કુદરત પાસે અદ્ભુત રહસ્યોનો ખજાનો છે, ચાહે તે વનસ્પતિ હોય કે જીવસૃષ્ટિમાં હોય. કુદરતનાં આ અદ્ભુત રહસ્યોમાંથી એક સૌથી ક્યૂટ અને અનોખો જીવ એટલે એક્સોલોટલ (Axolotl)! આ એક એવો જીવ છે જે પોતાના ગુણોથી વૈજ્ઞાનિકોને પણ આશ્ચર્યમાં મૂકી દે છે.
આ જીવનો ચહેરો જોતાં જ તમને પ્રેમ થઈ જશે. તેના મોંની બનાવટ એવી હોય છે કે જાણે તે હંમેશાં તમારી સામે જોઈને મંદ-મંદ હસી રહ્યો હોય. તેની આ ખૂબીને કારણે જ તેને `સ્માઈલિંગ વોટર મોન્સ્ટર' પણ કહેવામાં આવે છે.
તે દેખાવમાં પાંખોવાળી ગરોળી જેવો લાગે છે, પણ તે પાણીની બહાર આવી શકતો નથી. તેના માથાની બંને બાજુ ગુલાબી રંગના તાજ જેવા `ગિલ્સ' હોય છે, જેનાથી તે પાણીમાં શ્વાસ લે છે. આમ પણ મોટાભાગના દરિયાઇ જીવ પાણીમાં શ્વાસ લેવા માટે ગિલ્સનો જ ઉપયોગ કરતા હોય છે.
એક્સોલોટલની સૌથી મોટી સુપરપાવર ક્ષમતા તેની પુનર્જનન છે. જો તેના પગ, પૂંછડી, કાન કે હૃદયનો કોઈ પણ ભાગ ક્ષતિગ્રસ્ત થઈ જાય, તો તે તેને કોઈ પણ દાઘ વગર આબેહૂબ નવો ઉગાડી શકે છે! આ નવો ઊગેલો ભાગ ક્ષતિગ્રસ્ત પણ નથી હોતો.
આ અનોખો જીવ માત્ર મેક્સિકો દેશની `ક્સોચિમિલ્કો' નામના તળાવમાં જ કુદરતી રીતે જોવા મળે છે.
સામાન્ય રીતે દેડકા કે ગરોળી જેવા જીવો મોટા થઈને પોતાનું રૂપ બદલે છે, પરંતુ એક્સોલોટલ આખી જિંદગી પાણીમાં જ રહે છે અને પોતાનું બાળરૂપ જ જાળવી રાખે છે.
તે સામાન્ય રીતે ગુલાબી, સફેદ, કાળો કે સોનેરી રંગ ધરાવે છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો