવીસનની શરૂઆતથી જ આ મંદિરનો ઉલ્લેખ જોવા મળે છે.  

 મંદિરની મૂળ રચના છઠ્ઠી સદીમાં પાંડ્ય રાજાઓ દ્વારા કરવામાં આવી હતી. સદીઓ સુધી મદુરાઇ એ પાંડ્ય સામ્રાજ્યની રાજધાની બની રહ્યું હતું. 14મી સદીની શરૂઆતમાં ઈ.સ. 1310 માં દિલ્હી સલ્તનતના અલાઉદ્દીન ખિલજીના સેનાપતિ મલિક કાફુરે મદુરાઇ પર આક્રમણ કર્યું હતું અને મંદિરના મોટાભાગના ભાગોને લૂંટીને નુકસાન પહોંચાડ્યું હતું. એ પછી વર્ષો સુધી મદુરાઇ મંદિર ખંડિત અવસ્થામાં રહ્યું હતું. 16મી અને 17મી સદી દરમિયાન નાયક વંશના રાજાઓ, ખાસ કરીને રાજા તિરુમલાઈ નાયક દ્વારા ઈ.સ. 1623-1659 દરમિયાન મંદિરનું પુનઃ નિર્માણ કરવામાં આવ્યું હતું. તેમણે આ મંદિર સંકુલને ભવ્ય અને વિશાળ સ્વરૂપ આપ્યું હતું. 

પૌરાણિક કથા અને દેવી માહાત્મ્ય   

પૌરાણિક માન્યતા અનુસાર મદુરાઇના રાજા મલયધ્વજ અને રાણી કાંચનમાલાને સંતાનો થતાં નહોતાં. તેમણે પુત્રપ્રાપ્તિ માટે યજ્ઞ કર્યો હતો. એ યજ્ઞમાંથી એક દિવ્ય કન્યા પ્રગટ થઈ. માછલી જેવી સુંદર અને અપ્રતિમ આંખો હોવાને કારણે તેનું નામ `મીનાક્ષી' રાખવામાં આવ્યું. મીનાક્ષી પોતે દાનવ સંહારક માતા પાર્વતીનો અવતાર હતાં એવું માનવામાં આવે છે. દિગ્વિજય યાત્રા દરમિયાન કૈલાસ પર્વત પર તેમની મુલાકાત ભગવાન શિવ સાથે થઈ. ત્યારબાદ મદુરાઇ ખાતે દેવી મીનાક્ષી અને ભગવાન શિવ (સુંદરેશ્વર)નાં લગ્ન અત્યંત ભવ્ય રીતે યોજાયાં હતાં એવી લોકવાયકા છે. આ મંદિરમાં સામાન્ય શિવ મંદિરોથી વિપરીત પ્રથમ પૂજા માતા મીનાક્ષીની થાયછે અને ત્યારબાદ ભગવાન સુંદરેશ્વરનાં દર્શન કરાય છે, જે નારી શક્તિના સર્વોચ્ચ સ્થાનનું પ્રતીક છે. 

સ્થાપત્ય અને રોચક માહિતી   

આ મંદિર સંકુલ આશરે 45 એકરમાં ફેલાયેલું છે અને તે પોતાના વિશાળ કદ તથા શિલ્પકળા માટે જાણીતું છે. મંદિર સંકુલમાં કુલ 14 ગોપુરમ એટલે કે પ્રવેશદ્વાર છે, જેમાં દક્ષિણ દિશાનું ગોપુરમ આશરે 170 ફૂટ જેટલું સૌથી ઊંચું છે. આ ગોપુરમો પર 33,000થી વધુ કલરફુલ મૂર્તિઓ જેમ કે, દેવ-દેવીઓ, અપ્સરાઓ અને પૌરાણિક જીવો કંડારેલા છે. દર 12 વર્ષે આ મૂર્તિઓનું મરમ્મત કરી કુદરતી રંગોથી રંગરોગાન કરવામાં આવે છે.   

સ્થાપત્યકળાની અજાયબી સમાન આ મંડપમાં વાસ્તવમાં 985 સ્તંભો છે. દરેક સ્તંભ પર અદ્ભુત મૂર્તિઓ કોતરેલી છે. આ મંડપને એવી રીતે ડિઝાઇન કરાયો છે કે તમે ગમે ત્યાંથી જુઓ, સ્તંભો સીધી લાઇનમાં જ દેખાય છે! મંડપના એક ભાગમાં પાંચ વિશાળ પથ્થરના સ્તંભો આવેલા છે. આ સ્તંભો પર હળવી થાપ આપવાથી સંગીતના સાત સૂર જેવો મધુર ધ્વનિ ગુંજે છે. આવું થવા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.  

 મંદિરની અંદર આવેલું પવિત્ર તળાવ `પોટામરાઈ કુલમ' તરીકે ઓળખાય છે. પ્રાચીનકાળમાં તમિલ કવિઓ પોતાની નવી રચનાઓ આ તળાવના પાણીમાં નાખતા હતા. લોકવાયકા મુજબ ઉત્કૃષ્ટ સાહિત્ય પાણી પર તરતું રહેતું અને ગુણવત્તા વગરનું સાહિત્ય ડૂબી જતું.  

મદુરાઇનું મીનાક્ષી મંદિર માત્ર પથ્થરો અને મૂર્તિઓનું નિર્માણ નથી, પણ ભારતના આત્મા, કળા અને અધ્યાત્મનું જીવંત ઉદાહરણ છે. વાર્ષિક `ચિથિરાઈ ઉત્સવ' દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ આ દિવ્ય વિવાહના સાક્ષી બનવા અહીં આવે છે. આ મંદિરનો દરેક સ્તંભ અને શિખર ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતની ગૌરવગાથા ગાય છે.  

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો