કુદરતે બનાવેલાં સૌથી વિચિત્ર અને રસપ્રદ પ્રાણીઓની યાદી બનાવીએ તો તેમાં સૌથી પહેલું નામ પ્લેટીપસનું આવે. વૈજ્ઞાનિકોએ જ્યારે પહેલીવાર તેને જોયું ત્યારે તેમને લાગ્યું કે કોઈએ અલગ-અલગ પ્રાણીઓનાં અંગો ભેગાં કરીને રમૂજ કરી છે!
ઘણાં પ્રાણીઓનું મિશ્રણ : પ્લેટીપસના મોંનો ભાગ બતક જેવો, પૂંછડી બીવર જેવી અને પંજા ઓટર જેવાં હોય છે.
ઈંડાં મૂકતું સસ્તન પ્રાણી : સામાન્ય રીતે સસ્તન પ્રાણીઓ બચ્ચાંને જન્મ આપે છે, પરંતુ પ્લેટીપસ અને એકિડના જ એવાં ખાસ પ્રાણીઓ છે, જે સસ્તન હોવા છતાં ઈંડાં મૂકે છે.
દૂધ પીવડાવવાની અનોખી રીત : તેની પાસે આંચળ હોતા નથી! ઈંડાંમાંથી બચ્ચાં બહાર આવે ત્યારે માતાના પેટની ત્વચામાંથી દૂધ પરસેવાની જેમ બહાર નીતરે છે અને બચ્ચાં તેને ચાટીને પીવે છે.
કુદરતી નિવાસસ્થાન : આ અનોખો જીવ માત્ર ઓસ્ટ્રેલિયા દેશમાં જ જોવા મળે છે. તે નદીઓ, તળાવો અને મીઠા પાણીના સ્રોતોના કિનારે રહે છે.
સુપર સિક્સ્થ સેન્સ (Sixth Sense) : પ્લેટીપસ જ્યારે પાણીમાં ડૂબકી લગાવે છે ત્યારે તેની આંખ, કાન અને નાક બંધ થઈ જાય છે! તે શિકાર શોધવા માટે પોતાની ચાંચમાં રહેલી ખાસ ઇલેક્ટ્રિક સેન્સર શક્તિનો ઉપયોગ કરે છે.
ઝેરીલો મિત્ર : નર પ્લેટીપસના પાછળના પગમાં એક નાનો કાંટો હોય છે, જેમાં ઝેર હોય છે. તે પોતાના બચાવ માટે આ ઝેરનો ઉપયોગ કરે છે.
ઝડપી તરે છે : તેના પગની આંગળીઓ વચ્ચે ત્વચા હોય છે, જે તેને પાણીમાં ચંપુની જેમ ખૂબ જ ઝડપથી તરવામાં મદદ કરે છે. તે એક માંસાહારી જીવ છે. નાની માછલીઓ, ઝિંગા ખાય છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો