આજે મારી વાર્ષિક પરીક્ષાનું છેલ્લું પેપર હતું. સવારે જ્યારે હું જાગ્યો ત્યારે પેટમાં એક વિચિત્ર ફડકો બોલતો હતો. મનમાં ગણિતના પ્રમેયો, દાખલાનાં સૂત્રો, આકૃતિઓ બધું એકસાથે ચકરાવે ચડી રહ્યું હતું. મમ્મીએ ટેબલ પર ગરમ દૂધ અને બદામ મૂક્યા, પણ આજે તો ગળા નીચે કશું ઊતરતું જ નહોતું. બસ, મનમાં એક જ વિચાર આવતો હતો કે આજે બસ પેપર સારું જાય તો સારું. મનમાં છૂપો ડર પણ લાગતો હતો.
હું મારી સ્કૂલ બેગ ચેક કરવા બેઠો. બે-ત્રણ વાદળી બોલપેન, એક પેન્સિલ, સંચો, રબર અને મારી પારદર્શક ફૂટપટ્ટી બધું બરાબર છે કે નહીં તે બબ્બે વાર ચકાસી લીધું. હોલ ટિકિટ તો મેં રાત્રે જ કંપાસબોક્સમાં મૂકી દીધી હતી. મમ્મીએ મારા માથે હાથ ફેરવીને કહી દીધું, બેટા, બહુ ચિંતા ન કર, શાંતિથી વિચાર કરીને લખજે.હું પહેલાં ભગવાનને અને પછી મમ્મીને પગે લાગીને સાઇકલ લઇને સ્કૂલે જવા નીકળી પડ્યો.
રોજ જે સ્કૂલનો રસ્તો મસ્તી-મજાકથી ભરેલો લાગતો હતો, આજે એ જ રસ્તો થોડો ગંભીર લાગતો હતો. રસ્તામાં મળતા મારા વર્ગના મિત્રોના મોં પર પણ મારા જેવી જ મૂંઝવણ અને ડર સ્પષ્ટ દેખાતાં હતાં. સ્કૂલના મેદાનમાં પહોંચતાં જ બધા મિત્રો ભેગા થઈ ગયા. કોઈ પુસ્તકનાં પાનાં ઝડપથી ફેરવી રહ્યું હતું, કોઈ એકબીજાને આઈએમપી પ્રશ્નો પૂછીને ચકાસી રહ્યું હતું, તો કોઈ શાંતિથી ખૂણામાં ઊભું રહીને મનોમન રિવિઝન કરતું હતું. અરે! પેલા પાઠનો મોટો જવાબ યાદ કર્યો કે નહીં? એવો પ્રશ્ન સાંભળીને ક્ષણભર માટે તો મારો શ્વાસ જ રોકાઈ ગયો!
એટલામાં પરીક્ષાની પહેલી ઘંટડી વાગી. બધા વિદ્યાર્થીઓ પોતપોતાના નંબર પ્રમાણે ફાળવેલા વર્ગખંડ તરફ ચાલવા લાગ્યા. મારું દિલ જોરથી ધડકવા લાગ્યું. મેં મારી સીટ નંબરવાળી બેન્ચ પર બેસીને ઊંડો શ્વાસ લીધો. સુપરવાઈઝર સર ખંડમાં આવ્યા. તેમણે બધાને શાંત રહેવા કહ્યું અને ઉત્તરવહીઓ વહેંચી. મેં સૌથી પહેલાં મારી હોલ ટિકિટ જોઈને રોલ નંબર, વિષય અને તારીખ ખૂબ ધ્યાનથી લખ્યાં.
બીજી ઘંટડી વાગી અને હાથમાં પ્રશ્નપત્ર આવ્યું. થોડી ક્ષણો માટે મેં આંખો બંધ કરી અને ઇષ્ટદેવને યાદ કર્યા. ત્યારબાદ મેં પ્રશ્નપત્ર વાંચવાનું શરૂ કર્યું. જેમ-જેમ હું પ્રશ્નો વાંચતો ગયો, તેમ-તેમ મારો ડર ગાયબ થવા લાગ્યો. મોટાભાગના પ્રશ્નો એવા જ હતા, જે મેં ગઈ કાલે રાત્રે અને સવારે વાંચ્યા હતા. મેં લખવાનું શરૂ કર્યું. પહેલાં ટૂંકા પ્રશ્નો, પછી વિકલ્પો અને પછી મોટા જવાબો. સમયનો ખ્યાલ રાખીને હું ઝડપથી અને સુંદર અક્ષરે લખી રહ્યો હતો. વચ્ચે એક-બે માર્કના પ્રશ્નમાં થોડું ભુલાઈ ગયું, પણ મેં ચિંતા કર્યા વગર તેને બાકી રાખી આગળ લખવાનું ચાલુ રાખ્યું. છેલ્લી દસ મિનિટની ઘંટડી વાગી ત્યારે મારે માત્ર એ એક જવાબ બાકી હતો. થોડું વિચારતાં જ મને એ યાદ આવી ગયો અને મેં તરત જ પૂરો કરી દીધો.
છેલ્લી પાંચ મિનિટમાં મેં આખું પેપર ફરીથી ચકાસી લીધું. સપ્લિમેન્ટરી પર નંબર બરાબર છે કે નહીં, કોઈ પ્રશ્ન રહી તો નથી ગયોને! સરે પેપર જમા કરી લીધાં. પરીક્ષા પૂરી થવાની સાથે જ આખા વર્ગખંડમાં અને સ્કૂલમાં એક આનંદની લહેર દોડી ગઈ. સ્કૂલની બહાર નીકળીને મેં અને મારા દોસ્તોએ ખૂબ બૂમો પાડી. હવે તો ઉનાળાની રજાઓ આપણી જ હતી! આજે પેપર ખૂબ સરસ ગયું હતું અને મન પરથી એક મોટો બોજ ઊતરી ગયો હતો.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો