ઓરિસ્સાની રાજધાની ભુવનેશ્વરથી આશરે 18 કિલોમીટર દૂર ચંદકાનાં ઘનઘોર જંગલોમાં નંદનકાનન નેશનલ પાર્ક આવેલો છે. આ નેશનલ પાર્કભારતભરમાં પોતાના વિશિષ્ટ નૈસર્ગિક વાતાવરણ અને દુર્લભ પ્રાણી સંરક્ષણ માટે પ્રખ્યાત છે. નંદનકાનનનો અર્થ થાય છે આનંદનું વન અથવા સ્વર્ગનું જંગલ. આશરે 437 હેક્ટર એટલે કે 1,080 એકરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે.  

નંદનકાનન ઉદ્યાનની સ્થાપના 1960ના દાયકામાં એક અત્યંત રોચક સંજોગોમાં થઈ હતી. એ સમયે દિલ્હી ખાતે યોજાયેલા `વિશ્વ કૃષિ પ્રદર્શન' માટે ઓરિસ્સાનાં જંગલોમાંથી કેટલાંક દુર્લભ પ્રાણીઓ જેમ કે, પેન્ગોલિન, ચિત્તો અને હરણ પકડવામાં આવ્યાં હતાં. પ્રદર્શન સમાપ્ત થયા પછી આ પ્રાણીઓને ક્યાં રાખવાં તે એક મોટો પ્રશ્ન હતો. ઓરિસ્સાના વન વિભાગે ચંદકાનાં જંગલો નજીકના ક્ષેત્રને પસંદ કરી 29 ડિસેમ્બર, 1960ના રોજ આ પાર્કનું ઉદ્ઘાટન કર્યું.   

1979માં આ વિસ્તારની જૈવવિવિધતાને ધ્યાનમાં રાખીને તેને સત્તાવાર રીતે `નેશનલ પાર્ક' અને અભયારણ્ય ક્ષેત્ર જાહેર કરવામાં આવ્યું. નંદનકાનન ભારતનું પ્રથમ એવું પ્રાણીસંગ્રહાલય બન્યું જેને વર્લ્ડ એસોસિએશન ઝૂ એન્ડ એક્વેરિયમ્સનું સત્તાવાર સભ્યપદ મળ્યું હતું.  

નંદનકાનન નેશનલ પાર્કનું સૌથી મોટું વૈશ્વિક આકર્ષણ તેના સફેદ વાઘ છે. 1980ના દાયકામાં અહીં એક અદ્ભુત જૈવિક ઘટના ઘટી. `દીપક' અને `રેશમા' નામના સામાન્ય પીળા વાઘના જોડાથી અચાનક સફેદ વાઘનાં બચ્ચાંઓનો જન્મ થયો. જનીન શાસ્ત્રની દૃષ્ટિએ આ ઘટના અત્યંત દુર્લભ ગણાતી હતી. ત્યારપછી નંદનકાનન સફેદ વાઘના સફળ પ્રજનન અને સંવર્ધનનું વિશ્વમાં સૌથી મોટું કેન્દ્ર બની ગયું. આજે અહીંથી વિશ્વનાં અનેક પ્રાણીસંગ્રહાલયોમાં સફેદ વાઘ મોકલવામાં આવ્યા છે. અહીં 157થી વધુ પ્રજાતિના 1500થી પણ વધુ પ્રાણીઓ અને પક્ષીઓ વસે છે. જેમાં ભારતીય ગેંડા, પેન્ગોલિન, ચિત્તો, એશિયાઇ સિંહ, કાંગારું અને અનેક પ્રકારના સરિસૃપ પ્રાણીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અહીં વિશાળ વનસ્પતિ ઉદ્યાન પણ આવેલો છે, જેમાં ઐષધીય છોડ અને દુર્લભ વૃક્ષો સચવાયેલાં છે.   

સૌથી સારી વાત એ છે કે અહીં લાયન, ટાઇગર, રીંછ અને હરણ માટે અલગ-અલગ સુરક્ષિત વાહનોમાં ખુલ્લા જંગલમાં સફારીની સુવિધા છે. એટલે તમે જે પ્રાણીને જોવા ઇચ્છો એની અલગથી રાઇડ કરી શકો છો. આ નેશનલ પાર્કમાં કાંજિયા તળાવ આવેલું છે. 75 હેક્ટરમાં ફેલાયેલું આ કુદરતી તળાવ `રામસર વેટલેન્ડ' છે. અહીં પ્રવાસીઓ બોટિંગનો આનંદ માણી શકે છે અને શિયાળામાં વિદેશી પક્ષીઓ જોઈ શકાય છે. લુપ્ત પ્રાય `ગડિયાળ' જાતિના મગરનું કુદરતી વાતાવરણમાં સફળ સંવર્ધન કરાવનાર નંદનકાનન વિશ્વનું પ્રથમ કેન્દ્ર છે.  

તળાવની ઉપરથી પસાર થતો રોપ વે પ્રકૃતિનો વિહંગમ નજારો આપે છે, જ્યારે ટોય ટ્રેન બાળકોમાં પ્રિય છે. આ નેશનલ પાર્કમાં અલગથી રેપ્ટાઇલ પાર્ક અને એક્વેરિયમ બનાવવામાં આવ્યું છે, જેમાં વિવિધ પ્રકારના અજગર જેવા સાપ, કાચબા તથા રંગબેરંગી દરિયાઇ માછલીઓ જોવા મળે છે. આ ઉપરાંત, પાર્કની સાથે જોડાયેલો એક વિશાળ બોટનિકલ ગાર્ડનછે, જ્યાં ઔષધીય છોડ, ઓર્કિડ હાઉસ અને કાંટાળી વનસ્પતિઓનો સમૃદ્ધ સંગ્રહ સચવાયેલો છે. ઓક્ટોબરથી માર્ચ શિયાળાના મહિનાઓ દરમિયાન હવામાન આહ્લાદક રહે છે, તેથી આ સમય નંદનકાનન નેશનલ પાર્ક માટે ઉત્તમ છે. નંદનકાનન નેશનલ પાર્ક પર્યાવરણ જાગૃતિ, સંશોધન અને લુપ્ત થતી પ્રજાતિઓના સંરક્ષણનું એક મોટું આંતરરાષ્ટ્રીય કેન્દ્ર છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો